Dolemite is my name

Dolemite-Is-My-Name-by darshali soni.jpg

ડોલેમાઈટ ઈઝ માય નેમ

૧૯૭૦ના સમયમાં રુડી રે મુર કોમેડી અને રેપના બાદશાહ હતા. દરેક આર્ટીસ્ટની જેમ તેને પણ કઈ જ સહેલાઇથી મળ્યું નહોતું. રુડી મહાન આર્ટીસ્ટ બનવા માટે લોસ એન્જલસમાં આવે છે. ત્યાં આવીને તે પોતાના ગીતોના આલ્બમ વેચવાનો પ્રયત્ન કરે છે. જો કે કોઇપણ જગ્યાએ તેના ગીતોને સ્વીકારવામાં આવતા નથી. તેથી તે પોતાનું ગુજરાન ચલાવવા માટે એક આલ્બમ સ્ટોરમાં કામ કરવા લાગે છે. પોતાનો સ્ટેજ પર રહેવાનો મોહ તેનાથી છૂટતો નથી. તેથી રાત્રે પબમાં જઈને મ્યુઝીક શો પહેલા એન્કરીંગ કરે છે.

રુડીના આલ્બમ સ્ટોરમાં હંમેશા એક પાગલ વ્યક્તિ આવતો. તે આવીને અતરંગી વાતો કરતો અને બધાને હસાવવાનો પ્રયત્ન કરતો. એક ભિખારીના જોક્સમાંથી રુડીને પોતાની કોમેડી સ્ક્રીપ્ટ લખવાની પ્રેરણા મળે છે. તે સ્ક્રીપ્ટ લખતા લખતા એક પાત્રને જન્મ આપે છે – “ડોલેમાઈટ” એક બોલ્ડ પાત્ર, જેને કોઈનો ડર નથી, જે બધાની વાટ લગાડી દે છે. રુડી શરૂઆત તો સાવ નાની કરે છે. તે પોતાના ઘરમાં અને અન્ય લોકોના ઘરમાં પાર્ટીમાં જઈને પોતાનો કોમેડી શો રજૂ કરવા લાગે છે. તે પોતાની જાતને ડોલેમાઈટ તરીકે જ ઓળખાવે છે. તેના મિત્રો જ તેની ટીમ બનીને વિડીયો શૂટ કરવામાં અને લોકોને ભેગા કરવામાં મદદ કરે છે. લોસ એન્જલસમાં ધીમે ધીમે રુડી પ્રખ્યાત થઇ જાય છે. તેથી તે પોતાના કોમેડી શોનો એક આલ્બમ બનાવીને પોતાની કારની ડેકીમાં બધો સામાન રાખીને વેચવા લાગે છે. તે પોતાના આલ્બમને વેચવા માટે કોઈ સ્ટુડિયો સાથે જોડાતો પણ નથી. તે જાતે જ પોતાના આલ્બમ વેચવા લાગે છે.

લોસ એન્જલસના નીગ્રો લોકો રુડીના કોમેડી શોને બહુ જ પસંદ કરવા લાગે છે. તેના જોક્સ અન્ય કોમેડીયન, ગાયકો કરતા પણ વધુ પ્રખ્યાત થઇ જાય છે. રુડીની મહેનત રંગ લાગે છે. એક વખત રુડી તેના મિત્રો સાથે મુવી જોવા જાય છે. ત્યારે તેને સમજાય છે કે તે આ રીતે હજારો કોમેડી શો અલગ અલગ શહેરમાં જઈને કરશે તો પણ તે કરોડપતિ નહી બની શકે, તેમજ આખી દુનિયામાં પ્રખ્યાતી નહી હાંસિલ કરી શકે. પણ જો તે મુવીમાં અભિનેતા તરીકે આવે તો તેને જગવિખ્યાતી મળશે.

રુડી તેની અત્યાર સુધીની સફળતાની બધી જ જમામૂડી જાતે જ મુવી બનાવવામાં નાખી દે છે. તેની પાસે મુવી બનાવવાનું કોઈ જ જ્ઞાન નથી. તેની પાસે કોઈ ટીમ પણ નહોતી. પોતાને અભિનેતા તરીકેનો કોઈ અનુભવ પણ નહોતો. આમ છતાં તે પોતાના પાત્ર ડોલેમાઈટને પ્રખ્યાત કરવા માટે એક મુવી બનાવવાનું નક્કી કરે છે.

તેના ગાયક મિત્રો આ મુવી માટે ગીતો લખે છે. પોતે ડોલેમાઈટનું પાત્ર ભજવે છે. કોલેજમાંથી પાસ થઇને નીકળેલા નવા નિશાળિયાઓ તેની મુવીની ડાયરેક્ટર ટીમ બને છે. રુડીના અન્ય મિત્રો મુવીમાં અન્ય પાત્રો ભજવે છે. રુડી હોલીવુડમાં કામ કરી ચુકેલા એક અભિનેતાને પણ પોતાના મુવીમાં લે છે. રુડી મુવી શૂટ કરવા માટેનો સ્ટુડિયો લોસ એન્જલસમાં આવેલ એક ખખડધર ઘરને બનાવી દે છે. તેમાં બધા સાથે મળીને બધી જ વ્યવસ્થા કરે છે. અને અનેક પ્રયત્નો બાદ રુડીનું મુવી બની જાય છે. હવે સમય આવે છે મુવીને વેચવાનો. કોઇપણ ડિસ્ટ્રિબ્યૂશન કંપની તેનું મુવી ખરીદવા તૈયાર નથી. તેઓને રુડીનું મુવી કરાટે, સેક્સ, કોમેડી અને એક્શનથી ભરેલું વાહિયાત મુવી લાગે છે. રુડી હતાશ થઇ જાય છે. આમ છતાં તે હાર માનતો નથી. અંતે રુડીને પોતાનું મુવી એક નાટકના થીયેટરમાં દેખાડવાનો મોકો મળે છે. જેમાં રૂડીને તે થીયેટરના માલિકને પોતાનું જ મુવી દેખાડવા માટે નાણા આપવાના હોય છે.

 

જો કે રુડીનું ડોલેમાઈટ પાત્ર લોસ એન્જલસમાં એટલું પ્રખ્યાત હોય છે કે જોતજોતામાં આખા થીયેટરની બધી જ ટિકિટ વેચાઈ જાય છે. ડોલેમાઈટ મુવીને સફળતા મળે છે. મૂવીની પ્રખ્યાતી વધતી જ જાય છે. રુડીનું સપનું પૂરું થાય છે. તે હોલીવુડમાં “રેપ સોંગ”નો પિતા કહેવાય છે. ૧૯૭૫માં તેના ડોલેમાઈટ મુવીને સફળતા મળ્યા બાદ રુડી મુવીનો બીજો ભાગ પણ બનાવે છે.

રુડી તેના જીવન દરમિયાન એક અમેરિકન કોમેડિયન,ગાયક, અભિનેતા અને એક ફિલ્મ પ્રોડ્યુસર તરીકે લોકોના દિલમાં પોતાની છાપ છોડી જઈને ૨૦૦૮માં વિદાય લે છે. તેની યાદમાં ૨૦૧૯માં “ડોલેમાઈટ ઈઝ માય નેમ” મુવી બનાવવામાં આવે છે. જેમાં રુડીનું પાત્ર પ્રખ્યાત અભિનેતા એડી મર્ફીએ નિભાવેલ છે.

એક આર્ટીસ્ટનું ખરું જીવન, તેની મહેનત, તેનો સંઘર્ષ, તેની હિંમત જોવા માટે આ મુવી જરૂરથી જોવું જોઈએ.

આભાર

દર્શાલી સોની