બ્રુસ અલ્માઈટી – ભગવાન સામે જંગ અને સુલેહની કહાની
ટીવી રિપોર્ટર બ્રુસ નોલન અને તેની પત્ની ગ્રેસના ઝગડા, બ્રુસની મહત્વકાંક્ષા, બ્રુસના સપનાઓ પુરા ન થતા તેનો ભગવાન પર સ્વાભાવિક ગુસ્સો, ચમત્કારિક રૂપે ભગવાન બ્રુસને મળવા અને અંતમાં બ્રુસને ભગવાનની મુલ્યતા સમજાવી – આવી કંઇક ટીપીકલ કહાની એટલે બ્રુસ અલ્માઈટી. મુવીમાં જીમ કેરી અને મોર્ગન ફ્રીમેન હોય ત્યારે મુવી જોવાની મજા વધી જાય. હાલના યુવાનોમાં પ્રખ્યાત “ફ્રેન્ડસ” સીરીયલની રેચલ આ મુવીમાં બ્રુસની પત્ની – ગ્રેસનું પાત્ર નિભાવે ત્યારે પણ એકવાર તો મુવી જોવાનું મન થાય. હા, આ મુવીની નકલ બોલીવુડમાં સલમાન અભિનીત “ગોડ તુસી ગ્રેટ હો” તરીકે થઇ જ ચુકી છે. પણ ઘણીવાર આવા સરળ અને કોમેડી મુવીઝ પણ ઘણું શીખવાડી જતા હોય છે. તો ચાલો જાણીએ કે મોર્ગન ફ્રીમેન દ્વારા અભિનીત ભગવાન શું શીખવાડે છે:
૧ વેલ્યુ વુમન – Value woman
દરેક વ્યક્તિના જીવનમાં એક સ્ત્રી પાત્રની જરૂર હોય જ છે. શિવને શક્તિની જરૂર પડે જ છે. સ્ત્રી તમને સાચા માર્ગે દોરી શકવાની ક્ષમતા ધરાવે છે. સ્ત્રીને સમજી ન શકાય. આથી તેમાં તમારો સમય વ્યર્થ ન કરો. પણ આ કોઈપણરૂપે – માતા, બહેન, પત્ની, દાદી, નાની, મિત્ર – સ્ત્રી હંમેશા તમારું ધ્યાન એ તરફ દોરશે જે વિચારવાનું તમે ચૂકી ગયા હોય. આ મુવીમાં પણ બ્રુસને ઘણા સત્ય તેની પત્ની ગ્રેસ થકી જ સમજાય છે. સ્ત્રીની સમજણશક્તિ અને તાકાતની મુલ્યતાને સમજો.
૨ શક્તિ – Everyone has power
જયારે બ્રુસ પોતાના જીવનની ફરિયાદ ભગવાનને કરે છે ત્યારે ભગવાન એટલું જ સમજાવે છે કે ખરેખર ચમત્કાર જેવું કઈ હોતું જ નથી. દરેક વ્યક્તિમાં શક્તિ રહેલી છે. દરેક વ્યક્તિ પોતાની જાત પર વિશ્વાસ રાખે તો દરેક સપનાઓ પુરા કરી શકે છે. પણ આપણે ભગવાનને એક સર્વેસર્વા તરીક સ્વીકારી લીધા છે. આથી નાનામાં નાના પ્રશ્નો હોય કે મોટા આપણે જાતે ઉકેલ લાવવાની બદલે ભગવાનને ફરિયાદ કરવા લાગીએ છીએ. આ કેટલા અંશે યોગ્ય છે? તમને ઘડનાર ભગવાન છે તેનો મતલબ એવો નથી કે તમને કોઈ સુપરપાવર નથી મળેલા. પેલા સુપરહીરો મુવીઝની જેમ ખરેખર દરેક વ્યક્તિમાં અખૂટ શક્તિ રહેલી છે. આથી તમારી જાત પર વિશ્વાસ રાખો. તમારી શક્તિને ઓળખો.
૩ બગાડવું અને સુધારવું
જીવનના કોઈપણ પાસામાં ગમે તેવા પ્રશ્નો ઉભા થાય, ગમે તેવી ખરાબ પરીસ્થિતિનો સામનો કરવો પડે – પણ યાદ રાખો – જે બગડ્યું છે તેને સુધારી પણ શકાય જ. બ્રુસને જયારે ભગવાનના સુપરપાવર મળી ગયા ત્યારે તેણે પણ ઘણી ભૂલો કરી. પણ દરેક ભૂલને સુધારી પણ શકાય. તમારી તેયારી હોવી જરૂરી છે. ઘણીવાર વ્યક્તિ અને પરીસ્થિતિ આપણા કાબુમાં નથી હોતી. ત્યારે ભગવાનના શરણે જાય છીએ. જો તમે ભગવાન પર વિશ્વાસ રાખતા હોય તો એ પણ વિશ્વાસ રાખો કે જે કંઈપણ જીવનમાં થાય છે તેની પાછળ ઘણા કારણો જવાબદાર છે.
૪ તમારે ખરેખર શું જોઈએ છે?
માની લો કે જીની તમારી પાસે આવીને વિશ માંગવાનું કહે છે. શું તમને ખરેખર ખબર છે કે તમારે જીવનમાં શું જોઈએ છે? બની શકે તમારો હાલનો જવાબ અને બે દિવસ પછીનો જવાબ તદન અલગ હોય. આ મુવીમાં ભગવાન એ સમજાવે છે કે લોકોને ખરેખર ખબર જ નથી હોતી કે તેને શું જોઈએ છે – તો પછી કઈ રીતે ભગવાન તેની ઈચ્છાઓ પૂરી કરે? તમારા વિચારો અને સપનાઓમાં સ્પષ્ટતા લાવો.
૫ સાઈનને સમજો.
જયારે પણ જીવનમાં નાસીપાસ થાવ ત્યારે યાદ રાખો – જેટલો ખરાબ સમય છે તેટલો જ વધુ સારો સમય પણ આવશે. ભગવાન આપણને કોઈને કોઈ સ્વરૂપે હંમેશા મદદ કરે જ છે. તમારી આસપાસ જે પરીસ્થિતિ ઉભી થાય છે, જે લોકો તમારી આસપાસ હોય છે તેને ભગવાનનો એક મેસેજ જ સમજો. જયારે પણ મુશ્કેલીમાં હશો ત્યારે આ “ભગવાનની સાઈન લેંગ્વેજ” સમજશો તો જીવવાની મજા આવશે.
આ મુવી ભગવાન છે તેવા કન્સેપ્ટને બિરદાવે છે આથી આવા પાઠ આ મુવીમાંથી શીખવાના છે. બાકી તમે આસ્તિક હોય કે નાસ્તિક – કોઈ એક શક્તિ છે જે હમેશા સાથે છે તેવું સ્વીકારવું કઈ ખોટું નથી.
આભાર
દર્શાલી સોની