ડુપ્લીસીટી - પ્રેમ જીતશે કે માસ્ટર માઈન્ડ?
જ્યારે કારકિર્દી અને પ્રેમ વચ્ચે જંગ શરૂ થાય ત્યારે મનમાં તો એવી જ ઇચ્છા હોય કે પ્રેમની જીત થાય. પણ શું રે અને ક્લેર સાથે આવું જ થાય છે? કે પછી કારકિર્દીની જીત થાય છે? તે જાણવા માટે જૂઓ આજનું મૂવી - “ડુપ્લીસીટી”.
કલ્પના કરો કે જ્યારે બે બુદ્ધિમાન વ્યક્તિ એકબીજાના પ્રેમમાં પડે પણ બંનેના ધ્યેયો અલગ અલગ હોય ત્યારે કેવી લવ સ્ટોરી બને? એક એક્સ સીઆઈએ એજન્ટ છે તો બીજું વ્યક્તિ એક્સ એમ આઈ સિક્સ એજન્ટ છે.જો તમે હોલીવુડના મૂવીઝ જોતા હોય તો તમને સીઆઇએ એજન્ટ અને એમ આઇ સિક્સ એજન્ટ - આ બધા શબ્દોથી તમે જાણતા જ હશો. એવા જાસૂસ લોકો કે જે બુદ્ધિશાળી તો છે સાથે સાથે તેનામાં લાગણીનું તત્વ પણ નથી હોતું. આમ છતાં મૂવી છે - એટલે પ્રેમમાં પડી જતા હોય છે.
ક્લેર અને રે એવી બે કંપનીમાં કામ કરે છે કે જે એક બીજાના સૌથી મોટા હરિફ છે.ક્લેર જે કંપનીમાં કામ કરતી હોય છે તે કંપનીના માલિક એક એવી પ્રોડક્ટ બહાર પાડવાના હોય છે જેનાથી આખું માર્કેટ હલી જાય.આ પ્રોડક્ટ ઉપર ટૉપ સિક્રેટ પ્રોજેક્ટની જેમ કામ કરવામાં આવતું હોય છે.રેની કંપની પાસે પોતાની એક ઇન્વેસ્ટિગેશનની ટીમ હોય છે.જે હરીફ કંપની પર સતત નજર રાખે છે તેમજ હરીફ કંપની ના લોકો શું કરી રહ્યા છે? કોની સાથે મીટિંગ કરી રહ્યા છે? કેવી પ્રોડક્ટ પર કામ કરી રહ્યા છે તેના પર પણ નજર રાખે છે.
હવે થાય છે એવું કે ક્લેરના હાથમાં નવી પ્રોડક્ટનો ફોર્મૂલા આવી જાય છે.તેથી કલેર અને રે એવું વિચારે છે કે હરીફ કંપનીને આ ફોર્મ્યુલા આપવાને બદલે જો કોઈ ત્રીજી કંપનીને આ ફોર્મ્યુલા આપી દેવામાં આવે તો ક્લેર અને રે બન્ને ભેગા મળીને કરોડપતિ થઈ શકે છે.આ મૂવીઝ જોતી વખતે.તમને એવું લાગશે કે રે અને ક્લેર બંને અનેક પ્રકારના પાત્ર ભજવી રહ્યા છે. જેમ કે એક સમયે તે એકબીજાના પ્રેમી છે તો એક સમયે એકબીજાની વિરોધી કંપની માટે કામ કરતાં કર્મચારીઓ પણ છે.તેથી જ મુવીનું નામ ડુપ્લીસીટી છે.
ક્લેર અને રે પોતે બનાવેલા પ્લાનમાં સફળતા હાસિલ કરી શકે છે કે નહીં તે જાણવા માટે તો તમારે મૂવી જોવું જ રહ્યું.પણ આ મૂવી જોતી વખતે તમને સમજાશે કે આપણી રોજબરોજની દિનચર્યામાં જે પ્રોડક્ટ આપણે વાપરીએ છીએ તે કંપનીમાં કેટલા પ્રકારનું રાજકારણ થતું હોય છે. સાથોસાથ કેવી સ્ટ્રેટેજી ઘડાતી હોય છે અને હરીફ કંપની સાથે યુદ્ધના ધોરણે હરીફાઈ પણ થતી હોય છે.
અન્ય થ્રીલર મૂવીની જેમ આ મૂવી નો અંત તમને આશ્ચર્યમાં મૂકી દેશે.જો કે તમે ઘણા બધા હોલીવૂડ મૂવીઝ જોયા હોય તો તમને અગાઉથી અંદાજો પણ આવી જશે કે મૂવીનો અંત કેવો હશે? ક્લેરનું પાત્ર જુલિયા રોબર્ટ્સ દ્વારા અભિનિત છે. તેના ઉત્તમ મૂવીઝ જોવાનો તમને શોખ રહ્યો હોય તો આ મૂવી જોવા જેવું ખરું.