Chaitra - Short film

Chaitra by darshali soni.jpg

મુવી ટોકમાં એક નવું સોપાન - ચૈત્રા

ભારતમાં પ્રથમ વખત જયારે મે મુવી ટોક્સનો કન્સેપ્ટ શરુ કર્યો ત્યારે જ વિચારેલું હતું કે મુવી ટોક્સ માત્ર હોલીવુડ મુવીઝ સુધી સીમિત નહી હોય. આપણા ભારતીય સિનેમામાં વિવિધતા ઘણી છે. અનેક ભાષાઓમાં ઉત્તમ  મુવીઝ અને શોર્ટ ફિલ્મ્સ પણ બનેલી છે. ઘણા સમયથી તમે હોલીવુડના મુવીઝના મુવી ટોક્સ તો વાંચતા જ હશો. આ નવા વર્ષમાં હું તમારી સમક્ષ રજૂ કરું છું મુવી ટોકનું એક નવું સોપાન. તેમાં સૌથી પહેલાં લઈએ મરાઠી ભાષા. મરાઠી ભાષાના મુવીઝ અને તેની શોર્ટ ફિલ્મની દુનિયા જ અલગ છે. તમને કંઇક અનોખો જ અનુભવ આ મુવીઝ અને શોર્ટ ફિલ્મસ આપશે.

જો મરાઠીમાં જ સોપાન શરુ કરવું હોય તો તેમાં પણ શોર્ટ ફિલ્મથી શરૂઆત કરવી હોય તો "ચૈત્રા" શોર્ટ ફિલ્મ ઉત્તમ રહેશે. આ શોર્ટ ફિલ્મની મને ઓળખ થઇ લોનાવાલા ફિલ્મ ફેસ્ટીવલમાં થઇ. ત્યાં "ચૈત્રા"ના સાઉન્ડ એન્જીનીયર સુબીર દાસજીને મળવાનું થયું. ફિલ્મની દુનિયા પણ અનોખી છે. સુબીર દાસજી એટલે ખૂબ જ શાંત પણ સર્જનાત્મક પ્રતિભા. તેણે મને મરાઠી મુવીઝમાં અનેક ઉત્તમ શોર્ટ ફિલ્મ્સની વાતો કરી. તેમાંની એક એટલે "ચૈત્રા". હા, આવી જ સરસ મજાની આકાશ મહીનીની શોર્ટ ફિલ્મ વિશે આવતા મુવી ટોકમાં વાતો કરીશું. શું છે "ચૈત્રા"?

૨૦૦૨માં ૨૩ વર્ષના "ફિલ્મ એન્ડ ટેલીવિઝન ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયા"માં અભ્યાસ કરતા ક્રાંતિ કનડેને ડીગ્રી મેળવવા માટે એક શોર્ટ ફિલ્મ બનાવવાની હતી. ત્યારે તેણે અનેક દિગ્ગજોની મદદથી "ચૈત્રા" બનાવી અને આનંદની વાત એ છે કે આ શોર્ટ ફિલ્મને ૩ નેશનલ ફિલ્મ એવોર્ડ પણ મળ્યા.  પ્રખ્યાત લેખક જી.એ કુલકર્ણીની "ચૈત્રા" નામની વાર્તા પરથી જ આ શોર્ટ ફિલ્મ બનેલ છે. માત્ર ૨૫ મિનીટની આ શોર્ટ ફિલ્મ જરૂરથી તમને ગમશે.

વાર્તા બહુ સરળ છે. મુવીમાં મુખ્ય બે પાત્રો કહી શકાય - માતા અને તેનો પુત્ર. માતાનું પાત્ર પ્રખ્યાત અભિનેત્રી સોનાલી કુલકર્ણીએ નિભાવ્યું છે. મરાઠી કલ્ચરમાં "હલ્દી-કંકુ"ની વિધિ દર વર્ષે હોય છે. આ વિધિમાં પરણિત સ્ત્રીઓ એકબીજાને મળવા જાય છે. હા, માત્ર પરણિત સ્ત્રીઓ જ જઈ શકે છે. બધા એકબીજાને મળે છે અને એકબીજાને નાસ્તો આપે છે અને શુકનમાં અનાજ આપે છે.

મુવીમાં મુખ્ય પાત્ર સોનાલી પણ ગામડામાં રહેતી હોય છે અને તે ગામડામાં એક મોટા કુટુંબમાં મળવ જાય છે અને ત્યાં તેનું અપમાન થાય છે. સ્વાભિમાની માતા તેના પુત્રની સામે તેનું અપમાન થાય છે તે સહન કરી શકતી નથી. તેથી તે તેના પતિને તેના ઘરેણાને બદલે નાણા લઇ આવવાનું કહે છે અને પોતાની ઘરે "કંકુ-હલ્દી" રાખે છે અને આખા ગામડાની સ્ત્રીઓને બોલાવે છે. જેમાં તે પોતાનું અપમાન કરેલ સ્ત્રીને પણ બોલાવે છે અને તેની સાથે સૌથી સારું વર્તન કરે છે. આવતા વર્ષે જયારે "કંકુ-હલ્દી" હોય છે ત્યારે તેણી તે વિધિમાં જઈ શકે છે કે નહી તે માટે તો તમારે આ શોર્ટ ફિલ્મ જ જોવી રહી.

સ્વાભિમાન કોઈ સ્ત્રી માટે કેટલું મહત્વનું હોય છે તે તમે આ મુવીમાંથી શીખી શકશો. એક માતા તરીકે સ્ત્રી તેના બાળક માટે શું કરી શકે તે પણ તમને આ મુવીમાં જોવા મળશે. સિનેમાં ક્ષેત્રના લોકોને સિનેમેટોગ્રાફીના નજરિયાથી આ મુવી ઘણું શીખવાડશે. આ ઉપરાંત તમે અત્યારથી સુધી હોલીવુડ અને બોલીવુડ જ મુવી જોતા આવ્યા હો તો હવે એક નવું જેનર ઉમેરી દો જે તમને કંઇક તો નવું શીખવશે જ. આ મુવીમાં મ્યુઝીક ભાસ્કર ચંડાવકરે આપેલ છે અને સાઉન્ડ એન્જીનીયર સુબીર દાસે પોતાનું યોગદાન આપેલ છે.  ક્રાંતિ કનડે જયારે અભ્યાસ કરતા હતા ત્યારે ૨૦૦૨માં આ મુવી બનાવ્યું હતું તેથી ત્યારે તેની પાસે બહુ મોટું બજેટ પણ ન હતું. તેથી મુવીના મુખ્ય કલાકારોએ અને અન્ય મ્યુઝીક ટીમે પણ તેને મદદ કરી હતી.

આ મુવીમાંથી સૌથી વધુ મહત્વની કોઈ વાત શીખવાની હોય તો એ છે કે - તમારી સામે રહેલ વ્યક્તિ તમારી જોડે કોઇપણ રીતે વર્તન કરે - મહત્વનું એ છે કે તમે તમારો સ્વભાવ ન ચૂકો અને તમારા સારા વર્તન થકી પણ લોકોનું દિલ જીતો. મુવીના અંતમાં મર્મ સમજવાનો છે. તો ચાલો આ વર્ષે એક નવા જેનરમાં શરૂઆત કરીએ અને શોર્ટ ફિલ્મ્સમાંથી પણ નવું નવું શીખતા રહીએ.

આભાર

દર્શાલી સોની.