બીગીન અગેઇન - શું તમે તૈયાર છો?
૨૦૧૩માં આવેલ ઓસ્કાર નોમીનેટેડ મુવી એટલે બીગીન અગેઇન. એડમ લેવિન દ્વારા અભિનીત ડેવ એક સફળ ગાયક હોય છે. તેની ગર્લફ્રેન્ડ ગ્રેટા તેને તેની કારકિર્દીમાં સતત સાથ આપતી રહે છે. ત્યાં જ મુવીમાં વળાંક આવે છે અને ડેવ અને ગ્રેટાનું બ્રેકઅપ થઇ જાય છે. મેનહટન જેવા શહેરમાં ગ્રેટા એકલી પડી જાય છે. તેણી પણ એક સોંગ રાઈટર છે. એક દિવસ ગ્રેટાનો મિત્ર સ્ટીવ તેણીને એક પબમાં લઇ જાય છે. ત્યાં તેણી એક સુંદર મજાનું ગીત ગાય છે. આ જ સમયે મુવીમાં એન્ટ્રી થાય છે ડેનની. એક ઉત્તમ પ્રોડ્યુસર પણ તેણે સાત વર્ષથી એકપણ ગીત પ્રોડ્યુસ કર્યું નથી. ડેનનું પાત્ર માર્ક રફેલો દ્વારા અભિનીત છે એટલે તમને આ મુવી જોવાની વધુ મજા આવશે.
આ મુવીમાં એક સાથે ત્રણ વાર્તાઓ ચાલી રહી છે. ગ્રેટા અને ડેવનું બ્રેકઅપ થવું, ગ્રેટા અને ડેન એકબીજાને મળે છે ત્યારબાદ ડેન ગ્રેટા સાથે મ્યુઝીક આલ્બમ બનાવવાની વાત કરે છે. તે બંનેની જુગલબંધી અને ત્રીજી વાર્તામાં ડેનનું વ્યકિતગત જીવન કે જેમાં તેના છૂટાછેડા થઇ ગયા હોય છે. તેની વાયોલેટ નામની દીકરી પણ તેના પિતાની જેમ મ્યુઝીકમાં રસ ધરાવે જ છે પરંતુ તેના અને તેના પિતા ડેનના સંબંધો વધુ સારા કરવામાં ગ્રેટા મહત્વનો ભાગ ભજવે છે. આમ તો મુવીના અંતમાં ડેનનું લગ્નજીવન પણ સુધરી જ જાય છે. મુવીનું નામ જ તમને નવી શરૂઆત કરવાનું કહે છે.
૧ ફરીથી શરૂઆત કરો
મુવીના દરેક પાત્ર એક અંત પર આવીને ઉભા છે. ડેને ઘણા વર્ષોથી કોઈ આલ્બમ પ્રોડ્યુસ કર્યો નથી. ગ્રેટા બ્રેકઅપના કારણે તૂટી ગઈ છે. આ જ સમયે ડેન અને ગ્રેટા સાથે મળીને મ્યુઝીક આલ્બમ બનાવવાનું શરુ કરે છે. તેઓ તેની જીવનમાં બનેલી ઘટનાઓથી અટકી જતા નથી પરંતુ ફરી એકવાર શરૂઆત કરવાનું વિચારે છે. હા, તેઓ પાસે મ્યુઝીક માટેના બધા જ જરૂરી સાધનો અને સ્ટુડિયો ન હોવા છતાં તેઓ મેનહટનની શેરીઓમાં ગીત રેકોર્ડ કરવાનું શરુ કરી દે છે. પણ તેઓ ફરી એકવાર શરૂઆત તો કરે જ છે. તમે પણ જીવનના કોઈપણ તબ્બકે હો આમ છતાં એકવાર ફરીથી શરૂઆત કરી જૂઓ.
૨ આત્મવિશ્વાસ
ડેન જયારે ગ્રેટાનું ગીત સાંભળે છે ત્યારે તે હીરો પારખી લે છે. તે ગ્રેટાની આવડત ઓળખી જાય છે અને તેની સાથે કામ કરવાની વાત કરે છે. ગ્રેટાને પોતાની આવડત અને પોતાના સુંદર ગીતના લીરીક્સ માટે આત્મવિશ્વાસ જ નથી હોતો. તેથી તેણી પહેલાં તો કામ કરવાની ના જ પાડે છે. ત્યારબાદ ડેન ગ્રેટામાં આત્મવિશ્વાસ લાવે છે અને ગ્રેટા ઉત્તમ ગીતો રેકોર્ડ કરે છે. તમને તમારી અંદર આત્મવિશ્વાસ ન હોય તો કોઈ બીજા તમારી આવડત ઓળખીને તમને જરૂરથી મદદ કરશે. પણ તે મદદની રાહ જોવા કરતા તમારી આવડત માટે આત્મવિશ્વાસ કેળવો.
૩ સંગીત
આ મુવીમાં એક સુંદર ડાયલોગ છે - "તમે વ્યક્તિના પ્લેલીસ્ટ પરથી તેના વિશે ઘણું કહી શકો." વ્યક્તિ ક્યાં પ્રકારનું સંગીત સાંભળે છે તેના પરથી તેના વ્યક્તિત્વ વિશે ઘણી ખબર પડે છે. કહેવાય છે સંગીત પાસે બધા જ જવાબ છે. આ મુવીના દરેક ગીતના લીરીક્સ વાંચવા જેવા ખરા. મ્યુઝીકના શોખીન લોકોને આ મુવીના દરેક ગીતો ગમશે. તમે પણ આજે તમારું પ્લેલીસ્ટ એકવાર ચકાસી લો. શું તમારે તેમાં કોઈ બદલાવ લાવવાની જરૂર છે? કારણ કે સંગીત માનવીના માનસ પર ઊંડી અસર છોડે છે.
૪ લોસ્ટ સ્ટાર
આ મુવીનું ઓસ્કાર વિનર ગીત છે એડમ લેવિન દ્વારા ગવાયેલ "લોસ્ટ સ્ટાર". યુવાનો અંગેની વાત છે આ ગીતમાં. આજકાલના યુવાનો એક ખોવાયેલ તારા જેવા છે જે પ્રકાશની શોધમાં છે. કંઇક દિશાની શોધમાં છે. એવા યુવાનો કે જે સપનાઓ અને કલ્પનામાં ખોવાઈ ગયા છે. ગીતના લીરીક્સમાં જ ઉલ્લેખ છે - "આર વી ઓલ લોસ્ટ સ્ટાર?" શું તમે ખોવાઈ ગયા છો કે તમને રસ્તો મળી ગયો છે?
૫ સમય બદલાય છે
સમય ક્યારેય હંમેશા માટે એક સરખો હોતો નથી. પરિસ્થિતિઓ બદલાય છે અને સમય પણ બદલાય છે. ગ્રેટા પહેલાં એક સફળ ગીતકારની ગર્લફ્રેન્ડ હતી હવે તેણીનો પોતાનો એક મ્યુઝીક આલ્બમ બહાર પડે છે. ડેવ અને ગ્રેટાનો પ્રેમ પણ કાયમી લાગતો હતો. પરંતુ સમય બદલાય છે અને ડેવ પ્રખ્યાતીના નશામાં ડૂબી જતા ગ્રેટાનો સાથ છૂટી જાય છે. ડેનની કારકિર્દીનો પણ સમય બદલાય છે. તે પણ ઘણા વર્ષો પછી મ્યુઝીક આલ્બમ પ્રોડ્યુસ કરે છે. કહેવાનો મતલબ છે સમય કાયમી નથી. પરિસ્થિતિ મુજબ સમય પણ બદલાશે જ.
આ એક રોમેન્ટિક-ડ્રામા મુવી છે. જો તમે મ્યુઝીકના શોખીન હો અને એક સરળ મુવી જોવાની ઈચ્છા હોય તો આ મુવી જરૂર હોવું જોઈએ.ખાસ કરીને તેના ગીત તમને જરૂર ગમશે.
આભાર
દર્શાલી સોની