Bohemian Rhapsody

Bohemian-Rhapsody by darshali soni.jpg

બોહેમીયન રેપસોડી – ધ મીસ્ફીટસ

સંગીત ક્ષેત્રે ઘણા એવા મહાન લોકો થઇ ગયા કે જેણે જીવનમાં અનેક લોકોને પ્રેરણા આપી અને જીવનભર માટે અમર પણ થઇ ગયા. તે બધામાંના એક લેજન્ડની મારે આજે વાત કરવી છે. આ લેજ્ન્ડે સંગીતમાં તેનો ડંકો વગાડ્યો હતો. તેના બેન્ડનું નામ હતું – “ક્વીન” તે બધાથી અલગ હતો. અને હા,  માત્ર ૪૫ વર્ષની જ ઉંમરે તે મરી પણ ગયો. તે હતો તો પારસી પણ તેના જેટલું પ્રખ્યાત બેન્ડ હજુ સુધીમાં નહી થયું હોય તેવું કહી શકાય.

તેણે તેના બેન્ડ સાથે એટલા ઉત્તમ પરફોર્મન્સ આપ્યા કે જે હજુ સુધી પણ લોકોના ચહિતા છે. તેમાં પણ ૧૯૮૫માં આપેલું લાઈવ પરફોર્મન્સ સૌથી પ્રખ્યાત પરફોર્મન્સ છે. હવે આટલી બધી પ્રસ્તાવના વાંચ્યા પછી તમને આ વ્યક્તિનું નામ કહી જ આપું. તે છે – ફ્રેડી મરકયુરી. તેની મહાન ગાથા વર્ણવા માટે ૨૦૧૮માં મુવી આવ્યું જેનું નામ છે – “બોહેમીયન રેપસોડી.” આ મુવીને ચાર ઓસ્કાર મળી ચુક્યા છે. આ ઉપરાંત મુવીને એકેડમી એવોર્ડ ફોર બેસ્ટ એક્ટર અને એકેડમી એવોર્ડ ફોર બેસ્ટ સાઉન્ડ મિક્સિંગ એવોર્ડ પણ મળેલો છે.

મુવીના પાત્રોની વાત કરું તો આ મુવી સત્ય ઘટના પરથી બનેલું છે. ફ્રેડીનું પાત્ર પ્રખ્યાત રામી માલેકે નીભાવેલું છે. તે એક પારસી કુટુંબમાં જન્મ્યો છે. તેને પહેલેથી જ સંગીતમાં રસ હોય છે. તે બ્રાયન અને રોજરના બેન્ડમાં લીડ સિંગર તરીકે જોડાય છે. ત્યારબાદ તે બેન્ડમાં જોહન પણ સામેલ થાય છે. બેન્ડનું નામ આપવામાં આવે છે – “ક્વીન”.

બેન્ડ ધીમે ધીમે એટલું પ્રખ્યાત થઇ જાય છે કે વર્લ્ડ ટુર પણ કરવા લાગે છે. તેના બધા ગીતો પણ પ્રખ્યાત થવા લાગે છે. વાત આવે છે હવે એક નવો આલ્બમ લોન્ચ કરવાની. તેમાં ફ્રેડીને પહેલું ગીત રાખવું હોય છે – “બોહેમીયન રેપસોડી”. તેનો મેનેજર ના પડે છે. અને આખું બેન્ડ તે મેનેજરને જ પડતો મૂકી દે છે.

આ ગીત લોન્ચ તો થાય જ છે અને અનેક પ્રકારના રીવ્યુ પણ મેળવે છે. એક સમય એવો આવે છે કે બેન્ડ જુદું થઇ જાય છે અને એક સમય એવો પણ આવે છે કે બેન્ડ ફરીથી ભેગા મળીને ધૂમ મચાવી દે છે. ટૂંકમાં ફ્રેડીની કારકિર્દી તો ઉત્તમ જ હોય છે પણ તેના જીવનમાં લોચા વધુ હોય છે.

તેની ગર્લફ્રેન્ડ – મેરી સાથે તે લગ્ન કરી શકતો નથી. કારણ કે તે ગે હોય છે. તેના પિતા સાથે પણ તેને બનતું નથી. જો કે જીવનના અંત સુધી તે મેરી સાથે સંપર્કમાં તો રહે જ છે. અંતમાં ફ્રેડીને એઇડ્સ છે તેવું બહાર આવે છે. આમ છતાં તે હાર માનતો નથી અને ઉત્તમ પરફોર્મન્સ આપતો રહે છે.

આ બધી તો વાત થઇ તેના જીવનની. આ મુવીમાંથી ઘણું રીડ બીટવીન ધ લાઈન્સ શીખવાનું છે. ચાલો જાણીએ:

૧ હટકે હો અથવા તો બની શકાય?

જીવનમાં અમુક લોકો જન્મે ત્યારથી જ હટકે હોય છે.  બધાથી અલગ હોય છે. ફ્રેડી પણ એવો જ હતો. કદાચ તેની આ અલગતા જ તેને વધુ પ્રખ્યાત બનાવી શકી. કોઈવાર યુવાધન આવા લોકોને કઈ વિચાર્યા વગર અનુસરવા લાગે છે અને પછી નિષ્ફળતા ભોગવે છે. આવા સમયે એટલું જ વિચારવાનું કે હટકે બનવું છે કે આપણી જાત જેવી છે તેને જ હટકે રીતે રજુ કરવી છે. નક્કી તમારે કરવાનું છે.

૨ ટીમ

બેન્ડમાં ટીમવર્કનું સૌથી વધુ મહત્વનું હોય છે.  આ મુવીમાં એક મસ્ત ડાયલોગ આવે છે જયારે ફ્રેડી કહે છે કે તેનું બેન્ડ મીસ્ફીટ છે. બધા એકબીજાથી અલગ છે છતાં પણ બધા ફેમીલી છે. તમે પણ નોકરી કરતા હો કે ધંધો - તમારી ટીમની ક્વોલીટીનો કઈ રીતે ઉત્તમ ઉપયોગ કરવો તે શીખો.

૩ પેશન અને તક

ઘણીવાર લોકોને એવું થતું હોય કે તેને કોઈ બાબતને લઈને પેશન તો હોય પણ તક ન મળતી હોય અથવા તો તક ઝડપતા ન આવડતી હોય. ફ્રેડીને તક મળી ગઈ અને તેણે ઝડપી પણ લીધી. કારણ કે તેને તેના પપ્પાએ કહેલી એક વાત યાદ રાખી હતી – “ગુડ થોટ, ગુડ ડીડ, એન્ડ ગુડ વર્ડસ” તમે પણ સાચા સમયે સાચી સલાહ માનીને અને સાચી તક ઝડપીને જીવનમાં આગળ વધી શકો છો. કારણ કે જે વ્યક્તિને કોઈ બાબતનું પેશન હશે તે કોઇપણ હાલતમાં રસ્તો શોધી જ લેશે.

૪ દયા અને સમય

લોકોને દયા – સિમ્પથી આપવાની અને લેવાની બહુ ટેવ હોય છે. ત્યારે ફ્રેડી એક મસ્ત ડાયલોગ કહે છે – “તારી સિમ્પથીથી હું બોર થઇ રહ્યો છું અને તે મારા સમયનો બગાડ માત્ર છે.”  શીખવાનું એ છે કે જીવનમાં ઘણી લાગણીઓમાં તમારે સમય બગાડવો કે નહી તે તમારે જ નક્કી કરવાનું હોય છે.

૫ બળવો

તમે જયારે ધ્યાનથી ફ્રેડીના કેરેક્ટરને જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે તે બળવાખોર વ્યક્તિ છે. બધાથી અલગ કરવું, બધાથી અલગ વિચારસરણી ધરાવવી – આવું તો ઘણું બધું તેનામાં છે. બળવો તમને પ્રખ્યાત પણ બનાવી શકે અને કુખ્યાત પણ. ક્યાં સમયે આ પ્રકારનું માઈન્ડસેટ રાખવું તે તમારે નક્કી કરવાનું છે.

જો તમને સત્ય કથાના મુવી જોવા ગમતા હોય અને તેમાં પણ સંગીતને લગતા મુવી જોવા ગમતા હોય તો આ મુવી જરૂરથી જોવું જોઈએ.

આભાર

દર્શાલી સોની