Confirmation

સાચું કોણ? - કન્ફર્મેશન 

કોર્પોરેટ દુનિયા હોય કે પછી રાજકારણ હોય કે પછી કારકિર્દીનું કોઇપણ ક્ષેત્ર હોય અથવા તો એમ કહો ને કે કોઇપણ ક્ષેત્ર જ્યાં સ્ત્રી અને પુરુષો સાથે મળીને કામ કરતા હોય - આવી દરેક જગ્યાએ અમુક એવી ઘટનાઓ ઘટતી હોય છે જે ક્યારેય સામે નથી આવતી. અથવા તો સામે આવે તો તેને સાબિત કરવી અઘરી પડી જતી હોય છે. 

આથી જ હવે દરેક ક્ષેત્રમાં, દરેક કંપનીમાં - સેક્સ્યુઅલ હરેસમેન્ટ માટેની પોલીસી હોય છે. તેની પાછળ ભૂતકાળની અનેક ઘટનાઓ જવાબદાર છે. રાજકારણની વાત કરીએ તો જયારે પણ આવી કોઈ ઘટના સામે આવે છે ત્યારે આરોપ મૂકનાર સ્ત્રીની કારકિર્દી જોખમમાં મૂકાઈ જતી હોય છે. આરોપીને સજા મળે કે ન મળે, તેની કારકિર્દી પર એટલી મોટી અસર નથી પડતી. આજે એક એવા જ મૂવીની વાત કરવી છે જે સત્યઘટના આધારિત છે. 

૨૦૧૬માં “કન્ફર્મેશન” નામનું મૂવી આવ્યું. જેમાં યુએસમાં જજ ક્લેરન્સ થોમસને સુપ્રીમ કોર્ટ માટે પસંદ કરવામાં આવે છે ત્યારે એક સ્ત્રી અનીતા હિલ તેના પર વર્બલ સેક્સ્યુઅલ હરેસમેન્ટનો આરોપ મૂકે છે. મોટાભાગે જયારે રાજકારણ કે સરકારમાં કોઈ મોટી તક મળતી હોય ત્યારે આવા કૌભાંડો બહાર આવે છે. તે કેટલી હદે સાચા છે કે ખોટા, અથવા તો સાચા આરોપને દબાવી દેવામાં આવે છે કે નહી તે તો આરોપી અને આરોપ મૂકનાર જ જાણે. 

અનીતા હિલના આ સ્ટેટમેન્ટના લીધે સરકાર અને મીડિયામાં હલચલ થઇ જાય છે. કમિટી બેસાડવામાં આવે છે. અનીતાના વ્યક્તિત્વ અને માનસિકતા પર સવાલ કરવામાં આવે છે. થોમસને નિર્દોષ સાબિત કરવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવે છે. સામે અનીતાના લીધે અન્ય એક સ્ત્રી પણ બહાર આવે છે - જો કે તે કમિટી સુધી પહોંચી જ નથી શકતી. - આવું પણ થતું હોય છે. અંતે અનીતા કેસ જીતે છે કે નહી? તે જાણવા માટે તો તમારે મૂવી જોવું રહ્યું. 

આ મૂવી ગંભીર છે. સત્યઘટના પર આધારિત છે. મૂવીનો અંત, અનીતાનો સંઘર્ષ, થોમસની પરિસ્થિતિ, સરકાર, સરકારના ચમચાઓ - આ બધું જ તમને વિચારતા કરી મૂકશે. જયારે ખરા ન્યાયની વાત આવે ત્યારે ખરેખર કેટલા લોકો સત્ય જોવા અને તેના પર એક્શન લેવા તૈયાર હોય છે? મોટાભાગના લોકો તો સત્ય જોવા પણ નથી માંગતા. જયારે રાજકારણની વાત આવે ત્યારે કેટલા સત્યને દબાવી દેવામાં આવતા હોય છે? શું જરૂરી છે કે દરેક વખતે આરોપ મૂકનાર વ્યક્તિ સાચો જ છે? શું વ્યક્તિ પાસે કોઈ સાબિતી નથી તેનો મતલબ એવો થયો કે તે ખોટો છે? - આવા અનેક વિચારો અને સવાલો તમારા મનમાં ઉભા થશે.

અનીતા હિલના આ કિસ્સા પરથી એક પુસ્તક પણ લખાયું છે. થોમસે પણ જજ બની ગયા બાદ એક પુસ્તક લખ્યું છે. અનીતાનું પાત્ર પ્રખ્યાત અભિનેત્રી કેરી દ્વારા અભિનીત છે. મૂવી જોયા બાદ તમે આસપાસ નજર કરશો તો હજુ પણ અનેક એવા ક્ષેત્રો દેખાશે કે જ્યાં સ્ત્રીઓએ પોતાની જાતને સાબિત કરવા માટે અને પોતાની સુરક્ષા માટે વલખા મારવા પડે છે.

જો તમને સત્યઘટના આધારિત મૂવી જોવાનો શોખ હોય તો આ મૂવી જોવું જોઈએ. મૂવીનો અંત - અન્ય મૂવીઝની જેમ હેપી એન્ડીંગ નથી. આમ પણ સત્યઘટનામાં તમે એવી અપેક્ષા રાખી પણ ન શકો.