Five Feet Apart

five feet apart by darshali soni.jpg

ફાઈવ ફીટ અપાર્ટ – એક અલગ લવ સ્ટોરી

૨૦૧૯માં એક અલગ લવ સ્ટોરી – ફાઈવ ફીટ અપાર્ટ રિલીઝ થયું. જો તમે “ધ ફોલ્ટ ઇન અવર સ્ટાર” મુવી જોયું હશે તો તો તમને આ મૂવીની વાર્તા થોડી જાણીતી લાગશે. પણ જો તમે તે મુવી નહી જોયું હોય તો આ મુવી તમારા હ્રદયને સ્પર્શી જશે. તો મુવીની વાર્તા કંઇક આવી છે –

૧૭ વર્ષની સ્ટેલા સિસ્ટીક ફીબ્રોસીસ નામના રોગથી પીડાતી હોય છે. તેથી તેણીને નાનપણથી જ તેના જીવનનો મોટાભાગનો સમય હોસ્પિટલમાં વિતાવવો પડતો. તેનું જીવન હોસ્પિટલની ઝંઝટ, આખા દિવસમાં અનેકવાર લેવાની દવાઓ, પોતાની જાતને જીવતી રાખવા માટે કરવી પડતી અલગ અલગ ટ્રીટમેન્ટ, સ્વ શિસ્તના નિયમોનું પાલન, હંમેશા લોકોથી દૂરી રાખવાની અને વધુમાં વધુ જીવી શકાય તેવી આશામાં હોસ્પિટલમાં ટકી રહેવાનું – બસ આ જ રીતે તેનું જીવન વ્યતીત થઇ રહ્યું હતું.

જો કે સ્ટેલાના જીવનમાં આવે છે એક મસ્ત મજાનો વિલ. તેને પણ હોસ્પિટલના ચક્કરો કાપીને જ જીવન વિતાવવાનું હોય છે. આમ છતાં તેનો જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ સ્ટેલા કરતા એકદમ અલગ હોય છે. ધીમે ધીમે સ્ટેલા અને વિલની દોસ્તી શરુ થાય છે. સ્ટેલા વિલને જીવન જીવવા માટે દવાઓનું અને ટ્રીટમેન્ટનું મહત્વ સમજાવીને બેદરકારીનો સ્વભાવ દૂર કરે છે. જયારે વિલ સ્ટેલાને ખુશ રાખવામાં, તેના માટે કોમેડી સ્કેચીઝ દોરીને તેને હસાવવામાં મદદરૂપ થાય છે.

એકબીજા સાથે સમય વિતાવવાથી અને ખુશીઓની પળો વિતાવી લેવાને કારણે તેઓ બંને એકબીજાના પ્રેમમાં પડી જાય છે. પણ આ પ્રેમમાં એક સૌથી મોટી મજબૂરી છે – તે બંનેને રોગ હોવાથી તેઓ એકબીજાથી પાંચ ફીટ દૂર રહીને જ વાત કરી શકે. જો તેઓ એકબીજાના નજીક આવે તો બંનેના જીવ જોખમમાં મૂકાઈ જાય. તેથી તેના પ્રેમની આ મજબૂરી તેઓને ક્યાં મુકામ પર લાવીને મૂકે છે તે જાણવા માટે તો તમારે આ મુવી જ જોવું રહ્યું.

મુવીમાં રહેલા દરેક પાત્રો તમને કંઇક શીખવશે. વિલ – તમને જીવન એક જ વાર મળ્યું છે તો ખુલીને અને ખુશ થઈને જીવી લેતા શીખવશે. જયારે સ્ટેલાનો ગે મિત્ર પો તમને મિત્રતાનું મહત્વ શીખવશે. સ્ટેલા અને વિલની નર્સ બાર્બ તમને કેરનું મહત્વ શીખવશે. જયારે સ્ટેલા તમને જીવનને પ્રેમ કરતા શીખવશે.

સ્ટેલાને ચિત્રો દોરવાનો બહુ જ શોખ હતો. તેણીએ પોતાના જીવનની કથની કહેવા માટે યુટ્યુબ ચેનલ પણ બનાવી હતી. તે પોતાની જાતને સ્વ શિસ્તમાં રાખીને અને હંમેશા આશાવાદી રહીને ખુશ રહેવાનો પ્રયત્ન કરતી હતી. જો કે સ્ટેલા વિલને મળે છે પછી જીવનમાં પ્રેમનો અનુભવ કરી શકે છે, તેની બહેનને ગુમાવી દેવાના અફસોસમાંથી પણ બહાર આવી શકે છે.

મૂવીની શરૂઆત એક હ્રદયસ્પર્શી વિષયથી થાય છે – જીવનમાં સ્પર્શનું મહત્વ. દરેક વ્યક્તિ ખુશ હોય કે પછી દુઃખી હોય કે પછી એકલતામાં ઝઝૂમી રહ્યો હોય કે પછી ગુસ્સે થઇ ગયો હોય કે પછી હતાશટ થઈને પડી ભાંગ્યો હોય ત્યારે વ્યક્તિનો એક સ્પર્શ પણ તેને જીવંત બનાવી શકે છે. તેને આશા અપાવી શકે છે. તેની પાસે લોકો છે – તેવો અનુભવ કરાવી શકે છે. આ વિષયથી મુવી ભલે શરુ થયું પણ મૂવીની મૂળ વાત જુઓ તો સ્ટેલા અને વિલ એકબીજાને પ્રેમ કરતા હોવા છતાં ૪ ફીટની દૂરીમાં જ જીવન જીવી શક્યા.

કોઈવાર આવા મુવી જોવાથી આપણને એ સમજાય છે કે જીવનનું ખરું મૂલ્ય શું છે? જયારે તમે એક બીમાર વ્યક્તિ પાસેથી જીવન જીવવાની જીજીવિષા વિશે સાંભળશો ત્યારે તમને તમારા જીવનની કિંમત થશે.

આભાર

દર્શાલી સોની