Come As You Are

come as you are movie talk by darshali soni.jpg

જે લોકો છીછરા વિચારોની માયાજાળમાંથી બહાર નીકળી ગયા છે, જેના માટે સ્વતંત્ર વિચારણા સામાન્ય છે, જેઓએ સમાજને જોયો છે, જાણ્યો છે અને જીવ્યો છે – આવા લોકોના મનમાં જીવનની દરેક મહત્વની બાબતો અંગે અનેક વિચારો આવ્યા હશે. જેમ કે શા માટે – સેક્સ – કે જેના થકી આખી પૃથ્વી પર પ્રાણીઓથી માંડીને માનવીનું સર્જન થઇ રહ્યું છે – તેની વાત કરતા અચકાટ છે? શા માટે સેક્સને હજુ પણ જીવનના ભાગરૂપે સ્વીકારવામાં આવતું નથી? શા માટે તેની વાત કરવી, સેક્સની ઈચ્છા દર્શાવવી, તે જરૂરિયાતને પૂરી કરવી ખરાબ અથવા તો જાહેરમાં ચર્ચા ન કરી શકાય તેવું માનવામાં આવે છે?

આ લેખ સેક્સ માટે કેવી ફિલોસોફી હોવી જોઈએ તેના અંગેનો નથી. આજના મુવી – “કમ એઝ યુ આર”માં એવા ત્રણ મિત્રોની વાત છે જેનું જીવન આપણા મોટાભાગના લોકોની જેમ સામાન્ય નથી. તેઓના જીવનમાં અમુક ઘટનાઓને લીધે તેઓનું શરીર સામાન્ય નથી. તેઓ હેન્ડીકેપ છે. તેઓ યુવાની વટાવી ગયા પછી પણ તેના માતા- પિતા સાથે રહે છે, તેઓ આપણી જેમ કારકિર્દીના સપનાઓ, સારી છોકરી સાથે પ્રેમમાં પડવાના સપનાઓ જોઈ શકતા નથી.

પણ શું તેનો મતલબ એવો થયો કે તેઓને જીવનનો આનંદ ઉઠાવવાનો હક નથી? ૨૦૧૯માં આવેલ કમ એઝ યુ આર મુવી – એક બેલ્જીયમ મુવી “હાસ્તા લા વિસ્તા” મુવી પરથી પ્રેરણા લઈને બનાવવામાં આવેલું છે. જેમાં સ્કોટી, મેટ અને મો – ત્રણ મિત્રો હેન્ડીકેપ હોય છે. બધા યુવાનોની જેમ તેઓની પણ સેક્સ માટેની ઈચ્છા હોય છે. જેનો તેઓએ જીવનમાં ક્યારેય અનુભવ નથી કર્યો તે અનુભવ કરવા માટે તેઓ તેના શહેરની બહાર આવેલ એક એવા “સેન્ટર”માં જાય છે જ્યાંની સ્ત્રીઓ હેન્ડીકેપ લોકોની ઈચ્છા સંતોષે છે. 

ત્યાંની સ્ત્રીઓ – આપણા સમાજની જેમ તે લોકોને અને તેની ઇચ્છાઓને જજ કરતી નથી. તેઓને જેવા છે તેવા સ્વીકારે છે. મૂવીની વાર્તા તો એટલી જ છે કે આ ત્રણ મિત્રો કઈ રીતે પોતાના કુટુંબને ખોટું બોલીને એક રોડ ટ્રીપ પર જાય છે, કઈ રીતે પોતાની ઈચ્છાઓ સંતોષે છે, કઈ રીતે આ રોડ ટ્રીપમાં પણ તેના વધુ પડતી ચિંતાવાળા માં-બાપ તેની પાસે આવે છે અને તે ત્રણેય મિત્રો તેને પોતાના વિચારો અને ઈચ્છાઓ જણાવવામાં કેટલો ખચકાટ અનુભવે છે, કઈ રીતે આ ત્રણેય મિત્રો વચ્ચે ગાઢ મિત્રતા સ્થપાય છે. 

મુવી કોમેડી છે – સ્કોટી એવો છોકરો છે જે જન્મથી હેન્ડીકેપ છે, આખું જીવન વ્હીલચેરમાં વિતાવ્યું છે, તેની પણ સેક્સ કરવાની ઈચ્છા છે, પ્રેમ કરવાની ઈચ્છા છે – એક સામાન્ય જીવન જીવવાની ઈચ્છા છે. તે નિખાલસ છે – આ રોડ ટ્રીપનો આઈડિયા પણ તેનો જ હોય છે. 

મેટ – એક દુર્ઘટનાને લીધે હેન્ડીકેપ બને છે. તે સરળ છે, સમજદાર છે, પણ પોતાની ઇચ્છાઓને જાહેરમાં રજૂ નથી કરી શકતો અને સ્વીકારી પણ નથી શકતો. સ્કોટી તેની અંદર આ બહાદૂરી જગાડે છે અને મેટની ઈચ્છા પૂરી થાય છે. 

મો – એક એવો વ્યક્તિ કે જે આંખોથી જોઈ શકતો નથી, રમૂજી છે, તેને તો આ સેક્સની ઈચ્છામાં કોઈ રસ જ નથી. તે તેના મિત્રોને સાથ આપવા માટે જાય છે અને તેઓની રોડ ટ્રીપની ડ્રાઈવર સ્ત્રીના પ્રેમમાં પડી જાય છે. 

મુવીની ટેગલાઈન છે – “દરેક વ્યક્તિની જરૂરિયાતો હોય છે.” કેટલી ખરી વાત ને! બાકી બધી જરૂરિયાતોની જેમ સેક્સને ક્યારે એક જરૂરિયાત, પ્રેમ દર્શાવવાનું એક માધ્યમ સ્વીકારવામાં આવશે? ક્યારે સેક્સ સામાન્ય બની જશે? – આવા તો અનેક વિચારો તમને આ મુવી આપશે. હળવું પણ સુંદર મુવી છે. તેથી એકવાર તો જોવું જ જોઈએ.