Focus

focus by darshali.jpg

છેતરાઈ જવું સહેલું છે. પણ જે વ્યક્તિ છેતરામણી કરે છે તેના માટે જ્યાં સુધી તે નિષ્ણાત ન બને ત્યાં સુધી આ કામ અઘરું છે. તમને થશે કે શા માટે આવા છેતરામણીવાળા મુવી જોવા જોઈએ? – તો તમને જાણીતો લાગે તેવો એક શબ્દ જણાવી દો – કોન મેન – જેને તમે બોલીવુડ અને હોલીવુડ મુવીઝમાં જોયા જ હશે – એવા લોકો કે જે સામેવાળા ખબર પણ ન પડે અને તેની વસ્તુઓ ચોરી લે – પછી તે ઘડિયાળ હોય, અન્ય ઘરેણા હોય કે પર્સ – આવા લોકો સામેવાળા વ્યક્તિની આંખોમાં ધૂળ નાખીને જીવન વિતાવતા હોય છે.

આમ તો કોન મેન અનેક પ્રકારના હોય છે – કસીનોમાં જઈને છેતરામણી કરતા, લોકોની વસ્તુઓ ચોરતા, ઓનલાઈન ફ્રોડ કરતા, લોકોની લાગણીઓ સાથે રમીને છેતરતા – પણ આજના મુવી ફોકસમાં આપણે એવા કોન મેનની આવડત જોઈશું જે બધામાં માહિર છે. ૨૦૧૫માં આવેલું વિલ સ્મિથનું મુવી – ફોકસ કઈ રીતે લોકો છેતરામણી કરીને ધનવાન બને છે તેના પર આધારિત છે.

મુવીમાં વિલ સ્મિથે નીકી નામના વ્યક્તિનું પાત્ર નિભાવેલ છે. જેની ત્રણ પેઢી આ જ કામ કરતી આવી છે – છેતરામણી કરવાનું. ધનવાન લોકો પાસેથી ચતુરાઈથી નાણા લુંટવાના. નીકી તેના કામમાં પાવરધો છે. તેને હવે મળે છે જેસ નામની સુંદર સ્ત્રી. જે પોતે પણ લોકોની વસ્તુઓની ચોરી કરીને જીવન ગુજારે છે. નીકી તેને પોતાના એક મોટા સ્કેમ માટે ટીમમાં લાવે છે – મુવીમાં તો આવું જ થાય એટલે તમે ધારી જ લીધું હશે કે બંને પ્રેમમાં પડે છે.

પણ જે વ્યક્તિ આખી દુનિયાને છેતરતો હોય તે એક સ્ત્રીને તો છેતરી જ શકે. તેથી તે જેસને પણ પ્રેમના ભ્રમમાં પાડીને કામ કરાવીને ટીમમાંથી કાઢી નાખે છે. ત્યારબાદ નીકીને એક એવા આઈડિયા પર કામ કરવા મળે છે જેનાથી તેને જીવનભર ન કમાવવું પડે. આ સ્કેમ મોટું હોય છે, જોખમી હોય છે અને નીકીને આ સ્કેમમાં ઘણી મહેનત કરવાની હોય છે. તેની આખી સ્ટ્રેટેજી મુજબ પાસા પડતા હોય છે અને અચાનક જ તેને ખબર પડે છે કે જેસ પણ તેનો ભાગ છે. કઈ રીતે નીકી અને જેસનો હેતુ અલગ અલગ હોવા છતાં તેઓ સૌથી મોટી છેતરામણી કરી નાખે છે, કઈ રીતે નીકીનો ભૂતકાળ તેની સામે આવે છે, કઈ રીતે જેસને વિશ્વાસ આવે છે કે નીકી તેને ખરો પ્રેમ કરે છે કે નહી, મુવીના અંતમાં નીકી અને જેસ ભેગા થાય છે કે નહી, નીકીને ધારેલા નાણા મળે છે કે નહી – આ બધું જાણવા માટે તો તમારે મુવી જોવું રહ્યું.

પણ હા – મુવી ભલે છેતરામણી પરનું હોય પણ તેનું નામ ફોકસ છે. તમે ખોટું કામ કરતા હો સાચું – ફોકસ વગર કઈ જ નહી થાય. જો તમે તમારા કામમાં પાવરધા નહી હો તો લોકો તમારી નબળાઈને પણ પારખી જશે. જે રીતે પહેલી જ મુલાકાતમાં નીકી જેસની નબળાઈને પારખી ગયો હતો.  છેતરામણી ખાલી આવડતોને આધારે નથી થતી, તેમાં માનવીની સાયકોલોજી પણ બહુ મોટો ભાગ ભજવે છે. કઈ રીતે માનવીનું મન જ તેની લાગણીઓ અને વર્તનને લીધે સામેવાળાની વાતમાં આવી જાય છે અને આ ભ્રમ જ તેઓને છેતરામણી તરફ લઇ જાય છે તે તમને આ મુવીમાં જોવા મળશે.

કઈ નહી તો વિલ સ્મિથની ઉત્તમ એક્ટિંગ જોવા અને કોન મેન કેટલી હદે જઈ શકે તે જોવા માટે થઈને આ મુવી જોવું જોઈએ. જો કે દરેક વ્યક્તિ ગમે તેટલો હોશિયાર હોય તો પણ તેનાથી ભૂલો થતી હોય છે. નીકીથી પણ થાય છે – તેની ભૂલ જ તેનું મોટું સ્કેમ હોય છે કે દેખાડો તે જોવા માટે મુવી જોઈ લેવું. જો તમને આ પ્રકારના મુવી જોવાનો શોખ હશે તો અમુક ધારણાઓ તમે મુવીમાં પહેલેથી જ બાંધી લીધી હશે. જે ક્યારેક સાચી પણ પડી જશે. પણ મુવીનો અંત તમને જરૂરથી આશ્ચર્યચકિત કરી દેશે.