Dolittle

Dolittle by darshali.jpeg

પ્રાણીઓનો ખરો મિત્ર!

રોબર્ટ ડ્રાઉની જુનિયરને તમે આયર્ન મેન અને શેરલોક હુમલ્સ મૂવીના લીધે સારી રીતે ઓળખતા હશો. આમ પણ હોલીવુડની વાત આવે ત્યારે તે બધાના મનપસંદ છે. ૨૦૨૦માં આવેલ “ડુલીટલ” મૂવીમાં તેનું એક અલગ જ રૂપ જોશો. એક પ્રાણીઓનો મહાન ડોક્ટર. જે દરેક પ્રાણીની ભાષા સમજી શકે છે અને તેની પાસેથી બધું જ કામ પણ કરાવી શકે છે. તેમાં પણ તે બધા પ્રાણીઓની મદદથી કોઈ પ્રાણીની સર્જરી પણ કરી શકે તેટલા ટ્રેઈન કરેલા પ્રાણીઓની સંગ રહેનાર. 

ડુલીટલ એક એવું પાત્ર છે જેના ઘરમાં તેના ફેમીલી તરીકે બધા પ્રાણીઓ જ છે. તેની પત્ની એક મુસાફરીમાં જાય છે અને ફરી ક્યારેય પાછી નથી આવતી. કારણ કે તેનું મૃત્યુ થઇ જાય છે. આ મૃત્યુનું આઘાત ડુલીટલ સહન નથી કરી શકતા. તેથી તે તે પોતાનો દુનિયા સાથેનો નાતો છોડી દે છે અને માત્ર પ્રાણીઓ સાથે જ જીવન વિતાવે છે. તે ક્યારેય ઘરની બહાર પણ નીકળતા નથી. 

મૂવીની શરૂઆતમાં તે અને તેની પત્ની અનેક પ્રાણીઓને મદદ કરતા હોય, તેઓને સાજા કરતા હોય, તેની સાથે વાતો કરતા હોય તેવું દેખાડે છે. તેઓની ઉત્તમ કામગીરીને કારણે જ તેને સરકાર/રાજા તરફથી એક સુંદર ઘર પણ મળે છે. પણ તેની પત્નીના મૃત્યુથી ડુલીટલ નારાજ થઇ જાય છે.

દરેક મૂવીની જેમ મૂવીમાં વણાંક ત્યારે આવે છે જયારે એક રાણીને સાજી થવા માટે ડુલીટલની મદદની જરૂર પડે છે. અન્ય પરીકથાઓની જેમ તે રાણીને કોઈએ ઝેર આપી દીધું છે. જેના લીધે તેણી મરણપથારીએ હોય છે. અને તેણીને સાજા કરવાનો ઈલાજ એક જ છે - એક જાદુઈ ફળ લઇ આવવું જેનાથી કોઇપણ વ્યક્તિ કે પ્રાણી ગમે તેવી બીમારીમાંથી પણ સાજું થઇ જાય. આ જાદુઈ ફળ વળી પાછું એવા આઈલેન્ડ પર છે જ્યાં પહોંચવું સૌથી અઘરું છે. 

કઈ રીતે ડુલીટલ તેના પ્રાણીઓ સાથે આ અશક્ય મુસાફરી પર જાય છે અને કઈ રીતે તે ફળને લઇ આવીને રાણીને બચાવે છે તેના માટે તમારે આ મૂવી જોવું રહ્યું. આ મૂવી હિન્દી ડબિંગમાં જોશો તો વધુ મજા આવશે કારણ કે દરેક પ્રાણીના અવાજ માટે ભારત દેશના અલગ અલગ કલ્ચરને ધ્યાનમાં લેવામાં આવ્યું છે. તેમાં પણ વલ્ચરનો અવાજ ગુજરાતી મૂવી ખીચડીના હિમાંશુ જેવો છે - તેથી તેને સાંભળવાની તમને મજા પડી જશે. જો કે દરેક પ્રાણીના અવાજ હિન્દી ડબિંગમાં અનોખા છે. 

મૂવીની વાર્તા ભલે કોઈ પરીકથા જેવી છે પણ રોબર્ટ માટે થઈને અને બધા પ્રાણીઓની જુગલબંધી જોવા માટે થઈને જરૂરથી આ મૂવી જોવું જોઈએ. આ મૂવી જોયા બાદ તમને એ વાત સમજાઈ જશે કે શા માટે લોકો માનવી કરતા ઘણીવાર તેણે પાળેલા પ્રાણીઓને વધુ પ્રેમ આપતા હોય છે. શા માટે પ્રાણીઓમાં અમુક ગુણો એવા છે જે માનવીએ શીખવા જેવા છે. 

ડુલીટલ કઈ રીતે આઈલેન્ડ સુધી પહોંચે છે, કઈ રીતે તે ફરીથી જીવન જીવવા તૈયાર થાય છે તે જાણવા માટે તમારે મૂવી જોવું રહ્યું. જયારે હાલમાં લોકો ઝોમ્બી મૂવીઝમાં અને ટાઈમ મશીનના મુવીઝમાં રસ લઇ રહ્યા છે ત્યારે વચ્ચે એકવાર આવું હળવું પણ મસ્ત મૂવી જોવું જ જોઈએ. તમને જાણીને નવાઈ લાગશે કે રોબર્ટે તેના પોતાના ઘરમાં પણ એક એવું ઘર બનાવ્યું છે જ્યાં દરેક પ્રકારના પ્રાણીઓ રહે છે.