બીફોર સનસેટ - લાઈફ અને લવની દુનિયા
કલ્પના કરો કે તમે કોઈ વ્યક્તિને એક જ વાર મળ્યા છો, તે વ્યક્તિ અજાણ્યું હોવા છતાં તમે તેની સાથે ખૂબ જ સારો સમય વિતાવ્યો, યાદગાર પળો માણી અને છુટા પડી ગયા. તે જ વ્યક્તિને ૮-૯ વર્ષ પછી અનાયાસે જ મળવાનું થાય તો કેવું? તે જ યાદો ફરી સામે આવે અને તે જ ક્ષણો ફરીથી જીવવા મળે તો કેવું? આવી જ કંઇક ૨૦૦૪માં આવેલી ઓસ્કાર નોમીનેટેડ લવ સ્ટોરી એટલે બીફોર સનસેટ.
મુવીના બે મુખ્ય પાત્રો જેસી અને કેલિન. જેસી નામનો યુવાન કેલિનને એક બસમાં મળી જાય છે અને બંને વચ્ચે વાતચીત શરુ થાય છે અને માત્ર એક જ દિવસ સાથે રહ્યા હોવા છતાં તેઓ વચ્ચે ગાઢ આત્મીયતા સ્થપાય છે. તેઓ ફરી ક્યારેય મળતા નથી. બંને પોતપોતાના જીવનમાં વ્યસ્ત થઇ જાય છે. જેસી એક સફળ લેખક બની જાય છે. તેના પુસ્તકો બેસ્ટ સેલર્સમાં આવી જાય છે. તેથી એક વખત જેસી તેના પુસ્તકો માટે ટુર પર નીકળે છે અને પેરીસમાં તેને કેલીન ફરીથી એકવખત ઘણા વર્ષો બાદ મળે છે.
જેસીએ જે પુસ્તક લખ્યું હતું તેવું જ તેઓના જીવનમાં બને છે. આટલા વર્ષો પછી પાછા મળ્યા બાદ બંને પાછા મળે છે ત્યારે જીવન અંગે, પ્રેમ અંગે અને સંબંધો અંગે ઘણી વાતો કરે છે. બંનેની જીવન, પ્રેમ અને સંબંધો વિશેની ફિલોસોફી અનોખી છે. તો ચાલો જાણીએ શું શીખવે છે આપણને જેસી અને કેલિન:
૧ કનેક્શન
તમે જેટલા લોકોને તમારી રોજબરોજની જિંદગીમાં મળો તે બધા જ સાથે તમે કનેક્ટ થઇ જાવ છો? અથવા તો બહુ જુજ લોકો તમારા જીવનમાં એવા હશે કે જેની સાથે તમે બહુ જલ્દીથી આત્મીયતાથી બંધાઈ ગયા હશો. બધા જ લોકો સાથે તમે આ અનુભવ કરી શકતા નથી. જેસી અને કેલિનનું પણ કંઇક એવું જ છે. બહુ ઓછા સમયમાં જ તેઓ વચ્ચે એક અનોખું કનેક્શન થઇ જાય છે. તમે આજે એક લીસ્ટ બનાવો કે તમારા જીવનમાં એવા કેટલા લોકો છે? તે બધા જ લોકો સાથે રીકનેક્ટ થાઓ.
૨ જીવનની વ્યાખ્યા
તમારા મતે જીવનની વ્યાખ્યા એટલે શું? જીવન કેવું હોવું જોઈએ? અઘરું કે સહેલું અને સરળ? ઘણા લોકોને સરળ જીવન જ ગમે છે. પણ આ મુવીના પાત્રો તો તમને કંઇક નવું જ શીખવાડશે. તેઓના મતે જીવન અઘરું હશે તો જ તમે અનેક પ્રકારના અનુભવો કરી શકશો અને જીવનને ખરા અર્થમાં માણી શકશો. બાકી સહેલા જીવનમાં કોઈ મજા કે એડવેન્ચર નથી.
૩ ચમત્કાર
તમને શું લાગે છે - જીવનમાં ક્યારેય ચમત્કાર થતા હોય છે? કે ચમત્કાર તો માત્ર એક સ્વપ્નમાં જીવવાનો વિચાર છે? તમારા જીવનમાં ક્યારેય કોઈ ચમત્કાર થયો છે? જેસી ઘણા વર્ષોથી કેલિનને મળ્યો ન હતો. પણ તે તેણી વિશે વિચારતો જરૂર. અને આટલા વર્ષો પછી જયારે તે કેલિનને મળે છે ત્યારે તેને તો આ ચમત્કાર જ લાગે છે. બની શકે તમારા જીવનમાં આવી કોઈ ઘટના બની હોય અથવા તો હવે બનવાની હશે. ચમત્કાર કોઈ ભ્રમ નથી. જો તમને સાચો દ્રષ્ટિકોણ કેળવતા આવડે તો.
૪ ખાસિયત
અત્યારના સંબંધો બહુ ખોખલા થતા જાય છે. આજના ફાસ્ટ યુગમાં લોકો બહુ જલ્દી બદલાવને સ્વીકારીને જૂના લોકોને બદલે નવા લોકો શોધી લે છે. જો કે આ મુવીના પાત્રોનું માનવું એવું છે કે તમે ક્યારેય કોઈ વ્યક્તિને કે તેની યાદોને રિપ્લેસ કરી શકતા નથી. દરેક વ્યક્તિની પોતાની અલગ ખાસિયત હોય છે. પોતાનો અલગ સ્વભાવ હોય છે. તેથી દરેક વ્યક્તિ સાથે અલગ અલગ યાદો બને છે. તમારી આસપાસ પણ એવા લોકો હશે જેની કોઈને કોઈ ખાસિયતોને કારણે હજુ પણ તેઓ તમને યાદ રહી ગયા હશે.
૫ નસીબ
નસીબ જેવું કઈ હોય કે બધું કર્મોને જ આધીન છે? શું બધું લખાયેલું છે? એક સુંદર શબ્દ છે - મખતૂબ - જેનો મતલબ થાય છે કે - બધું જ લખાયેલું છે. તો તમને એવો પ્રશ્ન થાય છે કે જીવનમાં બનતી દરેક ઘટના પહેલેથી લખાયેલી હશે? કે પછી આપણે જ ઘણા વિચારો અને ઘટનાને આકર્ષી છીએ. આ મુવીમાં પણ કંઇક એવું જ છે. જેસી નસીબમાં માનવું કે ન માનવું તેની અસમંજસમાં છે. કારણ કે તેને લખેલા પુસ્તકમાં અને પોતાના જીવનની ઘટનાઓમાં તે નસીબનો આભાર માને કે નહી તે વિચારે છે. તે કેલિનને મળવા તો માંગતો જ હતો પણ નસીબના કારણે મળી શક્યો કે વિચારોને કારણે?
આ રોમેન્ટિક મુવીમાં અન્ય ઘણું સંબંધો અને પ્રેમ વિશે શીખવા જેવું છે. મુવી ૨૦૦૪માં આવેલું છે એટલે એવું પણ લાગશે કે આ મુવીના ઘણા સીન અથવા વાર્તા તમે બોલીવુડ મુવીઝમાં જોયેલા છે. જો કે એકવાર પ્રેમ અને સંબંધોની દુનિયામાં ખોવાઈ જવા માટે આ મુવી જરૂરથી જોવું જોઈએ.
આભાર
દર્શાલી સોની