હોલીવુડના વાલીયામાંથી વાલ્મીકીની કહાની – ડીસપિકેબલ મી
ક્રાઈમમાં માસ્ટર ગ્રુ વિલનના જીવનમાં ખુશ જ હોય છે. પણ શેરનો પણ સવા શેર તો હોવાનો જ. માસ્ટરને પણ હરીફાઈનો સામનો કરવો પડે જ છે. ગ્રુને પણ મળ્યો એક કટ્ટર હરીફ. પણ વાર્તાની સુંદરતા તો તેની ત્રણ દીકરીઓને દતક લેવા પછીના જીવનમાં છે. તમે માનો કે ના માનો દીકરી, પત્ની, માતા, બહેન, - સ્ત્રી કોઈપણ સ્વરૂપમાં શક્તિ છે અને તે ગમે તેવા વાલિયાને વાલ્મીકી બનાવી શકે છે. ગ્રુના જીવનમાં પણ એવું જ થયું – એગ્નેશ,માર્ગો અને એડીથ – આ દીકરીઓ થકી ગ્રુ એક વિલનમાંથી એક સરળ વ્યક્તિત્વ બની ગયો. સાથોસાથ પિતા બનવાથી તો કોઈપણ પુરુષમાં બદલાવ તો આવે જ છે. તો ચાલો જાણીએ કે આ તોફાની મુવીમાંથી શું શીખવાનું છે:
૧ મીનીયનસ
આ મુવીના સૌથી ખુશી આપતા પાત્રો એટલે નાના એવા મીનીયન. જીવનમાં ગમે તેવું દુખ હોય કે સુખ, સમસ્યા હોય કે કોઈ જવાબદારીઓ તે બધા હંમેશા ખુશ જ હોય. મારા ગુરુ કહે છે તેમ – “ગો વિથ ધ ફલો”ને તે બધા તોફાની મીનીયનસ ખરા અર્થમાં સાર્થક કરે છે.
૨ સમર્પણ
ગ્રુનું કામ પ્રત્યેનું, તેના સપના પ્રત્યેનું, તેની ત્રણેય દીકરી પ્રત્યેનું સમર્પણ. મીનીયનસનું તેના બોસ ગ્રુ પ્રત્યેનું સમર્પણ. – આ બધામાંથી તમે એ જ શીખશો કે સમર્પણમાં નુકસાની નહિ પણ ખુશી જ છે. સમર્પણ એક એવી લાગણી છે જે તમને લાંબા ગાળે કે ટૂંકા ગાળે ખુશી તો આપશે જ.
૩ સરળતા
જીવન ખુબ જ સરળ છે. આપણે બધા આપણા જ બનાવેલા માયાજાલમાં એટલા ફસાઈ જાય છીએ કે જીવનને ખુબ જ અઘરું બનાવી દઈએ છીએ. આ મુવી જોયા પછી તમને થશે કે જીવનને સરળતાથી લેશો તો જીવવાની મજા ઓર વધી જશે.
૪ બાળક બનવાની મજા
તમને એમ થાય કે આવા એનીમેશનવાળા મુવીઝ તો બાળકો માટે હોય. તો યાદ રાખો કે સાચી મજા તો જિંદગીભર બાળક બનીને જ જીવવામાં છે. આ વાત ભૂતકાળના ઘણા આર્ટિકલમાં કરેલી જ છે. હવે તો સમજીને એકવાર અમલ કરી જ જોવાય.
૫ હિમંત
જીવનમાં તમારા સપનાઓ પુરા કરવા માટે તમારા મિત્રો અને હરીફો જ નહિ પણ ઘણીવાર તમારું પોતાનું કુટુંબ પણ રોકશે. તમારા સપનામાં તમારો વિશ્વાસ અને તમારી હિમંત જ તમને આગળ લઇ જશે. આથી હાર ન માનો. તમારા સપના માટે કામ કરતા જ રહો. સફળતા જરૂર મળશે જ.
ટૂંકમાં કઈ શીખો કે ન શીખો પણ જીવનમાં ખુશ રહેતા તો શીખી જ જાવ. તેના માટે ટોમ એન્ડ જેરી જુઓ અથવા તો આવા એનિમેટેડ મુવી જોવાનું શરુ કરી દો. ઓલ ધ બેસ્ટ.
આભાર
દર્શાલી સોની