ફ્રીડમ રાઈટરસ – તેના શબ્દો અને તેનું ભવિષ્ય
કલ્પના કરો કે તમારી એક શિક્ષક તરીકેની સૌથી પહેલી નોકરી હોય. તેમાં જ તમને એવા વિદ્યાર્થીઓ મળે કે જે પોતાની જાત સાથે અને સમાજ સામે સતત લડત આપતા હોય. તમે તેને કઈ રીતે મદદ કરશો? શું તમે તેને સાચી દિશા પ્રેમથી સમજાવીને આપશો કે પછી કડક થઈને આપશો? તમે તેના વિચારોને પર આપશો કે પછી વિચારો વધુ પડતા સ્વતંત્ર છે તેમ માનીને પંખ જ કાપી નાખશો?
જો કે આ મુવીમાં તો વિદ્યાર્થીઓને પર પણ આપવામાં આવે છે અને સાચી સમજ પણ. હા, ૨૦૦૭માં આવેલું ફ્રીડમ રાઈટરસ મુવી નીગ્રો અને વાઈટ લોકો વચ્ચે સતત જંગ ચાલતી તે સમય દર્શાવતું મુવી છે. તે સમયમાં નીગ્રોને બહુ જ નીચી કક્ષાના માનવામાં આવતા. બરાબર આ જ સમયે એક શાળામાં વોલેન્ટરી ઇનટીગ્રેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે. જેના હેઠળ કેટલાક વાઈટ લોકો પણ નીગ્રો સાથે ભણવા માટે આવે. બસ સમસ્યા ત્યાંથી જ શરુ થાય. જે રીતે એક સમયે હિંદુ અને મુસ્લિમ વચ્ચે કટ્ટર દુશ્મની હતી તે જ રીતે આ લોકો વચ્ચે દુશ્મની.
બસ આ સમયે જ એન્ટ્રી થાય મુવીના મુખ્ય પાત્રની – એરિન – એક ટીચર. કે જે આ શાળામાં ઈંગ્લીશ ભણાવવા માટે આવે. હા, તેનું પાત્ર ટેલેન્ટેડ હિલેરી સ્વાંકે નીભાવેલું છે. તે વાઈટ છે. તેના પતિ સ્કોટનું પાત્ર પેટ્રિક ડીમસીએ નિભાવેલ છે. આ મુવીમાં અનેક વિદ્યાર્થીઓમાંના મુખ્ય વિદ્યાર્થીઓની વાત કરું તો એવા, એન્ડ્રે, ગ્લોરિયા અને બીજા ઘણા બધા.
દરેક વિદ્યાર્થીની અલગ વિચારસરણી અને વ્યક્તિત્વ છે. દરેક પાત્ર તમને જીવનમાં કંઇક તો શીખવી જ જશે. તો ચાલો જાણીએ શું શીખવે છે ફ્રીડમ રાઈટરસ:
૧ કિશોરાવસ્થા
આપણા સાહિત્યમાં કિશોરાવસ્થા વિષે ઘણું લખાયું છે. પણ સાવ સાચી વાત કહું તો આ સમયે બે જ વસ્તુ થઇ શકે – કા તો વ્યક્તિ સુધરી જાય કા તો વ્યક્તિ બગડી જાય. હવે વ્યક્તિ કયો રસ્તો પસંદ કરે છે અથવા તેને પસંદ કરાવવામાં આવે છે – તે તો સંજોગો જ નક્કી કરે. મુવીમાં એક સરસ ડાયલોગ છે – “અમે યુવાન છીએ તેનો મતલબ એવો નથી કે અમે હંમેશા ખુશ જ હોઈએ. અમારી અંદર સતત ચાલતી જંગ પર તો ક્યાં કોઈ ધ્યાન આપે જ છે.”
આ ઉંમરમાં જો તમને જીવનમાં સાચી દિશા મળી જાય તો તમે ઉગરી જાવ. શું આ મુવીમાં એરિન વિદ્યાર્થીઓને સાચી દિશા આપી શકે છે? તેઓને વધુ ભણવા માટે અને આ નીગ્રો-વાઈટ માનસિકતામાંથી બહાર લાવી શકે છે?
૨ વિરોધનો ઘૂઘવાટ
દરેક વ્યક્તિની અંદર કંઇક ને કંઇક વાત એવી તો ચાલતી જ હોય છે કે જે સમાજને અનુકુળ ના આવે. અથવા તો સમાજ તેનો વિરોધ જ કરે. અથવા તો સમાજના અમુક નીતિ નિયમો તે વ્યક્તિને મગજમાં જ ન બેસતા હોય. તેમાં જ પણ જયારે યુવાનીનું લોહી ગરમ હોય ત્યારે તો નિયમોમાં બંધાવું સૌથી વધુ અઘરું લાગતું હોય છે. આવા સમયે વિરોધને સમજી અને સાચા ઉકેલ લાવવા તે જ સમજદારી કહી શકાય. શું એરિન બધામાં આ વિરોધ શાંત પાડી શકે છે?
૩ વિચારોની સ્વતંત્રતા
આપણા ભારત દેશના સ્વતંત્ર નાગરિક તો કહેવાય છીએ પણ શું આપણને ખરેખર વિચારો અને એક્શનની સ્વતંત્રતા આપવામાં આવી છે? નાનપણથી જ માનવીના માનસ પર નિયમો અને મર્યાદાઓનો મારો શરુ કરી દેવામાં આવે છે. તેમાં જ એક ખીલતું ગુલાબ કરમાઈ જાય છે. જો તમારી આસપાસ આવું થતું હોય તો તમે લોકોને મદદ કરો. જે રીતે એરીને બધા વિદ્યાર્થીઓને કરી.
કોઈવાર કોઈ મુવીમાંથી શું શીખવું તે જ ખાલી માત્ર વાંચવા કરતા – તેને જીવનમાં અમલમાં ઉતારીએ તો પણ ઘણો ફાયદો થાય છે. આ મુવીમાં વાત ભલે નીગ્રો અને વાઈટ લોકોની છે, વિદ્યાર્થીની પણ વાત છે. – આમ છતાં એટલું જરૂર કહીશ કે ઘણા મુવીઝ આપણા શિક્ષક સાબિત થતા હોય છે. તેથી આ મુવી એકવાર જોવું જોઈએ.
આભાર
દર્શાલી સોની