ડીમોલીશન - વિનાશથી ઉકેલ આવે?
તમે વર્ષો પહેલા એ વાર્તા તો સાંભળી જ હશે જેમાં વાર્તાનો સાર એવો હોય છે કે સંસારમાં એકપણ ઘર એવું નથી જેના ઘરમાં કોઈનું મૃત્યુ ના થયું હોય. ટૂંકમાં મૃત્યુ એ એક એવું સનાતન સત્ય છે કે જેને તમે સ્વીકારવા માંગો કે ના માંગો - તે બદલવાનું નથી. આજે એક એવા મૂવીની વાત કરવી છે કે જે એક રીતે જોઈએ તો દુઃખી મુવી છે પણ એક રીતે જોઈએ તો જીવનના સત્યને સમજવાનો સારો પહેલું પણ છે. તો કરીએ શરૂઆત?
ડેવિસ એક સફળ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર હોય છે. તેની પત્ની જુલિયાનું તેની નજર સામે જ કાર એકસીડન્ટમાં મૃત્યુ થઇ જાય છે. પછી કઈ રીતે ડેવિસ આ દુઃખમાંથી બહાર આવે છે તેનું મુવી એટલે ડીમોલીશન. બસ - મૂવીની આખી વાર્તા તો આ ત્રણ લાઈનમાં જ આવી જાય છે. બાકીના સબ પ્લોટની વાત કરું તો ડેવિસ તેની પત્નીના પિતા સાથે જ કામ કરતો હોય છે. તેથી તેણીના મૃત્યુ બાદ ડેવિસના અને જુલિયાના પિતાના સંબંધોમાં કઈ રીતે વણાંક આવે છે તે પણ તમને જોવા મળશે.
હવે તમે જ કલ્પના કરો કે ડેવિસ તેની પત્નીને ગુમાવવાના દુઃખમાંથી બહાર નીકળવા માટે એક ચોકલેટ વેચતી વેન્ડિંગ મશીનને પત્રો લખવાનું શરુ કરે તો કેવું પાગલપન લાગશે? હા એવું જ છે. ડેવિસ જયારે તેની પત્નીના મૃત્યુ બાદ હોસ્પિટલમાં હોય છે ત્યારે એક વેન્ડિંગ મશીનમાંથી ચોકલેટ ખરીદવાનો પ્રયત્ન કરે છે અને ચોકલેટ તે મશીનમાં ફસાઈ જાય છે. તેથી ડેવિસ તે કંપનીને ફરિયાદ કરતો પત્ર લખે છે પણ હકીકતમાં તો ડેવિસ ધીમે ધીમે તે પત્રોમાં ફરિયાદને બદલે તેના જીવનના દુઃખ, તેની પત્નીના મૃત્યુનું દુઃખ અને પોતાના જીવન વિશે લખવા લાગ્યો હોય છે. બસ સામે વેન્ડિંગ મશીનમાં કેરન નામની સ્ત્રી કે જે કસ્ટમર સર્વિસ ડીપાર્ટમેન્ટ સંભાળતી હોય છે તે પણ ડેવિસને જવાબ આપવાનું શરુ કરી દે છે. કેરનનો એક દીકરો પણ હોય છે. હવે મુવીનો અડધાથી વધારે પાર્ટમાં કેરન અને તેનો દીકરો કઈ રીતે ડેવિસને આ બધામાંથી બહાર લાવે છે તે જ દેખાડેલું છે.
તમે આ મુવી જોશો તો એમ નહી કહો કે બહુ મજા આવી પણ એમ કહેશો કે જીવન આવું પણ હોય અને જીવનમાં ઘણા સત્યો ગળે ઉતારવા માટે કોઈવાર અજીબ રસ્તા પણ અપનાવવા પડે. ડેવિસને એવી આદત પડી ગઈ હોય છે કે તેને જેટલી વસ્તુ દેખાય તે બધું જ સ્ક્રુ પાર્ટ સહીત ખોલી નાખે. પછી તે કોઇપણ વસ્તુ કેમ ના હોય. તેની પાછળની સાયકોલોજી સમજવા માટે તો તમારે મુવી જોવું જ રહ્યું. તો ચાલો હવે વાત કરીએ મુવી શું શીખવે છે તેની.
૧ વિનાશ
સામાન્ય રીતે આપણા સમાજમાં વિનાશને ખરાબ માનવામાં આવે છે. જો કે એ વાત પણ એટલી જ સાચી છે કે વિનાશ પછી જ સર્જન થાય છે. અથવા તો ઘણીવાર વિનાશ જ તમને અરીસો દેખાડે છે. વિનાશ અનેક પ્રકારના હોઈ શકે છે - યાદો, વ્યક્તિ, વિચાર, પરિસ્થિતિ, વસ્તુ અને પોતાની જાત પણ. ડેવિસ કઈ રીતે વિનાશને અલગ જ પહેલુંમાં લઈ જાય અને કઈ રીતે તે પોતાની જાતને પાછી લાવે છે તે તમે આ મુવીમાં જોઈ શકશો.
૨ જીવનસાથી
જયારે વ્યક્તિ લગ્ન કરે છે ત્યારે તે પોતાના જીવનસાથી સાથે એક અલગ જ લેવલ પર જોડાઈ જાય છે. તેનું આખું રૂટીનથી માંડીને જીવનના બધા જ સુખ અને દુઃખમાં તે વ્યક્તિ તેની સાથે હોય છે. આવા સમયે અચાનક જ તમારી પાસેથી એ જીવનસાથી જીવનભર માટે તમારી સાથે રહેવાને બદલે તમારો સાથ છોડી દે તો? જીવન અઘરું તો લાગવાનું પણ અશક્ય નહી. બસ ડેવિસ આ જ વિચારમાંથી બહાર આવવા માટે ડીમોલીશનનો રસ્તો અપનાવે છે.
૩ તમે કોને કહેશો?
બહુ ઓછા લોકો એવા નસીબદાર હોય છે કે જેની પાસે પોતાના મનની વાત રજૂ કરવા માટે લોકો હોય છે. એવા લોકો કે જે તેને સાંભળે અને સમજવાનો પણ પ્રયત્ન કરે. ડેવિસના જીવનમાં એવું કોઈ નહોતું. એટલે જ કદાચ તે કેરન અને તેના દીકરા સાથે ઝડપથી જોડાઈ શક્યો અને દુઃખમાંથી બહાર આવી શક્યો. જીવનનું દુઃખ નાનું હોય કે મોટું - કોઈ હોવું જરૂરી છે. તમારી પાસે કોણ છે?
આ મુવી ૨૦૧૫માં આવેલ છે. મુવી એક રીતે ઓફબીટ કહી શકાય. પણ જો તમે કંઇક અલગ રીડ બીટવીન ધ લાઈન જેવું મુવી જોવા માંગતા હો તો આ મુવી જરૂરથી જોવું જોઈએ. મુવીમાં જેટલા સાઉન્ડ ટ્રેકસ છે તે બધા જ સુંદર છે. એકવાર જોઈ લેવામાં કઈ ખોટું નથી.
આભાર
દર્શાલી સોની