Free Guy

Free guy by darshali.jpg

દરેક ગેમમાં એક હીરોની જરૂર પડે છે

હાલમાં વિડીયો ગેમ્સની બોલબાલા વધી ગઈ છે. નાના બાળકથી માંડીને ૫૦ વર્ષના અંકલ પણ તેના ફોનમાં વિડીયો ગેમ રમતા હોય છે. હા, એ વાત અલગ છે કે બધા પોતાની ક્ષમતા, સમજ અને પસંદગી મુજબ ગેમની પસંદગી કરે છે. આજે એક પ્રખ્યાત ગેમ - “ફ્રી સિટી”ની વાત કરીશું. લોકો આ વચ્ચે આ ગેમ ખૂબ જ પ્રખ્યાત છે. હવે કલ્પના કરો કે આ ગેમનું એક પાત્ર કે જે બેંકમાં કામ કરે છે તેને અચાનક જ એવી ખબર પડે કે તેનું જીવન એક ગેમ છે નહી કે વાસ્તવિકતા? તો કેવું? વાર્તા થોડી જાણીતી લાગી હશે જો તમે જીમ કેરીનું “ધ ટ્રુ મેન શો” જોયું હશે. 

૨૦૨૧માં બધાના ચહિતા રાયન રોનાલ્ડનું મૂવી આવ્યું - “ફ્રી ગાય”. જેમાં તેણે ગેમમાં મુખ્ય પાત્ર “ગાય”નો રોલ ભજવ્યો છે. આ મૂવી જોતી વખતે તમને એવું જ લાગશે કે જાણે કોઈ ગેમ જોઈ રહ્યા છો - અચાનક જ દુનિયાનો અંત આવે, બેંક લૂંટ થાય, રસ્તા પર અજીબ પ્રકારના વાહનો દેખાય, અને હીરોને અચાનક જ એક સુંદર અને મારફાડ હિરોઈન મળે. તે બંને એકબીજાના પ્રેમમાં પડે અને દુનિયાને બચાવે. 

આ પ્રકારના મૂવીમાં વાર્તા તો આવી જ કંઇક જાણીતી હોય છે. પણ જોવાની મજા તેના અભિનેતા અને કોમેડીના લીધે આવે છે. રાયન રોનાલ્ડ છેલ્લા કેટલાક સમયથી યુટ્યુબ પર તેની બ્રાન્ડ અને રસપ્રદ જાહેરાતને લીધે પ્રખ્યાત થયા છે - તેમાં પણ જો તમે ડેડપુલ મૂવીના ફેન હો તો તમે રાયનને જોતા જ હશો. 

આ મૂવી વાર્તા કરતા પણ રાયન માટે થઈને જોવું જોઈએ. તેની પાસે એક જાદુઈ ચશ્મા હોય છે - જે ચશ્મા પહેરતા રાયનને ગેમ દેખાવા લાગે છે અને તે કાઢી નાખે ત્યારે તેને એવું જ લાગે છે જાણે તે ખરું જીવન જીવી રહ્યો છે.

દરેક વ્યક્તિનું જેમ તેનું એક સરળ રૂટીન છે, બેંકમાં નોકરી છે, એક પરમ મિત્ર છે, ખરા પ્રેમની મળવાનું સપનું છે - પણ જયારે અણધારી ઘટનાને લીધે રાયનને ખબર પડે છે કે તે કોઈ જીવંત વ્યક્તિ નથી પણ ગેમનું એક પાત્ર માત્ર છે - ત્યારે મૂવી વધુ રસપ્રદ બને છે. જયારે એક સરળ વ્યક્તિ અચાનક જ એક્શન મૂવીનો હીરો બની જાય તો જોવાની મજા આવે ને? - બસ આ જ પરિવર્તન જોવા માટે તમારે ફ્રી ગાય મૂવી જોવું જોઈએ.

મને આ મૂવીમાંથી સૌથી વધુ ગમતો ડાયલોગ - “ડોન્ટ હેવ અ ગૂડ ડે, હેવ અ ગ્રેટ ડે” છે. ગાય જેટલા પાત્રોને રસ્તામાં કે ઓફિસમાં મળે ત્યારે આ જ રીતે વાત કરે છે - દરેક પાત્રની એક ખાસિયત હોય છે - તે જ રીતે હંમેશા ખુશ ગાયની ખાસિયત તેનો જીવન પ્રત્યેનો હકારાત્મક દ્રષ્ટિકોણ છે. તેને સમજાય છે કે તે ગેમનું એક પાત્ર માત્ર છે આમ છતાં તે ગેમના અન્ય પાત્રોને બચાવવા માટે પ્રયત્નો કરે છે, તેઓ સાથેની દોસ્તી નિભાવે છે. તેને એ પણ ખબર છે કે કોઈ માનવી તેના ફોન, ટેબલેટ કે લેપટોપમાં ગેમ રમીને તેને કાબૂ કરી રહ્યું છે - આમ છતાં. 

મૂવીને રસપ્રદ બનાવવા માટે ગેમ બનાવનાર કંપનીની ટીમને પણ દેખાડવામાં આવે છે, જેઓ આશ્ચર્યમાં પડી ગયા છે કે ગેમનું પાત્ર ગાય જાતે જાતે શીખી રહ્યું છે - પ્રોગ્રામિંગ વગર. અહી મૂવીમાં એઆઈ ટેકનોલોજિને દેખાડવામાં આવી છે. કઈ રીતે ગાય તેની ગેમની દુનિયામાં હીરો બને છે તે જાણવા માટે થઈને તમારે આ મૂવી જોવું રહ્યું. તેમજ કઈ રીતે તે ગેમમાં આવેલ એક માનવીના પ્રેમમાં પડે છે તે પણ જોવા જેવું.