ફ્રીડા - મહાન ચિત્રકાર
૨૦૦૨માં આવેલ ફ્રીડા મુવીને બે ઓસ્કાર મળેલ છે. અનેક મહાન લોકોના જીવન પરથી ફિલ્મ્સ બનતા રહે છે. જો તમને જીવનચરિત્ર આધારિત મુવી જોવા ગમતા હોય તો ફ્રીડા મુવી તમને જરૂર ગમશે. ૧૯મી સદીમાં અનેક મહાન ચિત્રકારો થઇ ગયા તેમની બળવાખોર ચિત્રકાર એટલે ફ્રીડા કાહલો. મેક્સીકોમાં રહેતી ફ્રીડાનું જીવન અનેક ચડાવ ઉતારોથી ભરેલું છે. આ મુવીમાં ફ્રીડાનું પાત્ર પ્રખ્યાત અભિનેત્રી સલમા હાયેકે નિભાવેલ છે. ફ્રીડા ઉત્તમ ચિત્રકાર હોય છે. અને તેના લગ્ન તેનાથી ઘણા મોટા અને સફળ ચિત્રકાર ડીએગો રિવેરા સાથે થાય છે. એક એક્સિડન્ટના કારણે ફ્રીડા પથારીવશ થઇ જાય છે અને ખૂબ જ વિવશ બની જાય છે. આવી પરિસ્થિતિમાં પણ ફ્રીડા તેનું જીવન કઈ રીતે જીવે છે અને એટલા રૂઢીચુસ્ત જમાના પણ તેણીના બોલ્ડ વ્યક્તિત્વની ઝલક તમને આ મુવીમાં જોવા મળશે. તો ચાલો જાણીએ શું કહે છે ફ્રીડા:
૧ પેશન
ફ્રીડાનું એકસીડન્ટ થઇ જાય છે. તેથી તેણી પેઇન્ટિંગ કરી શકતી નથી. પણ તેના માટે પેઇન્ટિંગ તેનું પેશન છે. તેથી તેણી તેના પગના પંજાથી પણ પેઇન્ટિંગ કરે છે. અને પથારીવશ હોવા છતાં તેણી પોતાનું પેશન છોડતી નથી. એકવાર મુવીમાં ફ્રીડા તેના પતિને તેના પેઇન્ટિંગ વિશે અભિપ્રાય માંગે છે ત્યારે તેનો પતિ ડીએગો કહે છે કે તેનો અભિપ્રાય મહત્વનો છે જ નહિ કારણ કે ફ્રીડા માટે પેઇન્ટિંગ તેનું પેશન છે અને તેણી જીવનના અંત સુધી પેઇન્ટિંગ કરવાની જ છે. ફ્રીડાએ અનેક શારીરિક મુશ્કેલીઓ હોવા છતાં પેશન ન છોડ્યું. ગમે તેવી પરિસ્થિતિ જીવનમાં આવે તમારા પેશન પાછળ દોડવાનું ચાલુ રાખો.
૨ અપેક્ષાઓ અને વાસ્તવિકતા
માણસ જીવન પાસેથી અનેક અપેક્ષાઓ રાખે છે અને વાસ્તવિકતા પણ કંઇક અલગ જ હોય છે. મોટાભાગે લોકોને એવો અફસોસ રહેતો હોય છે કે તેઓની અપેક્ષાઓ પૂરી ન થઇ. પણ ફ્રીડા તો આશાવાદી હતી. તેણીએ કહ્યું છે કે જીવનમાં આપણે ઘણીવાર વિચાર્યું હોય તેના કરતા પણ વધારે હાંસિલ કરી શકીએ છીએ. શા માટે એવું માનવું કે અપેક્ષાઓ કરતા ઓછું મળ્યું. બની શકે અપેક્ષાઓ કરતા વાસ્તિવક જીવનમાં તમને ઘણું વધારે મળ્યું હોય. તેથી ફ્રીડા જેવા આશાવાદી બનો.
૩ પરિપક્વતા
ફ્રીડા અને ડીએગોના લગ્નજીવનમાં અનેક ચડાવ ઉતાર આવે છે. ફ્રીડા વધુ પડતા સ્વતંત્ર વિચારોવાળી સ્ત્રી હોવાને કારણે તેના અને ડીએગોના લગ્નજીવનમાં મુશ્કેલીઓ આવે છે આમ છતાં ડીએગો ફ્રીડાના જીવનના અંત સુધી ફ્રીડાનો સાથ આપે છે. મુવીના એક સીનમાં ફ્રીડા ડીએગોને જણાવે છે કે તેના માટે લગ્નજીવનમાં વિશ્વાસ કરતા વફાદારી વધુ મહત્વની છે. ડીએગો પોતે સફળ ચિત્રકાર હોવા છતાં ફ્રીડાના પેઇન્ટિંગને વધારે ને વધારે બિરદાવીને તેને આગળ વધારવા મદદ કરે છે. તેથી જ ફ્રીડા માટે તેનો ડીએગો માત્ર પતિ નહી પણ ગુરુ અને મિત્ર પણ સાબિત થાય છે. ફ્રીડા અને ડીએગોના લગ્નજીવનમાં પરિપક્વતા અને એકબીજાને સમજવાની સમજશકિતના કારણે જ બંને અંત સુધી એકબીજા સાથે રહી શકે છે.
૪ હિંમત
ફ્રીડાના શરીરે તેનો સાથ છોડી દીધો હતો. તેની કીડનીમાં ઇન્ફેકશન હતું. તેણી પથારીવશ થઇ ગઈ હતી. બાળકોને જન્મ આપી શકવાની ન હતી. તે સાવ વિવશ થઇ ગઈ હતી. આમ છતાં તે હાર માનતી નથી. તેણી ખૂબ જ હિંમતપૂર્વક જીવન જીવે છે. તેની શારીરિક લાચારીને તેના માનસ પર તે હાવી થવા દેતી નથી. તેણી હિંમતવાન બનીને જીવનના અંત સુધી તેના પેઇન્ટિંગસ બનાવવાનું ચાલુ રાખે છે. જીવનના દરેક તબ્બકામાં હિંમતથી જીવવું એ જ તો સાચી ખુમારી કહી શકાય.
૫ દુઃખ માટેનો દ્રષ્ટિકોણ
દુઃખ તો શોધવા બેસીએ તો દરેક વ્યક્તિના જીવનમાં હોવાનું જ છે. ફ્રીડાના જીવનમાં તેની શારીરિક વિવશતા તેના માટે મોટામાંમોટું દુઃખ હતું. આમ છતાં તેણીએ તેના દર્દને ભૂલવા માટે તેના પેશનનો સહારો લીધો. તેણીએ તેની છત પર અરીસો મુકાવીને પોતાના જ પેઇન્ટિંગસ દોરવાના ચાલુ કર્યા. તેણીએ તેના અને તેના પતિ સાથેના અનેક પેઇન્ટિંગસ દોર્યા. ફ્રીડાએ તેના દુઃખ માટેનો નજરીયો જ બદલાવી નાખ્યો. કોઈપણ બાબત પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાવો તો કોઈ દુઃખમાંથી પણ આશા જન્મી શકે છે. ફ્રીડાના દરેક ચિત્રમાં તેનું દર્દ છલકે જ છે પણ તેણીએ હિંમત રાખીને પોતાનો દ્રષ્ટિકોણ બદલાવીને યાદગાર જીવન જીવ્યું.
ફ્રીડાનું મૃત્યુ ૧૩ જુલાઈ,૧૯૫૪માં થયું. તેનો જન્મ ૬ જુલાઈ,૧૯૦૭ના રોજ થયો હતો. તેથી ફ્રીડાના જન્મતિથી ઉજવવાના ભાગરૂપે અને કલાના ચાહક તરીકે તમારે આ મુવી જરૂરથી જોવું જોઈએ.
આભાર
દર્શાલી સોની