કલેશ ઓફ ધ ટાઈટન્સ - એક કથા કે સત્ય?
જેમ આપણા હિંદુ ધર્મમાં અનેક પૌરાણિક કથાઓ છે તે જ રીતે ખ્રિસ્તી, ગ્રીક વગેરે અનેક પૌરાણિક કથાઓ છે. તેમાંની જ એક વાર્તા પરથી બનેલા મૂવીની આજે વાત કરવી છે. ૨૦૧૦માં આવેલું "કલેશ ઓફ ધ ટાઈટન્સ" મુવી મુખ્ય પાંચ લોકોને ધ્યાનમાં લઈને બનાવ્યું છે.
કથા મુજબ વાર્તા એવી છે કે પૃથ્વી પર ટાઈટન્સ રાજ કરતા હતા. તેઓના ત્રણ દીકરા હતા. ઝ્યુસ, પોસાઈડન અને હેડસ. ઝ્યુસ સ્વર્ગના રાજા હતા. પોસાઈડનને દરિયાના રાજા બનાવવામાં આવ્યા હતા. જયારે અન્ડરવર્લ્ડના રાજા તરીકે હેડસને રાખવામાં આવ્યા હતા.
ઝ્યુસે પુરુષ અને સ્ત્રીનું સર્જન કર્યું હતું. તેનો એક પુત્ર આ મૂવીનું મુખ્ય પાત્ર છે - જેનું નામ છે પર્સિયન. ભગવાનનો પુત્ર હોવા છતાં તે માનવીરૂપી જીવન જીવીને કેવી પરિસ્થિતિનો સામનો કરે છે અને કઈ રીતે બધા સ્થળોના રાજાઓ પોતાનો રોલ નિભાવે છે તેની વાત આ મુવીમાં છે.
મુવીમાં હજુ બે પાત્રો છે - એક તો પર્સિયનની એન્જલ જેનું નામ આઈઓ છે. જે હંમેશા પર્સિયનનું રક્ષણ કરે છે અને તેને સાચી દિશા તરફ મોકલે છે. તે જ રીતે હેડસે બહાર કાઢેલ ક્રેકન અને મેડુંસાને તમે મુવીના વિલન કહી શકો. કઈ રીતે પર્સિયસ ભગવાન અને નૈતિકતાની બાબત લઈને લડત આપે છે અને માનવજાતીને શું શીખવે છે તેની વાત આ મુવીમાં આપેલ છે. ભગવાન અને માનવી વચ્ચેનું યુદ્ધ તમે એવું પણ કહી શકો.
માનવીઓની માયાજાળમાંથી ઘણું શીખ્યા હવે આ ભગવાનનું કુટુંબ શું શીખવે છે તે જાણીએ:
૧ તમે કોના જેવા છો?
મુવીમાં એક સુંદર ડાયલોગ છે - જયારે તમારી સામે કોઈ દુશ્મન આવે છે ત્યારે એક વાત યાદ રાખો. તમારી અંદર એક ભગવાન રહેલો છે. જયારે બદલો લેવાની વાત આવે કે ક્રૂર બનવાની વાત આવે ત્યારે તે ભગવાનને બહાર આવો દો. એટલે કે તમારી સારપને બહાર આવવા દો. દુશ્મન જેવા જ બની ના જાવ. તો પછી તમારા અને દુશ્મન વચ્ચે શું ફર્ક કહેવાશે? તમે જ તમારી વિશે વિચારો - ક્યારે તમે તમારી અંદરના ભગવાનને હાવી થવા દીધો અને ક્યારે રાક્ષસને.
૨ એન્જલ
એન્જલ એટલે કોણ? એવું તત્વ કે જે હંમેશા તમારી સાથે રહે, તમને સાચી દિશામાં માર્ગદર્શન આપે, તમારું રક્ષણ કરે, તમારી સાથે રહીને મુશ્કેલીઓનો સામનો કરે. દરેક વ્યકિતના જીવનમાં કોઈના કોઈ રૂપે આવા એન્જલ મળી જ જાય છે. બની શકે કોઈ એન્જલ ટૂંકા સમય માટે હોય તો કોઈ એન્જલ લાંબા સમય માટે હોય. તમારે આ એન્જલને ઓળખતા શીખવાનું છે. જે રીતે પર્સિયન પાસે આઈઓ નામની એન્જલ હતી તેમ તમે પણ એન્જલ શોધી લો. કોઈવાર તમારી અંતરઆત્મા જ તમારું એન્જલ હોય તેવું બની શકે.
૩ બુરાઈ
ઝ્યુસનો એક ભાઈ છે જેનું નામ હેડસ છે. જે બુરાઈ, લાલચ, ડર, ક્રાઈમનો માલિક કહી શકાય. અંધકારનો રાજા. આપણા જીવનમાં કોઈ વ્યક્તિ સ્વરૂપે, વિચાર, માન્યતા, ઘટના કે પોતાની જાત જ ક્યારેક આ હેડ્સ બની જાય છે. ત્યારે આપણે આ બુરાઈ પર સારપની જીત થાય તેવું કરવાનું છે. કારણ કે બુરાઈ ક્યારેય અમર નથી હોતી. સત્ય અને સારપ અમર હોઈ શકે.
આ મુવી ગ્રીક માયથોલોજી પરથી બનેલું છે. તેથી જો તમને વાંચવાનો શોખ હોય તો ઘણા પાત્રો વિશે ખબર હશે. તમે ધ્યાનથી નિરિક્ષણ કરશો તો દરેક ધર્મમાં આવા અનેક સારા અને ખરાબ પાત્રોથી ભરપુર વાર્તાઓ આપેલી જ છે. આમ જોવા જઈએ તો બધાનો સાર તો સમાન જ છે.
આ મૂવીની વાત કરીએ તો ચાર એવોર્ડ જીતેલા મુવીમાં બધા જ ઉત્તમ અભિનેતાઓ છે. પ્રખ્યાત અભિનેતા લીઆમ નીસન દ્વારા ભગવાન એટલે કે ઝ્યુસનું પાત્ર નિભાવવામાં આવ્યું છે. જયારે હેડ્સનું પાત્ર ધ ગ્રાન્ડ બુડાપેસ્ટ હોટેલ પ્રખ્યાત રાલ્ફ ફીનેશ દ્વારા અભિનીત છે.
ઘણીવાર આવા મુવી આપણા સમાજની પૌરાણિક વાર્તાઓ જાણવા માટે જોઈ લેવા જોઈએ.
આભાર
દર્શાલી સોની