Bridesmaids

bridesmaid by darshali soni.jpg

બ્રાઇડમેઈડસ – એક તોફાની ગેંગ

લગ્નની સીઝન ચાલુ થાય એટલે સગા વહાલાઓથી માંડીને બધા જ જૂના મિત્રો અને હાલના મિત્રો યાદ આવી જાય. તેમાં પણ જો તમારા પાક્કા દોસ્તાર કે બહેનપણીના લગ્ન હોય તો વાત જ કંઇક અનોખી છે. એમાં પણ બેસ્ટ ફ્રેન્ડ કોણ અને હરીફ કોણ તેની ચર્ચા તો સ્ત્રીઓમાં સૌથી વધુ હોય છે. આ મૂવીની જ વાત કરું તો ૨૦૧૧માં આવેલું બ્રાઈડ મેઈડસ મુવી બે પાકી બહેનપણીઓની જ કહાની છે. આ મુવીની વાર્તામાં કંઇ ખાસ ન હોવા છતાં પણ ૨ વાર ઓસ્કાર માટે નોમિનેટેડ થઇ ચુક્યું છે.

મૂવીની વાર્તા સાવ સરળ છે. એની નામની સ્ત્રી તેની ૩૦ વર્ષની વયમાં પણ લગ્ન કરીને શાંતિથી જીવવાને બદલે જીવન સાથે જજુમતી હોય છે. એક શેફ તરીકે તે નિષ્ફળ થાય છે અને ત્યારે જ તેના રિલેશનશિપમાં પણ દુઃખનો સમય આવે છે. ટૂંકમાં જીવન સાવ ખાડે જાય છે ત્યારે જ તેની બેસ્ટ ફ્રેન્ડ લીલીયન એક બેન્કર સાથે લગ્ન કરવાનું નક્કી કરે છે. બસ પછી તો ખ્રિસ્તી લોકોમાં ચર્ચમાં મેરેજ થાય એટલે બ્રાઇડ મેડસનું અનોખું મહત્વ હોય છે. બધી બહેનપણીઓને અચાનક જ બ્રાઈડની બેસ્ટ ફ્રેન્ડ બની જવું હોય છે. આવું જ કંઇક એની સાથે થાય છે. લીલીયનની બોસની પત્ની હેલન આવીને અડ્ડો જમાવી દે છે અને પછી તો એની અને હેલન વચ્ચે આખા મુવીમાં કેટ ફાઈટ ચાલતી જ રહે છે.

કોણ લીલીયનનું બેસ્ટ ફ્રેન્ડ છે અને કોણ કહે એમ લીલીયન બધું જ મેરેજમાં કરશે તેની હરીફાઈ સતત ચાલતી જ રહે છે. મુવીના અંતમાં એની અને હેલન વચ્ચે સુલેહ થાય છે કે નહી, એનીની જીવનગાડી પાટે ચડે છે કે નહી આ માટે તો તમારે મુવી જોવું જ રહ્યું. તો ચાલો જાણીએ શું શીખવે છે એક કોમેડી પણ સારું મુવી.

૧ સેલ્ફ ફાઈટ

આપણી અંદરનો એક અવાજ હોય છે કે જે હંમેશા માટે આપણને હેરાન કરતો રહે છે અને કયારેક ક્યારેક આપણને સાચી રાહ પણ દેખાડી દે છે. એની તેના જીવનના ખરાબ મોડ પર ઉભી હોય છે ત્યારે તેની આસપાસનું વાતાવરણ અને તેની પોતાની જાત પણ તેના વિષે ઘણી વાતો સમજાવે છે. બની શકે કે લોકો સેલ્ફ ફાઈટથી ભાગે અથવા તો પોતાની જાતને સાંભળવાનું ટાળે. જો કે અંતમાં તો સામનો કરવો જ પડે છે. એની સામનો કરે છે કે ભાગે છે?

૨ બાળકો

તમે જયારે લગ્ન કરો ત્યારે શરૂઆતના વર્ષો બહુ મીઠા લાગે. ત્યારબાદ બાળકો આવી જતા જીવનમાં જવાબદારીઓ વધી જાય, બાળકોના તોફાનો જોવા પડે, મોટા થઇ જાય એટલે તેની નાસમજણ પણ જોવી પડે. આવા તો અનેક પડાવોમાંથી પસાર થવું પડે. મુવીમાં એક રીટા નામનું પાત્ર હોય છે કે જે તેના લગ્ન બાદ બાળકો આવી ગયા બાદનું જીવન કહેતી હોય છે. તમને કોઈ એક પોઈન્ટ પર એવો વિચાર જરૂરથી આવી શકે કે ખરેખર લગ્નજીવન કામનું કે નકામું? બાળકો માટે પણ એવું જ. બની શકે લગ્નજીવન તમને સૌથી સુંદર સુખ પણ આપી શકે.

૩ ચેન્જ

જીવનમાં બહુ ઓછા સંબંધો એવા હોય છે કે જે વર્ષો સુધી ટકી રહેતા હોય છે. મિત્રતા તેમાંનો એક સંબંધ છે. એની અને લીલીયનના જીવનમાં અનેક બદલાવ આવે છે. આમ છતાં તેઓ અંત સુધી ઉત્તમ રીતે મિત્રતા નિભાવે પણ છે. ઘણીવાર તો જીવનમાં આવતા બદલાવો અને સુખ-દુઃખને કારણે મિત્રતા છૂટી જતી હોય છે. જો કે એ તો તમારા સંબંધો કેટલા મજબુત છે તેના પર આધાર રાખે છે.

૪ અરીસો

જીવનમાં અરીસો આપણને ક્યારેક કોઈ વ્યક્તિ આવીને દેખાડી જાય અથવા તો આપણને જાતે જ અરીસો દેખાઈ જાય છે. અને જીવનના સત્યો પણ સમજાઈ જાય છે. એનીને તેના જીવનનો અરીસો ઘણા લોકો દેખાડે છે. કોઈવાર એવું પણ થાય કે અરીસો સામે જ હોય આમ છતાં આપને અરીસામાં જોવાનું ટાળતા હોઈએ અથવા તો ખબર જ નથી હોતી કે અરીસો છે. જીવનના અને પોતાની જાતના અરીસામાં જોશો તો સમજાશે કે જીવનમાં ઘણીવાર માત્ર સજગતાથી જોવાથી જ સમસ્યાઓના સમાધાન મળી જતા હોય છે. એની સાથે પણ કંઇક એવું જ થાય છે.

રવિવારની રજામાં આરામથી મસ્ત કોમેડી મુવી અને હળવા જીવનના પાઠો શીખી જવા માટે આ મુવી જરૂરથી જોવું જોઈએ.

આભાર

દર્શાલી સોની