રેસિંગની દુનિયા - ફાસ્ટ એન્ડ ફ્યુરીઅસ
હોલીવુડની એક સફળ અને પ્રખ્યાત સીરીઝ "ફાસ્ટ એન્ડ ફ્યુરીઅસ" કે જેના હાલ સુધીમાં આઠ ભાગ આવી ગયા છે તે તમે જોઈ જ હશે. તેમજ ૨૦૧૯માં નવમો ભાગ આવવાનો છે. નાના બાળકોથી માંડીને યુવાનોમાં આ સીરીઝ અત્યંત લોકપ્રિય છે. તેમાં પણ રેસિંગના શોખીન તો ખાસ. આ મુવીના બધા જ મુખ્ય પાત્રો કાર રેસિંગમાં પાવરધા હોય છે. મુવીના મુખ્ય પાત્રોની વાત કરીએ તો આખી ટીમનો મુખ્ય લીડર ડોમનું પાત્ર વિન ડીઝલ દ્વારા અભિનીત છે અને બ્રાયનનું પાત્ર પોલ વોકર દ્વારા. ડોમની બહેન મિયાના લગ્ન બ્રાયન સાથે થાય છે અને મુવીના અન્ય પાત્રો જેવા કે મજાકિયો રોમન, તેજ, જીસેલ, હાન અને હોબ્સનું પાત્ર પણ રસપ્રદ છે.
મુવીના દરેક ભાગમાં કંઇક નવું મિશન, નવી રેસિંગ, નવા વિલન્સ જોવા મળશે. મુવીના દરેક ભાગમાં વાર્તા બદલતી રહે છે પણ તેઓની ટીમ અને ટીમના પાત્રોમાંથી શીખવા જેવી બાબતો ઘણી છે. સીરીઝમાંથી કોઈપણ ભાગ જોવા લાગો - બધા પાત્રો કંઇક તો ઉપયોગી શીખવાડશે. તો ચાલો જાણીએ ફાસ્ટ એન્ડ ફ્યુરીઅસના દરેક ભાગમાંથી શું શીખવા મળે છે:
૧ લીડરશીપ
ઉત્તમ લીડરને ખબર હોય છે કે ક્યારે લીડર બનવું અને ક્યારે ટીમના સભ્યો જેવા બની જવું. ઉત્તમ લીડરને તેની ટીમની આવડત અને નબળાઈ બંને ખબર હોય છે. મુવીના દરેક ભાગમાં ડોમ લીડર હોય છે - તે ટીમના લોકોને તેની આવડત પ્રમાણે જ મિશનમાં કામ સોંપે છે. મુવીના દરેક ભાગમાં ડોમ કોઈપણ હાલતમાં ટીમને એકબીજા સાથે જોડી રાખે છે. મિત્રો હોવા છતાં એક કુટુંબ છે તેવો જ અતૂટ સંબંધ બધા સભ્યો વચ્ચે દેખાડવામાં આવ્યો છે. ડોમ એક લીડર તરીકે બધાને જોડી રાખે છે.
૨ આવડત
ડોમ અને બ્રાયન ગમે તેવી અઘરી રેસ હોય, ગમે તેવો ધુરંધર ખેલાડી હોય, ગમે તેવી સારી કે ખરાબ ગાડી આપવામાં આવી હોય - રેસ જીતી જ જાય છે. કારણ? - તેની આવડત. તેઓ બંને પોતાની આવડત શું છે તે જાણે છે. એટલું જ નહિ તેઓને પોતાની આવડત પર ભરોસો પણ છે. જો તમને તમારી આવડત શું છે તે ખબર હશે અને તમને તમારી આવડત પર ભરોસો પણ હશે તો તમે ગમે તેવા પડકારોનો સહેલાઈથી સામનો કરી શકશો. તેથી તમારી આવડત પરખતા શીખો.
૩ જવાબદારી
લીડર હંમેશા સફળતાનો જશ ટીમને આપે અને નિષ્ફળતાની જવાબદારી પોતે લઇ લે છે. આ મુવીમાં હોબ્સનું પાત્ર પણ એક મિશનમાં ભૂલ કરી નાખે છે ત્યારે તે પણ મિશનની નિષ્ફળતાની જવાબદારી પોતે જ પોતાના પર લઇ લે છે. સાચો લીડર નિષ્ફળતાની જવાબદારી તો ઉઠાવે જ છે સાથોસાથ તે ભૂલમાંથી શીખે પણ છે. જેથી ભૂલનું પુનરાવર્તન ન થાય. જો તમે પણ તમારા કાર્યક્ષેત્રમાં લીડર હો તો યોગ્ય સમયે જવાબદારી ઉઠાવતા પણ શીખો.
૪ વિકલ્પ
તમે માનો કે ન માનો દરેક પરિસ્થિતિમાં તમારી પાસે બે વિકલ્પો હોય છે. તમે કયો વિકલ્પ પસંદ કરો છો તેના પરથી તમારા જીવનમાં તમે પરિણામ ભોગવતા હો છો. ઘણીવાર તમને એવું પણ લાગતું હશે કે કોઈ વિકલ્પ જ નથી પણ તેવું નથી. સાચું કે ખોટું, સારું કે ખરાબ - વિકલ્પો તો હોય જ છે. બ્રાયન પોલીસ હોવા છતાં રેસિંગમાં પોતાનું જીવન વ્યતિત કરે છે. તે તેની પસંદગી છે.
૫ નિર્ણયશક્તિ
ડોમ કોઈ મિશન માટે એકવાર નિર્ણય લઇ લે ત્યારબાદ તે પાછું ફરીને જોતો નથી. ડોમ અને તેની ટીમ મિશનમાં સફળ થવા માટે પૂરી મહેનત કરે છે અને તેના નિર્ણય પર ટકેલા રહે છે. જીવનનું પણ કંઇક એવું જ છે. જયારે તમે જીવનમાં કોઈ એક નિર્ણય લઇ લો છો ત્યારે અડગ રહેતા શીખો. પાછું ફરીને મૂંઝવણમાં રહેશો તો તમને તમારી નિર્ણયશક્તિ પર ક્યારેય ભરોસો નહિ આવે. લીડરમાં પણ નિર્ણયશક્તિ હોવી ખૂબ જ જરૂરી છે.
આ સીરીઝના મુવીમાંથી તમને લીડરશીપના, કુટુંબભાવનાના, ટીમના મહત્વ વિશે ઘણું શીખવા મળશે. અત્યાર સુધી તમે આ બધા જ મુવીઝ એક મનોરંજનના હેતુથી જોયા હશે. હવે ફરીથી કોઈ ભાગ જૂઓ ત્યારે કંઇક શીખવાના હેતુથી જોઈ શકો. મુવીનું દરેક પાત્ર કંઇક તો શીખવાડશે જ.
આભાર
દર્શાલી સોની