બર્ડમેન – ઓસ્કાર વિનર મુવી
આ ઓસ્કાર વિનર મુવીની ખાસિયત જ એ છે કે તે થોડામાં ઘણું કહી જાય છે. થિયેટર બધાને ગમે છે. પણ તેમાં કામ કરતા સ્ટારસનું જીવન અને તેના અનુભવોને કેટલા લોકો ઊંડાણપૂર્વક જાણે છે? શું આ પ્રખ્યાતી આપતી ઝાકઝમાળવાળી જિંદગી ખરેખર ખુશી આપી શકે છે? જો તમે પણ કારકિર્દીના એવા પથ પર હોય જ્યાં સફળતા અને પ્રખ્યાતી બંને તમારી પસંદગી હોય પણ સાથોસાથ સત્ય જાણવાની પણ તમારામાં હિંમત હોય તો આ મુવી જરૂરથી જોવું.
તો શરુ કરીએ થીયેટરની વાર્તા થીયેટરની ઝુબનીમાં જ:
પ્રસ્તુત છે તમારી સમક્ષ એક પાત્ર જેનું નામ છે: રીગન. આ રીગન એક સમયમાં “બર્ડમેન” નામનું સુપરહીરોનું પાત્ર ભજવી ખુબ જ પ્રખ્યાતી કમાય ચુક્યા છે. પણ હજુ તેને સંતોષ નથી. અને તે પોતાની ૪૦ની ઉંમર વટાવી ગયા છે. ડીવોર્શી છે. એક ડ્રગનું સેવન કરતી તેની દીકરી પણ છે. પોતે પણ માનસિક રીતે એવું જ માને છે કે તેની પાસે બર્ડમેન પાસે જે કંઈપણ સુપર પાવર હતા તે તેની પાસે ખરેખર છે. તે ખરેખર ઉડી શકે છે અને દુનિયાને કાબુમાં રાખી શકે છે. તે આ ભ્રમમાં જીવવાનું ચાલુ રાખે છે.
તેને હવે પોતાની જાતને સફળ ફરીથી સાબિત કરવી છે આથી તે એક નાટકની રચના કરે છે અને પોતે તેમાં મુખ્ય પાત્ર પણ બને છે. નાટકનું નામ છે “ WHAT WE TALK ABOUT WHEN WE TALK ABOUT LOVE”. કઈ રીતે નાટક માટેની પ્રેક્ટીસ થાય છે, તેની દીકરી તેને કેવા સત્યોનો સામનો કરાવે છે અને થીયેટર જીવન ખરેખર કેવું હોય છે તે બધું જ આ મુવીમાંથી શીખવા મળશે. પણ ખાસ તો આ મુવીમાં અમુક એવા કામના પાઠો છે જે હવે તમારી સામે રજુ કરીશ - ..... અને પડદો પડે છે:
૧ પ્રેમ તમારા માટે શું છે?
શું પ્રેમ એટલે આપવું અને દેવું? શું પ્રેમ એટલે હક જતાવો? શું પ્રેમ એટલે સમપર્ણ ભાવના? શું છે પ્રેમ ? આ મુવીના માટે પ્રેમ પૂર્ણતા છે. પ્રેમ નિરપેક્ષ છે. પ્રેમ સ્વીકારણા છે. પ્રેમ કોઈ અપેક્ષા નથી રાખતું. “પ્રેમ માત્ર પ્રેમ છે. તેનાથી વિશેષ કઈ નહિ.”
૨ સત્ય હંમેશા રસપ્રદ હોય છે.
મોટાભાગે લોકો સત્યથી ભાગે છે. ભ્રમમાં જીવવાનું પસંદ કરે છે કારણ કે તે તેમને રાહત આપે છે. ખરેખર સત્ય ખુબ જ સુંદર છે. સત્યને શોધવાની મુસાફરી પણ તેટલી જ આહ્લાદક છે. શું તમે સત્યની મુસાફરી પર છો? કે હજુ ગાડી પર સવાર જ નથી થયા? પ્રયત્ન કરી જુઓ. ફાયદાની તો ખબર નહિ પણ નુકસાની તો નહિ જ થાય.
૩ બહુ વધુ ન વિચારો
ઘણીવાર જીવનમાં, સંબંધોમાં અને કારકિર્દીમાં પણ આપણે જરૂર કરતા બહુ વધુ વિચારતા હોઈ છીએ. ખરેખર તે તમારા માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે. “ફેઈથ” – ભરોસો. આ એક જ શબ્દ તમને તારી શકે છે. બહુ વધુ વિચારવાથી બહુ વધુ અને બધું જ મળી જશે તે તમારો ભ્રમ જ છે.
૪ તમારા માટે જે ખુબ જ મહત્વનું છે તે બધા માટે મહત્વનું હોય તેવુ જરૂરી નથી
ઘણીવાર આપણે કોઈ આઈડિયા, ધંધો, વિચાર કે વ્યક્તિ સાથે એટલી હદે જોડાઈ જાય છીએ કે બાકી બધું ભૂલી જાય છીએ. લોકો ઘણીવાર તમારા સપના અને વિચારોને ન સમજી શકે કે વધુ મહત્વ ન આપે તો હાર ન માની લો. જો તમે સાચા છો તો આગળ વધતા રહો. હા પણ યાદ રાખો કે આકાશમાં ઉડવું સારું છે પણ જમીન પર રહીને ચાલવું પણ એટલું જ આનંદદાયક છે.
૫ બધા તમારી ગણના કરે જ તેવી અપેક્ષા મૂકી દો
તમે જીવનના કોઈપણ ક્ષેત્રમાં હોય પણ જરૂરી નથી કે બધા લોકો તમને બિરદાવે જ. ઘણા લોકોને તો તમે શું કરો છો તે જાણવામાં પણ રસ ન હોય. આથી બહુ વધુ પડતો પ્રયત્ન હતાશા તરફ દોરી જાય છે. એવું ન થવા દો. જેટલું જરૂર છે અને જેટલી માત્રામાં કરવાની જરૂર છે તેટલું જ કરો. શા માટે બીજા તમને સ્વીકારે તેવી હોડમાં ઉતરવું? કોઈની સ્વીકારણા હોય તો જ તમારું અસ્તિત્વ છે તે વાત ભૂલી જાવ.
૬ શું તમને જોઈતું હતું તે મળ્યું છે?
આ પ્રશ્ન તમારી જાતને તમારા જીવનના દરેક પાસામાં પૂછો? શું તમે વિચારેલું બધું જ સાકાર થયું છે? જો હા તો હવે શું કરવું છે? અને જો ના તો – શેની રાહ જુઓ છો? બધું મેળવી લેવાની મઝા અને ત્યાર પછીની શાંતિ એક અલગ જ અનુભૂતિ છે. તો આજથી શરુ કરો. ઉંમર, અવાસ્તવિક સપનું કે અડચણો મહત્વના નથી પણ તમે એકવાર શરુ કરો તે મહત્વનું છે.
અંતમાં પડદો પડે તે પહેલા એટલું જ કહેવાનું કે આ મૂવીનું પાત્ર રીગન માત્ર એટલું જ કહેવા માંગે છે કે તમારા જીવનના તારનાર પણ તમે જ છો અને ડૂબાડનાર પણ તમે જ છો. પૂછી જુઓ તમારી જાતને -
“શું તમે ભ્રમમાં જીવી રહ્યા છો?
આભાર
દર્શાલી સોની