Django unchained

django unchained by darshali soni.jpg

ડીજેન્ગો અનચેઈન્ડ

ગોરા લોકો અને કાળા લોકો કે જેને નીગ્રોના નામે ઓળખવામાં આવે છે તે બંને વચ્ચે વર્ષોથી ઝગડા અને ખૂન ચાલતા આવ્યા છે. આ જાતિભેદ પર અનેક મુવીઝ બનેલા છે. હજુ પણ અનેક ડોકયુમેન્ટરી બની રહી છે. જો કે હવે દરેક દેશમાં ગોરા અને નીગ્રો લોકોને સમાન મહત્વ આપવામાં આવી રહ્યું છે. આમ છતાં અમુક શહેર એવા છે જ્યાં હજુ સુધી વર્ષો જૂની ઘરેડ જ ચાલે છે. નીગ્રો લોકો નીચા કામ કરે જેમ કે – કોઈના ઘરની નોકરાણી, ડ્રાઈવર, કે પછી શોપિંગ મોલમાં કામ.  તમે અત્યારે ભારત સિવાયના કોઈ દેશમાં જશો તો ખ્યાલ આવશે કે કઈ રીતે જાતિભેદ હજુ પણ નાબુદ નથી થયો. જો કે દરેક સિક્કાની બે બાજુ હોય છે. તેની વાત પછી ક્યારેક.

આજે તો એક એવા મૂવીની વાત કરવી છે જે આપણને ૧૮૫૮ના જમાનામાં લઇ જશે. જે સમયે નીગ્રો લોકોને વેચી દેવામાં આવતા હતા. બ્રિટીશ અને જર્મન લોકો તેને ખરીદી લેતા હતા. પછી પોતાના ઘરમાં કે ઓફીસમાં નોકરની નોકરી આપતા હતા. આ મુવીમાં પણ કંઇક આવી જ વાત છે. ૨૦૧૨માં આવેલું ડીજેન્ગો અનચેઇન્ડ મુવીને બે ઓસ્કાર મળેલા છે. તેમજ મુવીમાં હોલીવુડના પ્રખ્યાત અભિનેતા લિયોનાર્ડો કેપ્રીઓ અને જેમી ફોકસ છે.

મૂવીની વાર્તાની વાત કરું તો તમને કોઈ ક્રાઈમ-થ્રીલર મુવી લાગશે. એક રહીશ વ્યક્તિ ડીજેન્ગોને ખરીદી લે છે. કારણ કે તે ડીજેન્ગોની આવડતનો ઉપયોગ કરીને ખરાબ લોકો સામે જીતવા માંગતો હોય છે. તો સામે ડીજેન્ગોની વાર્તા કંઇક અલગ છે. તેની પત્ની બુમહિલ્ડાને કોઈ જર્મન વ્યક્તિએ ખરીદી લીધી હોય છે. તેથી ડીજેન્ગો પૈસા ભેગા કરીને તેની પત્નીને છોડાવવા માંગતો હોય છે. કઈ રીતે ડીજેન્ગો તેની પત્નીને છોડાવે છે, કઈ રીતે તેની આવડત થકી તેને ખરીદનાર વ્યક્તિને મદદ કરે છે અને એક્શન સિક્વન્સની ધમાલવાળું મુવી એટલે ડીજેન્ગો અનચેઇન્ડ. મુવીના ડાયલોગ્સમાંથી તમે કંઇક શીખવાની આશા ન રાખતા. મુવીના દરેક સીન અને જે રીતે આખી વાર્તાને વણાંક આપેલા છે તેમાંથી જ “રીડ બીટવીન ધ લાઈન્સ” જેવી બાબતો શીખવાની છે. તો શરુ કરીએ:

૧ સ્વતંત્રતા

આ શબ્દ કે વિષય વર્ષોથી ચાલતો આવ્યો છે. તે પછી ભારત અને બ્રિટીશ વચ્ચેની લડાઈ હોય કે પછી નીગ્રો અને ગોરા લોકો વચ્ચેની. ૧૮૫૮ના જમાનામાં આ રીતે લોકોને ખરીદી લેવાનો સીલસીલો ચાલુ હતો. તે સમયે નીગ્રો લોકોની પોતાની સ્વતંત્રતા છીનવાઈ ગઈ હતી. તેઓ એક દર્દભરી જિંદગી જીવી રહ્યા હતા. ત્યારે ડીજેન્ગો જેવા લોકો અને ઇતિહાસમાં અન્ય અનેક લોકોએ સ્વતંત્રતા માટે જોખમો ઉઠાવ્યા. શું ડીજેન્ગો તેની પત્નીને છોડાવી શકે છે?

અહી એકવાત સમજવા જેવી છે કે આપણે બધા જ લોકો અત્યારે સ્વતંત્ર તો થઇ ગયા છીએ. પણ શું આપણે મનથી અને વિચારોથી સ્વતંત્ર છીએ? કે પછી ઓશોને સાંભળવાની જરૂર છે કે પછી પોતે જ પોતાના વિચારોની માયાજાળમાંથી નીકળવાની જરૂર છે?

૨ ધંધો

જો તમે નાણા કમાવવા માંગતા હો કે પછી પોતાનું કામ કઢાવવા માંગતા હો તો તમને ધંધો કરતા આવડતો જોઈએ. સાચી સ્ટ્રેટેજીનો ઉપયોગ કરતા આવડવું જોઈએ. સામેવાળી વ્યક્તિને શું જોઈએ છે તે જાણતા આવડવું જોઈએ. બંને પાર્ટીને કઈ રીતે ફાયદો થશે તેવી ડીલ નક્કી કરતા આવડવું જોઈએ. ડીજેન્ગો ભલે એક ખુરાફાતી વ્યક્તિ છે પણ તેને ધંધો સારી રીતે કરતા આવડે છે. કઈ રીતે તે પોતાને ખરીદનાર વ્યક્તિને બંનેના ફાયદાની ડીલ કરાવે છે, કઈ રીતે તે તેની પત્નીના ઘર સુધી પહોંચે છે અને કઈ રીતે તે તેની પત્નીને ખરીદનાર વ્યક્તિ સાથે ડીલ કરે છે તે જોવા જેવું છે.

આમ પણ ધંધો હોય કે જીવન તમને સ્ટ્રેટેજી વાપરતા આવડશે તો જ સફળતા મળશે. મુવીને ઓસ્કાર મળ્યો છે કે પછી તેમાં ઉત્તમ અભિનેતાઓ છે એટલે મુવી જોવો એવું નહી કહું. પણ જો તમે કોઈ એવું મુવી જોવા માંગતા હો જેમાં વણકહેલી વાતો સમજવાની છે તો આ મુવી જોઈ લેજો.

આભાર

દર્શાલી સોની