Dallas Buyers Club

dallas buyers club by darshali soni.jpg

ડલાસ બાયર્સ ક્લબ - એક બળવાખોરની કહાની

ત્રણ ઓસ્કાર જીતેલું અને સત્ય ઘટના પર આધારિત મુવી એટલે ડલાસ બાયર્સ ક્લબ. આ મુવી ૧૯૮૫ના સમયમાં બનેલ સત્યઘટના પર આધારિત છે. રોન વુડરોહ નામનો ઈલેક્ટ્રીશ્યીન અને કાઉબોય બેફામ ડ્રગ્સ, ડ્રીન્કીંગ અને અનેક ખરાબ આદતોથી ભરપૂર જીવન જીવતો હોય છે. સાવ ખરાબ જીવનશૈલીમાં જીવતા રોનને એકવાર કામ કરતા ઈજા થતા હોસ્પિટલમાં લઇ જવામાં આવે છે અને ત્યારે તેને ખબર પડે છે કે તેને એઇડ્સ છે. આ ઘટના ૧૯૮૫ના સમયની છે. તે સમયે એઇડ્સનો કોઈ સચોટ ઈલાજ પણ નહોતો અને એઇડ્સ અંગે અનેક સાચી-ખોટી માન્યતાઓ લોકો વચ્ચે હતી. રોનને ડોક્ટર દ્વારા કહેવામાં આવે છે કે એઇડ્સના લીધે તેની પાસે હવે જીવવા માટે માત્ર ૩૦ જ દિવસ વધ્યા છે. એઇડ્સની જાણ થયા બાદ રોનમાં અને તેના જીવનમાં કેવા મોટા બદલાવ આવે છે તે રસપ્રદ છે. કઈ રીતે એક સામાન્ય રોન પોતાનું દવા વેચતું "ડલાસ બાયર્સ ક્લબ" ખોલી નાખે છે તેની વાત આ મુવીમાં દર્શાવેલ છે.

રોનને જયારે એઇડ્સ વિશે ખબર પડે છે ત્યારે તેના ઈલાજ માટેની દવા વિશે તે બધું જાણે છે. ત્યારે એક દવા એવી હોય છે જેનાથી એઇડ્સના દર્દીઓને રાહત તો મળે છે પણ તે એફડીએ એટલે કે મેડીકલ સરકાર દ્વારા માન્ય નથી. રોન કોઈપણ હાલતમાં જીવવા માંગતો હોય છે તેથી તે પોતે જ બિનકાયદેસર રીતે આ દવા વેચવાનું શરુ કરી દે છે. રોનને હોસ્પિટલમાં વ્યક્તિ રેયોન મળે છે કે જે ગે હોય છે. આગળ જતા તે તેનો મિત્ર બને છે અને ડલાસ બાયર્સ ક્લબમાં તેનો ભાગીદાર બનીને એઇડ્સની દવા વેચવામાં મદદરૂપ થાય છે. રોન કઈ રીતે બધી જ કપરી પરિસ્થિતિઓનો સામનો કરીને ૩૦ દિવસને બદલે ૭ વર્ષ જીવે છે તેની કહાની એટલે ડલાસ બાયર્સ ક્લબ. ચાલો જાણીએ કે ડલાસ બાયર્સ ક્લબ મુવી શું શીખવે છે:

"ના" ન સ્વીકારો

સાચો ધંધાર્થી કોઈપણ પરિસ્થિતિમાં કયારેય ના સ્વીકારતો નથી. તે કોઈપણ સમસ્યાનું કંઇક તો હલ શોધી જ લે છે અને પોતાનો ધંધો ચાલુ રાખે છે. રોન માટે મેક્સીકોથી દવા લઇ આવીને ટેક્સાસમાં એઇડ્સના દર્દીઓને વેચવી અને પોતાના ડલાસ બાયર્સ ક્લબમાં મેમ્બરશીપ આપવી તે જ તેનો ધંધો હતો. સરકાર તરફથી આ દવાના વેચાણને પ્રતિબંધ હોવા છતાં તેણે સરકારનો સામનો કર્યો અને તેઓની ના ન સ્વીકારી અને દર્દીઓને સાજા કરવાનું કામ ચાલુ રાખ્યું.

૨ સાચી ઓળખ

આ બહુ સામાન્ય અને સરળ વાત છે કે માનવીના ખરાબ સમયમાં જ તેના સાચા સંબંધીઓ અને મિત્રોની ઓળખ થાય છે. બાકી સારા સમયમાં તો બધા લોકો સાથે રહેતા જ હોય છે. રોનને જયારે એઇડ્સ નહોતું ત્યારે તેના અનેક મિત્રો હતા પણ જેવી તેના મિત્રોને રોનના રોગની જાણ થઇ એટલે બધા દૂર ભાગવા લાગ્યા. રોનને સાજો થવામાં મદદરૂપ થવું કે તેને ખરાબ સમયમાં સાથ દેવાની વાત તો બાજુએ રહી તેઓ એઇડ્સની ખોટી માન્યતાઓને કારણે રોનને મળવાનું પણ ટાળવા લાગ્યા. હા, પણ રોનને હોસ્પિટલમાં મળેલ રેયોન તેનો મિત્ર બને છે અને પોતાના મૃત્યુ સુધી રોનનો સાથ નિભાવે છે અને પોતાના પિતા પાસેથી નાણા લઈને પણ રોનનું ડલાસ બાયર્સ ક્લબ ચાલુ રાખવામાં મદદરૂપ થાય છે.

૩ એક પહેલ

એવું જરૂરી નથી કે તમે કઈ મોટું મહાન કામ કરો અને હજારો લોકોના જીવનમાં બદલાવ લાવો તો જ સફળ અને તમારું જીવન સાર્થક ગણાય. થોડા લોકોના જીવનમાં બદલાવ અથવા તો માત્ર એક વ્યક્તિના જીવનમાં બદલાવ લાવવો પણ ગર્વની જ વાત છે. રોનને જયારે એઇડ્સની દવા વિશે જાણ થાય છે ત્યારે તે માત્ર પોતાની જાતને જ સાજો નથી કરતો પણ ટેક્સાસના અન્ય એઇડ્સના દર્દીઓને પણ સાજા કરવા માટે ડલાસ બાયર્સ ક્લબ ખોલી નાખે છે.

૪ રીસર્ચ

રોનને જયારે એઇડ્સની જાણ થાય છે ત્યારે તે એઇડ્સ અંગે બધું જ જાણી લે છે. તે સમયે જેટલા પુસ્તકો અને ડોક્ટર્સ પાસેથી માહિતી લઇ શકાતી હતી તે બધું જ રીસર્ચ રોન કરી લે છે. ઊંડાણપૂર્વકના રીસર્ચ બાદ જ રોનને એઇડ્સની અનેક દવાઓ અને તેની અસર વિશે જાણ થાય છે. રોનના રીસર્ચના કારણે જ તેને સાચી દવાની ખબર પડે છે અને ડલાસ બાયર્સ ક્લબ અસ્તિત્વમાં આવે છે. કોઈપણ ધંધો હોય કે જીવનની મુશ્કેલી હોય - જો પૂરતું રીસર્ચ કરી લેવામાં આવે તો કોઈપણ ધંધાર્થી પાછો પડતો નથી.

૫ હિંમત

રોનને ખબર હતી કે તેની પાસે હવે ૩૦ જ દિવસ જીવવાના વધ્યા છે આમ છતાં તેણે હિંમત ન હારી. તે વધુ જીવી શકે તે માટે તેણે રસ્તાઓ શોધવાના શરુ કર્યું. દવા શોધી અને પોતે તો ૩૦ દિવસની બદલે સાત વર્ષ જીવ્યો પણ અન્ય દર્દીઓને પણ મદદ કરી. આ મુવીની ટેગલાઈન જ - "ડેર ટુ લીવ" છે.  જીવનની નાની મુશ્કેલી હોય  કે રોનના જીવનમાં આવેલ મૃત્યુ જેવી મોટી મુશ્કેલી - હિંમતથી તો જીવવું જ જોઈએ. આ મુવી જોયા બાદ રોનની જેમ મેડીકલની સરકાર સામે બળવો કરવાની વાત તો નથી શીખવાની પણ તેનામાં રહેલી હિંમત અને જીવવાની તમ્મના કેળવતા જરૂરથી શીખી શકાય.

આભાર

દર્શાલી સોની