ફ્રોઝન - એલ્સા અને એનાની અનોખી દુનિયા
૨ વખત ઓસ્કાર વિજેતા મુવી ફ્રોઝન ૨૦૧૩માં રીલીઝ થયું છે. આ મુવીનો બીજો ભાગ ૨૦૧૯માં આવવાનો છે. મુવીની શરૂઆત એક હસતા - રમતા પરિવારથી થાય છે. એલ્સા અને એના બંને બહેનો તેના માતાપિતા સાથે રહેતા હોય છે. એલ્સા પાસે સુપર પાવર હોય છે - કોઈપણ વસ્તુ કે વ્યક્તિ કે સ્થળને બરફમાં થીજી નાખવાની શક્તિ. એલ્સા પોતાની શકિતને શ્રાપ માનીને નાની ઉંમરથી જ એકલી એક રૂમમાં પૂરાઈને રહેવા લાગે છે. તેની બહેન એનાને તેની આ શક્તિ વિશે ખબર નથી હોતી.
સમય જતા બંને બહેનો મોટી થઇ જાય છે અને એલ્સા મોટી હોવાથી ક્વીન બને છે. એ જ સમયે તેની ખુશીમાં જે પાર્ટી રાખવામાં આવી હોય છે ત્યારે એલ્સાની બરફથી થીજી નાખવાની શક્તિ બધાની સામે આવી જાય છે. એલ્સા પોતાની જાતથી જ ડરી જાય છે અને ઘર છોડીને ચાલી જાય છે. તે એક બરફપ્રદેશમાં જઈને બરફથી પોતાનું ઘર બનાવીને રહેવા લાગે છે. એના તેની બહેનને શોધવા માંગતી હોય છે. તેથી એના એલ્સાને શોધવા માટે નીકળી પડે છે.
એલ્સાને શોધવાની મુસાફરી, રસ્તામાં ક્રિસ્ટોફ નામનો એક છોકરો અને ઓલ્ફ નામનો બરફથી બનેલ પાત્રનું એનાને મળવું અને ત્રણેય સાથે મળીને એલ્સાને શોધીને ઘરે પાછી લાવે તેની કહાની એટલે ફ્રોઝન. આ મુવીનું "લેટ ઈટ ગો" ગીત ખૂબ જ પ્રખ્યાત છે. તેના લીરીક્સમાંથી જ ઘણું શીખવા મળી જાય છે. તો મુવીમાંથી તો કંઇક શીખવા મળે જ:
૧ સપના અને સ્વતંત્રતા
ઓલ્ફને ખબર હોય છે કે જો તે ક્યારેય ગરમીના વાતાવરણમાં જાય તો ઓગળી જશે. આમ છતાં તે પોતાની જાતને એવું સપનું જોવાની સ્વતંત્રતા આપે છે જેમાં તે ઉનાળાની ગરમીમાં પણ મજા માણતો હોય. એક સમય એવો આવે છે જયારે પોતાના જીવના જોખમે પણ ઓલ્ફ પોતાનું સપનું પૂરું કરવા અને એનાને સાથ દેવા માટે ગરમીમાં રહેવા તૈયાર થઇ જાય છે. તેનું સપનું પૂરું ત્યારે જ થઇ શક્યું જયારે તેણે પોતાની જાતને અશક્ય સપનું જોવાની સ્વતંત્રતા આપી. જો તમે તમારી જાતને જ એક મર્યાદામાં બાંધી લેશો તો તમે ક્યારેય સપના જોઇને પૂરા નહી કરી શકો. તમારી જાતને સપના જોવાની અને પૂરા કરવાની સ્વતંત્ર આપો.
૨ જતું કરો
મુવીના "લેટ ઈટ ગો" ના ગીત મુજબ - જીવનમાં જે કંઈપણ બની ગયું, જે કંઈપણ દુઃખ છે, જે કંઈપણ અફસોસ છે, તમારા જે કંઈપણ નિર્ણયો છે અને પસંદગીઓ છે, આ બધાને જતું કરી દો. ભૂતકાળને પકડી ન રાખો. કારણ કે તમે ભૂતકાળને બદલાવી શકવાના નથી. બધું જતું કરીને હળવા થઇ જાવ અને વર્તમાનમાં જીવવા લાગો.
૩ એકલા ન પડો
સામાન્ય રીતે બધા લોકો જયારે દુઃખી હોય કે નિરાશ હોય ત્યારે પોતાના અંગત લોકોથી અળગા થઇ જાય છે અને એકલા રહેવા લાગે છે. એવું ન કરવું જોઈએ. તમારી જાતને તમારી લાગણીઓ અંગત લોકો સાથે શેર કરવાનો મોકો આપવો જોઈએ. એલ્સાને જયારે પોતાની શક્તિની ખબર પડી જાય છે ત્યારે તે ડરીને બધાથી દૂર થઇ જાય છે. એનાના અનેક પ્રયત્નો છતાં તે પોતાની લાગણીઓ શેર કરતી નથી. અંતે જયારે એના તેને શોધી લે છે અને ઘરે લઇ જવા મનાવે છે ત્યારે એલ્સા પોતાની જાતને એકલતામાંથી બહાર કાઢે છે.
૪ નજરીયો
એલ્સાને પોતાની શક્તિ શ્રાપ લાગે છે. તેને તેની શક્તિ આશીર્વાદ લાગતી નથી. તેને એ નથી દેખાતું કે તે પોતાની બરફની શક્તિનો ઉપયોગ કરીને કેટલું સુંદર મજાનું ઘર બનાવી શકી. પણ જયારે તેનો પોતાની જાત માટેનો અને પોતાની આવડત માટેનો નજરીયો બદલાય છે ત્યારે તે પોતાની જાતને સ્વીકારી શકે છે. ઘણીવાર એવું થતું હોય કે તમે જ તમારી જાતને અને તમારી આવડતને ઓછી આંકતા હો. પણ જો તમે તમારો નજરીયો જ બદલાવી નાખો તો તમે તમારી અંદરના અલગ જ વ્યક્તિત્વને મળો તેવું બની શકે.
આ મુવી તમને આવડત, કુટુંબ, સ્વમાં વિશ્વાસ અને સંબંધોનું મૂલ્ય શીખવશે. બીજા ભાગની મજા માણવા માટે હજુ સુધી ફ્રોઝન ન જોયું હોય તો જોઈ લો જેથી ૨૦૧૯માં વધારે સારી રીતે મુવીને માણી અને સમજી શકો.
આભાર
દર્શાલી સોની