Everybody's fine

everybodys-fine-by darshali soni.jpg

ઍવેરીબડી ઇઝ ફાઈન - કુટુંબનું મહત્વ

જીવનમાં તમે ગમે તેટલા આગળ નીકળી જાવ અંતે તો ઘરે જ પાછા ફરીને આવશો ને. - આવું તો તમે ઘણા મોટેરાઓને બોલતા સાંભળ્યા જ હશે. આ વાત કેટલા અંશે સાચી છે તે જાણવા માટે તમારા માટે આ મુવી પસંદ કર્યું છે. તેમાં પણ જો મુવીમાં રોબર્ટ દ નીરો હોય તો તો કહેવું જ શું. જો કે આ મુવી આવેલું ૨૦૦૯માં છે. તેમાં કઈ બહુ રસપ્રદ કે ઓસ્કાર વિનિંગ જેવું  નથી. છતાં પણ ઘણીવાર સામાન્ય મુવી જ તમને ઘણી મહત્વની વાતો શીખવાડી દેતું હોય છે.

મૂવીની વાર્તાની વાત કરું તો મુખ્ય પાત્ર છે રોબર્ટ દ નીરો દ્વારા અભિનીત ફ્રેન્ક અને તેના બાળકો. ફ્રેન્કની પત્નીનું મૃત્યુ થાય છે. ફ્રેન્ક નિવૃત થઇ ગયો હોય છે અને એકલો રહેતો હોય છે. દર વર્ષે વેકેશનમાં બાળકો તેના માતા પિતાને મળવા આવતા. પણ આ વેકેશનમાં બધા બાળકો કોઈને કોઈ બહાનું આપીને તેના પિતા પાસે આવવાનું ટાળે છે. બસ પછી તો ફ્રેન્કની તબિયત ખરાબ હોવા છતાં તે તેના બધા જ બાળકોને મળવા જવાનો નિર્ણય લે છે.

મજાની વાત તો એ છે કે તેના બધા જ બાળકો અલગ અલગ જગ્યાએ રહેતા હોય છે. તેથી ફ્રેન્કને તો જાણે એક સોલો ટ્રીપ જ થઇ જાય છે. ફ્રેન્કની એક દીકરી શિકાગોમાં એડ એક્ઝિક્યુટિવ હોય છે તો બીજી દીકરી લાસ વેગાસમાં પરફોર્મર હોય છે. તેનો એક દીકરો ન્યુ યોર્કમાં આર્ટિસ્ટ હોય છે. તો બીજો દીકરો કંડકટર હોય છે જે ફિલહાલ ડેનવરમાં હોય છે. બસ પછી તો ફ્રેન્ક કઈ રીતે બધાને મળવા જઈને સરપ્રાઈઝ આપે છે તે જોવાનું છે.

ફ્રેન્ક જયારે તેના બાળકોને મળે છે અને તે પોતે કેવા સુંદર બાળકોનો દાદા છે, કઈ રીતે તેના બાળકો જીવન જીવી રહ્યા છે - તે બધું જ જોઈને ફ્રેન્કને પોતાના બાળકો પર ગર્વ થાય છે અને એ પણ સમજાય છે કે જીવનમાં બાળકોનું અને કુટુંબનું કેટલું મહત્વ હોય છે. તો ચાલો જાણીએ શું શીખવે છે ફ્રેન્ક અને તેના બાળકો:

સત્ય

જીવનમાં ઘણીવાર આપણને અમુક બાબતો ખબર જ નથી હોતી એટલે જ કદાચ આપણે સુખની શોધમાં આમતેમ ફાંફા મારતા રહીએ છીએ. જો તમારે જીવનનું નાનામાં નાનું કે મોટામાં મોટું સત્ય જાણવું હશે તો તમારે બહાર નીકળવું પડશે અને દુનિયાને અને લોકોને ઓળખવા પડશે. સમજવા પડશે. ફ્રેન્ક પણ પોતાના બાળકોનું સત્ય સમજવા અને કુટુંબઓ પ્રેમ સમજવા નીકળી પડે છે.

બાળકો

સામાન્ય રીતે આજકાલની જનરેશન એક જ બાળક કરવાનું વિચારે છે. કારણ કે તેના માટે બાળકો એક જવાબદારી છે. હું એમ નથી કહેતી કે આજકાલના માતા-પિતાને બાળકો માટે પ્રેમ નથી હોતો બસ થોડા તેઓ હવે પ્રેક્ટિકલ બની ગયા હોય છે. જો કે એક સત્ય એ પણ છે જ કે બાળકો જ  તેના માતા-પિતાને જીવવાની આશા આપતા રહે છે અને ઘણા સારા બાળકો માતા-પિતાને ગર્વ પણ કરાવે છે. ફ્રેન્કના બાળકોનું બોન્ડિંગ કેવું છે તે તો તમારે જ જોવું રહ્યું.

ખુશી

તમારા માટે ખુશીની વ્યાખ્યા શું છે? - કરિયર? લગ્ન? બાળકો? સમૃદ્ધિ? શાંતિ? તે કોઈપણ હોય. સાચું કહું તો જે ખુશી તમને તમારા બાળકોને ખુશ જોઈને અનુભવાશે તે ખુશી તમને બીજી કોઈપણ બાબતથી નહીં મળે. ફ્રેન્ક સાથે પણ એવું જ થાય છે.

લોકોની માનસિકતા

મુવીમાં એક સુંદર ડાયલોગ આવે છે. જેમાં વાત એમ છે કે - લોકોને જીવન સહેલું જ જીવવું ગમે છે, કોઈને પોતાને કે બીજાને દુઃખ પહોંચાડવું ગમતું નથી. તેથી જ તો લોકો ઘણીવાર સત્યને અને દુઃખને ભૂલવા માટે થઈને અનેક રસ્તાઓ અપનાવતા હોય છે. કોઈ સારા તો વળી કોઈ ખરાબ સપનાઓ અપનાવે છે. ફ્રેન્કના બાળકો શું કરે છે અને કઈ રીતે જીવન જીવે છે તેના માટે તો તમારે આ મુવી જ જોવું રહ્યું.

આ મુવીમાં ફ્રેન્કના ચારેય બાળકો કઈ રીતે તેની માતાથી વધુ નજીક હતા અને શા માટે ફ્રેન્કથી દૂર હતા તે તેને સમજાય જાય છે. સાધારણ મુવી હોવા છતાં તે ગોલ્ડન ગ્લોબમાં નોમિનેટ થયું હતું. કોઈવાર આવા મુવી જોઈ લો એટલે ફરીથી જીવનમાં જે જાણવાની અને શીખવાની જરૂર હોય તે શીખાય જાય છે. જે મુવીમાં રોબર્ટ દ નીરો હોય તેમાં કંઈક તો મજેદાર અને શીખવા મળે તેવું હોવાનું જ છે. તેથી એકવાર આવતી રજામાં આ મુવી જોવા જેવું તો ખરું જ.

 

આભાર

દર્શાલી સોની