Black swan

black swan by darshali soni.jpg

બ્લેક સ્વાન - આંતરિક માયાજાળ

દરેક માનવીની અંદર બે વ્યક્તિત્વ રહેલા હોય છે. બસ ફર્ક માત્ર એટલો હોય છે કે તેઓ ક્યારે કયું વ્યક્તિત્વ બહાર લાવવું તે જાણતા હોય છે. ચાર્લ્સ બુકોવ્સકીની એક "બ્લુ બર્ડ" નામની કવિતા છે. આ વાંચજો કોઈવાર. તેમાં વ્યક્તિની અંદર રહેલ એક બ્લુ બર્ડની વાત છે. આજે એક એવા ઓસ્કાર વિનર મૂવીની વાત કરવી છે જેમાં આ બે વ્યક્તિત્વ વચ્ચેની માયાજાળ વિશે વાત કરવામાં આવી છે.

નીના સેયરની માતા એરિકા બેલેરીના હતી. તેણી નીનાને પણ એક ઉત્તમ સફળ બેલેરીના બનાવવા માંગતી હતી. તેથી નીના ક્લાસમાં જોડાય જાય છે. ત્યાં એક "સ્વાન પરફોર્મન્સ" થતું હોય છે. આ પરફોર્મન્સનો પ્લોટ કંઇક આવો છે -

"વાઈટ સ્વાન બહુ જ સુંદર અને ભોળી હોય છે. તેણી એક પ્રિન્સના પ્રેમમાં પડે છે. તેને મેળવવા માટે તે બધું જ કરી છૂટે છે. પણ તેની હરીફાઈમાં બ્લેક સ્વાન હોય છે. જે પ્રિન્સને પોતાની માયામાં ફસાવી દે છે. અંતે વાઈટ સ્વાન મરી જાય છે અને બ્લેક સ્વાન જીતી જાય છે."

આટલી નાની વાર્તામાં ઘણું ના કહેવાયેલું સમજવાનું છે. પેલા તો નીનાને વાઈટ સ્વાનનો રોલ મળેલો હોય છે. તેની હરીફમાં ઉત્તમ ડાન્સર લીલી બ્લેક સ્વાનનો રોલ નિભાવતી હોય છે. તેના ટીચરનું નામ થોમસ લેરોય હોય છે. આ મુખ્ય ત્રણ પાત્રો કહી શકાય. આ પાત્રો જ તમને મુવીમાં ઘણું શીખવાડી દેશે.

૨૦૧૦માં આવેલું આ ઓસ્કર વિનર મુવી તમને તમારી જાત વિશે ફરી એકવાર વિચારવા માટે જરૂરથી પ્રેરી દેશે. તો ચાલો જાણીએ શું કહે છે - "બ્લેક સ્વાન".

૧ આઈ જસ્ટ વોન્ટ ટુ બી પરફેક્ટ

મૂવીની ટેગલાઈન જ ઘણું કહી જાય છે. નીનાને ઉત્તમ સ્વાન બનવું હોય છે. તેને એવી તક મળે છે કે પરફોર્મન્સમાં વાઈટ સ્વાન પણ તેણી બને અને બ્લેક સ્વાન પણ તે જ બને. કઈ રીતે માનવી પરફેક્શનના કીડામાં જીવનનો કિંમતી સમય નાખી દે છે અને કઈ રીતે કોઈવાર પરફેક્શન તમારા માટે ફાયદા કરતા નુકસાની સાબિત થાય છે તે તમે આ મુવીમાંથી શીખી શકશો. કોઈવાર સમ્પૂર્ણતા કરતા અધૂરામાં પણ અલગ મજા હોય છે.

૨ પ્રખ્યાતી

આજના યુટ્યુબ અને સોશિયલ મીડિયાના યુગમાં પ્રખ્યાતીની ભૂખ દિવસે ને દિવસે વધતી જાય છે. દરેક વ્યક્તિને પ્રખ્યાતી જોઈએ છે. નીના પણ આ દોડમાં ભાગી રહી હતી. તે પ્રખ્યાતી માટે થઈને પોતાની જાત સાથે કેટલા સમાધાન કરે છે અને કઈ રીતે પછી તે પોતાની જાતને પણ ઓળખી શકતી નથી તે તમે આ મુવીમાં જોઈ શકશો. કોઈવાર એ વાત સાચી પડે છે કે - "ડુંગર દૂરથી જ લીલા હોય છે."

૩ બે ચહેરા

વાઈટ સ્વાન નિર્દોષતા અને વિકાસનું પ્રતિક છે. જયારે બ્લેક સ્વાન વિલાસ અને કામુકતાનું પ્રતિક છે. દરેક વ્યક્તિની અંદર આ બે જાત રહેલી જ હોય છે. બસ ફર્ક એટલો હોય છે કે દરેક વ્યક્તિને તે ખબર નથી હોતી. જો કે જીવનમાં આ બે જ વ્યક્તિત્વનું સમાન મહત્વ છે. ખરાબ વગર સારપનું મહત્વ નહી સમજાય. વાઈસે વરસા. તમારા બે ચહેરાને ઓળખો અને તેનો યોગ્ય સમયે ઉપયોગ કરતા શીખો.

૪ મિત્રતા અને દુશ્મની

નીના અને લીલી સહેલી હોય છે. પણ કઈ રીતે એક રોલ મેળવવાની હરીફાઈમાં તેની મિત્રતા દુશ્મનીમાં બદલી જાય છે તે તમે સમજાશે. જીવનમાં જયારે મિત્રતા નિભાવવાની આવે ત્યારે બધું જ કરી છૂટો. કારણ કે મિત્રતા જ એક એવો સંબંધ છે જેમાં લોહીના સંબંધ ના હોવા છતાં - તે વ્યક્તિ તમને જેવો છે તેવો સ્વીકારે છે અને તમારો સાથ આપે છે. જો તમારે પાસે આવા મિત્રો હોય તો તેને હંમેશા જાળવી રાખો. ના હોય તો આવા મિત્રો શોધવાનું શરુ કરી દો.

૨૦૧૦માં આવેલું આ મુવી બહુ જ પ્રખ્યાત થયું હતું. મુખ્ય પાત્ર નીનાનો રોલ નટાલીયા પોર્ટમેને નિભાવેલ છે. જયારે લીલીનો રોલ મિલા કુનીસ દ્વારા અભિનીત છે. બંનેના શિક્ષકનો રોલ વેન્સેન્ટ કેસલ દ્વારા અભિનીત છે. આ પાત્ર રસપ્રદ છે.

મુવીમાં કઈ રીતે નીનાને તેની માતા, શિક્ષક, અને પોતાનું પરફોર્મન્સ શું શીખવે છે તે તમને જોવાની મજા આવશે. એક નાનો વિચાર કે માનસિકતા આપણા જીવનનો આખો દ્રષ્ટિકોણ જ બદલી નાખે છે. ક્યારેક આવા મુવી પણ જોઈ લેવા જોઈએ.

 

આભાર

દર્શાલી સોની