તું મને માફ કરીશ?
૨૦૧૮માં એક સત્યઘટના આધારિત મૂવી આવ્યું - “કેન યુ એવર ફરગીવ મી?” એક અમેરિકન લેખિકા જીવન નિર્વાહ કરવા માટે કઈ રીતે અને શા માટે છેતરપિંડીનો સહારો લે છે - તે આ મૂવીમાં દર્શાવેલ છે. લી ઇઝરાયેલ નામની આ લેખિકાને તેના સમયમાં પ્રખ્યાતી મળી હતી. તેણીએ અનેક મહાન લોકોની આત્મકથા લખી હતી. પણ જેમ દરેક કારકિર્દી અને પ્રખ્યાતીનો એક સમય હોય છે - ક્યારેક અંત આવે છે અથવા તો નવો વણાક લેવો પડે છે. લી સાથે પણ એવું જ થયું. અનેક પ્રખ્યાત આત્મકથા લખ્યા બાદ તેને કોઈ નવું કામ મળી રહ્યું નહોતું. તેનો સ્વભાવ એન્ટી સોશિયલ હોવાથી તેને એક નોકરીમાંથી પણ કાઢી નાખવામાં આવી. તેની એજન્ટ પણ તેને ખાસ મદદ કરી રહી નહોતી.
વર્ષોથી એક જૂના ફ્લેટમાં - આલ્કોહોલીક બનીને જીવતી લી - હવે એક કોમેડિયન પર આત્મકથા લખી રહી હતી. તેના જીવનમાં તેની એક બિલાડી સિવાય બીજું કોઈ નહોતું. તેણી લેસ્બીયન હતી - તેની જૂની ગર્લફ્રેન્ડ પણ તેને છોડીને ચાલી ગઈ હતી. ટૂંકમાં તમે એક ખરાબ જીવનમાં જેટલા માપદંડ ધ્યાનમાં લો તે બધા જ પાસાઓ લી જીવતી હતી. ૫૧ વર્ષની ઉંમરે તેણીએ જીવનનિર્વાહ કરવા માટે જૂના પુસ્તકો અને મહાન જૂના લેખકોના પત્રો વેચવા પડતા હતા.
આ વેચાણમાંથી જ તેના મનમાં એક આઈડિયા જન્મ્યો - મહાન લેખકો અને વ્યક્તિત્વના લખાયેલા પત્રોને પોતાના લખાણ થકી રસપ્રદ બનાવવો જેથી કરીને તેની કિંમત વધી જાય અને તેને એવા લોકો પાસે વેચવા જે આવા પત્રો અને લખાણનો સંગ્રહ કરવા માટે હજારો ડોલર્સ આપવા તૈયાર થાય. કાયદાની ભાષામાં આ સાહિત્ય સાથે છેડછાડ કરી કહેવાય અને ગુનો સાબિત થાય. પણ લી પોતાની મજબૂરીને ધ્યાનમાં રાખીને આ કામ કરવા લાગી. જોતજોતામાં તેને આ પ્રકારના પત્રો માટે નાણા મળવા લાગ્યા.
હવે તેણી ઘરનું ભાડું ભરી શકતી હતી, તેની બિલાડીનો ઈલાજ કરાવી શકતી હતી અને તેને નવા મળેલા એક ગે મિત્ર સાથે આલ્કોહોલની મજા માણી શકતી હતી. જો કે તેનો મિત્ર પણ જુગાડી જ હતો. ગુનો એકવાર તો સામે આવવાનો જ હતો. ધીમે ધીમે લોકોને ખબર પડવા લાગે છે કે લી જે પત્રો વેચી રહી છે તે ઓરીજીનલ નથી. તેણી નનાણા કમાવવા માટે આવું કરી રહી છે. દરેક ગુનાની જેમ તેને પણ સજા ફરમાવવામાં આવે છે - જેમાં તેણીએ થોડું કોમ્યુનીટી કામ કરવાનું છે અને સાથોસાથ લોકોને તેના નાણા પણ પાછા આપવાના છે.
દુનિયાની ફિતરત જૂઓ - લોકોને લીના નામથી પુસ્તકો વાંચવા નહોતા ગમતા પણ લીએ જ સુધારેલા મહાન લેખકોના પત્રો હજારોમાં વેચાતા હતા. જેમાં લીની સર્જનાત્મકતાએ જ તેને રસપ્રદ બનાવ્યા હતા. બીજી વાત - લીને પોતાના જીવનનિર્વાહ માટે આવું કામ કરવું પડ્યું પણ તેણીના મૃત્યુ બાદ તેણીએ લખેલી પોતાની આત્મકથા પરથી આ મૂવી બન્યું અને તેના કામ થાકી અન્ય ઘણા લોકો કમાયા.
ખેર! લીએ આવું શા માટે કર્યું, તેણી કઈ રીતે પકડાઈ ગઈ, તેણીએ ત્યારબાદ નવું પુસ્તક લખ્યું કે નહી - તે જાણવા માટે તમારે મૂવી જોવું રહ્યું. મૂવીનું નામ - “કેન યુ એવર ફરગીવ મી?” મહાન ડોરોથી પાર્કરના એક પત્રમાંથી લેવામાં આવ્યું છે. કારણ કે લીએ ડોરોથીના જેટલા પત્રોમાં પોતાની સર્જનાત્મકતા થકી પત્રો વેચ્યા હતા તે સૌથી વધુ પ્રખ્યાત થયા હતા.
એક લેખિકાની જીવનકથા તેની જુબાનીએ સાંભળવા માટે તમારે આ મૂવી જોવું રહ્યું.