Fantastic Mr Fox

mr fantastic fox by darshali soni.jpg

ફેન્ટાસ્ટીક મિસ્ટર ફોકસ - એક રોમાંચક કહાની

ઘણીવાર એવી માન્યતા બધાના મગજમાં હોય છે કે એનિમેટેડ મુવી તો માત્ર બાળકો માટે હોય છે. તે પણ તેઓના મનોરંજન માટે હોય છે. એનિમેટેડ મુવીઝમાં કઈ શીખવાનું હોતું નથી. અત્યાર સુધીમાં મે ઘણા એનિમેટેડ મુવીઝ અહી શેર કરેલા છે કે જે મનોરંજનની સાથે કંઇક ને કંઇક શીખવાડતા પણ હોય છે. આવું જ એક ૨૦૦૯માં આવેલું મુવી એટલે ફેન્ટાસ્ટીક મિસ્ટર ફોકસ. આ મુવી એક મિસ્ટર ફોકસના પાત્રને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે.

મુવીના પાત્રોની વાત કરું તો મૂવીનું મુખ્ય પાત્ર મિસ્ટર ફોકસ પ્રખ્યાત અભિનેતા જ્યોર્જ ક્લુની દ્વારા અભિનીત છે તો સાથોસાથ તેની પત્નીનું પાત્ર બધાની ચહીતી મેરિલ સ્ટ્રીપ દ્વારા અભિનીત છે. આ મુવીમાં અન્ય ઘણા પ્રખ્યાત કલાકારો છે જેમ કે બીલ મુરી, ઓવેન વિલ્સન અને વિલિયમ ડેફ.

મુવીની વાર્તા પર ધ્યાન આપીએ તો મિસ્ટર ફોકસ જયારે પણ તેના કુટુંબને મદદની જરૂર પડે ત્યારે ચોરી કરીને તેઓને મદદ કરીને પોતાની જવાબદારી પૂરી કરતા હોય છે. આમ તો આ મિસ્ટર ફોકસ અલ્લડ અને મિજાજી અને મોજીલું પાત્ર દર્શાવેલ છે. પણ તે પાત્ર જવાબદાર ત્યારે બને છે જયારે તેને ખબર પડે છે કે તેના ગામમાં ત્રણ ખેડૂતો બહુ જ ખરાબ હોય છે. તેથી મિસ્ટર ફોકસ બોગીસ, બન્સ અને બીન્સ આમ આ ત્રણ ખેડૂતોને પાઠ ભણાવવાનું નક્કી કરે છે. તો સામે આ ત્રણ ખેડૂતો મિસ્ટર ફોકસને મારી નાખવાની યોજના ઘડે છે. કઈ રીતે મિસ્ટર ફોકસ પોતાની જાતને અને તેના કુટુંબને બચાવે છે તેની એડવેન્ચર કહાની એટલે ફેન્ટાસ્ટીક મિસ્ટર ફોકસ. તો ચાલો જાણીએ શું શીખવે છે આ મુવી:

૧ પિતાનું મહત્વ

મિસ્ટર ફોકસ ગમે તેવો ક્રાંતિકારી અને તોફાની હોવા છતાં એક પિતા પણ છે. ત્યારે તે પોતાના વ્યક્તિત્વમાં કઈ ફેરફાર કર્યા વગર પણ કઈ રીતે એક પિતાનું પાત્ર પણ સુંદર રીતે ભજવે છે તે તમે આ મુવીમાં જોઈ શકશો. દરેક કુટુંબમાં પિતા - કોઇપણ પરિસ્થિતિમાં કુટુંબનો કોઇપણ ભોગે સાથ આપે છે અને ક્યારેય કુટુંબને કોઈ મુશ્કેલી ન આવે તેનું ધ્યાન રાખતા હોય છે. તે જ બધી લક્ષણો તમને મિસ્ટર ફોકસમાં પણ જોવા મળશે.

૨ સ્ત્રીનું મહત્વ

બધા જ કુટુંબમાં એક માતા અથવા એક પત્ની અથવા એક બહેન હોય છે કે જે ઘરના મોભીને હંમેશા બધા જ સંજોગોમાં સાથ આપે છે અને સમય આવ્યે સાચી દિશા પણ ચીંધે છે. મિસ્ટર ફોકસની પત્નીનું પાત્ર પણ એવું જ છે. તે દરેક વખતે જયારે મિસ્ટર ફોકસ પોતાની જવાબદારી ચુકતા હોય કે દિશાહીન હોય ત્યારે માર્ગદર્શન આપે છે અને મિસ્ટર ફોકસનો મુશ્કેલીના સમયમાં સાથ પણ આપે છે.

૩ ટીમ

ટીમ શબ્દ સાંભળતા જ આપણે કોઈ ક્રિકેટ ટીમ કે કોઈ રમત કે પછી કોર્પોરેટ જગતની વાતો કરવા લાગીએ છીએ. પણ ટીમનું મહત્વ કુટુંબમાં પણ એટલું જ છે. ઘરનો એક જ લીડર જીવન સરળ અને સુખી બનાવવા મથે તેના બદલે બધા સાથે મળીને ટીમમાં કામ કરે અને ઉત્તમ રીતે જીવન પણ જીવન શીખી શકે છે. અહી પણ મિસ્ટર ફોકસને તેની ટીમમાં તેની પત્ની અને અન્ય સભ્યો હંમેશા મદદરૂપ થાય છે.

૪ વ્યક્તિત્વ

દરેક વ્યક્તિનું વ્યક્તિત્વ અલગ અલગ હોય છે અને તેઓ પોતાના વ્યક્તિત્વ મુજબ જ જીવન જીવતા હોય છે. હા, સમય અને પરિસ્થિતિ અનુસાર લોકોનું વ્યક્તિત્વ બદલાય પણ છે. તેનું ઉત્તમ ઉદાહરણ આ મૂવીનું પાત્ર મિસ્ટર ફોકસ છે. તે કઈ રીતે એક ક્રાંતિકારી પાત્રમાંથી એક જવાબદાર કુટુંબનો લીડર બનીને તેના કુટુંબને સાથ આપે છે અને કઈ રીતે તેના વ્યક્તિત્વમાં બદલાવ આવે છે તે તમે આ મુવીમાંથી શીખી શકશો.

૫ એનીમેટેડ મુવી

સામાન્ય રીતે આપણે પણ જયારે એનીમેટેડ મુવી જોઈએ છીએ ત્યારે મનોરંજનના હેતુથી જ જોઈએ છીએ. તેમાં કઈ શીખીશું કે કંઇક આપણા જીવનમાં બદલાવ લાવીશું તેવો કોઈ વિચાર નથી હોતો. આ નવા વર્ષથી એનીમેટેડ મુવીઝ માટે તમારો દ્રષ્ટિકોણ બદલાવો. મનોરંજનની સાથોસાથ તેમાંથી કંઇક શીખવાનું પણ શરુ કરો.

આ મુવીને ૬૦ કરતા પણ વધુ નોમીનેશન મળ્યા છે અને બે વખત ઓસ્કાર માટે નોમીનેટ પણ થયું છે. એકવાર સમય મળે ત્યારે આ મુવી જોવા જેવું ખરું. તમને આ પ્રકારના જેનરના મુવી ગમતા હોય તો રેન્ગો નામનું જોહની ડેપનું મુવી અને અ બ્ગસ લાઈફ મુવી પણ ગમશે. કઈ રીતે મિસ્ટર ફોકસ ફેન્ટાસ્ટીક મિસ્ટર ફોકસ બને છે તે જાણવા આ મુવી જોવું જોઈએ.