યુએસએનું સૌથી મોટું શિક્ષણ કૌભાંડ!
દુનિયાની કહેવાતી મહાસત્તામાં જયારે શિક્ષણ ક્ષેત્રે સૌથી મોટું કૌભાંડ થાય તો તે જાણવામાં તમને રસ ખરો? જો તમારો જવાબ હા હોય તો આગળ વાંચો. ૧૧ મીલીયન ડોલરના કૌભાંડની આ વાત છે. ૨૦૧૯માં “બેડ એડ્યુકેશન” નામનું મૂવી આવ્યું. જેમાં યુએસએના એક એવા કૌભાંડની વાત સામે આવી જે જાણીને તમને શિક્ષણ પરથી વિશ્વાસ ઉઠી જશે.
સરકારી શાળાને સરકાર ગ્રાન્ટ આપે છે, તે ગ્રાન્ટના આધારે શાળાનો વિકાસ થાય અને જે-તે વિસ્તારની સરકારી શાળા સારી હોય - તો તે વિસ્તારના ભાવ પણ વધે જેથી ત્યાની નાગરિકને પણ રીઅલ એસ્ટેટમાં ફાયદો થાય સાથોસાથ બાળકોને ઉત્તમ ભણતર મળવું જોઈએ તે તો એક ધ્યેય હોવાનો જ.
પણ જયારે આ સરકારી શાળામાં સત્તા ધરાવતા લોકો સરકારે આપેલ નાણાનો ઉપયોગ પોતાના મનોરંજન, જાહોજલાલી અને જરૂરિયાતો પૂરી કરવા માટે કરવા લાગે ત્યારે? તેમાં પણ જો આ કૌભાંડ તે શાળાની એક વિદ્યાર્થીની જ પકડી પાડે ત્યારે? - તમે વિચારતા થઇ જશો કે ખરેખર આ બધી જ સંસ્થાઓમાં કેટલું પારદર્શી કામ થતું હોય છે?
ન્યુયોર્કમાં રોઝ્લેન સ્કૂલમાં આવું જ કંઇક થતું હતું. શાળાને આપવામાં આવેલ ક્રેડિટકાર્ડ થકી મેનેજમેન્ટના અમુક ભ્રષ્ટાચારીઓ પોતાની ઇચ્છાઓ પૂરી કરતા હતા. જે એકાઉન્ટ પર કોઈ નજર રાખવાવાળું ન હોય ત્યારે ધીમે ધીમે ખોટા કામને પ્રોત્સાહન મળવા લાગે છે - ખોટા બીલ રજૂ કરવામાં આવે, એવી કંપનીના નામથી બીલ રજૂ કરવામાં આવે જેનું ખરેખર કોઈ અસ્તિત્વ જ ન હોય.
યુએસએમાં થયેલા આ કૌભાંડમાં મુખ્ય બે ભાગીદારો - ફ્રેંક અને પેમ હતા. તેઓએ બંનેએ ભેગા મળીને ૧૧ મીલીયન ડોલર્સનું કૌભાંડ કર્યું જે નાણા ખરેખર શાળા માટે - શાળાના વિકાસ માટે ફાળવવામાં આવ્યા હતા. આ જ શાળામાં અભ્યાસ કરતી રેચલ ભાર્ગવા તેની શાળામાં છાપવામાં આવતા એક ન્યુઝપેપરમાં કામ કરતી હોય છે. ધીમે ધીમે તેના હાથમાં એવા કાગળ અને સાબિતીઓ હાથ લાગે છે જેના પરથી આ કૌભાંડ કેટલું મોટું છે તે સાબિત થાય છે. એક શાળામાં ભણતી છોકરીને ફ્રેંક ડરાવવાનો પણ પ્રયત્ન કરે છે જેથી કરીને આ માહિતી બહાર ન આવે. પણ સત્ય ક્યારેય છુપાતું નથી. તેના માટે હિંમત હોવી જરૂરી છે.
આ વાત બહાર આવતા - ફ્રેંક અને પેમ પર કેસ કરવામાં આવે છે - ફ્રેંકને જેલ થાય છે. પેમ પોતાની જાતને બચાવવા માટે અન્ય નાણાકીય કૌભાંડની માહિતી શેર કરે છે જેથી તેને ઓછી સજા થાય છે. અંતે લોકોનો સરકારી શાળા પરથી વિશ્વાસ ઉઠી જાય છે.
ફ્રેકનું પાત્ર પ્રખ્યાત અભિનેતા હ્યું જેકમેન દ્વારા અભિનીત છે. જયારે આવા પ્રખ્યાત અભિનેતાને તમે - એક ડાર્ક રોલ કરતા જૂઓ, સાથોસાથ ફ્રેંકનું પાત્ર ગે દર્શાવવામાં આવ્યું છે - તેમાં પણ તે પોતાના સંબંધો લોકોથી છુપાવી રહ્યો છે - તમે ક્યારેય કલ્પના ન કરી હોય કે જેને તમે - “વોલ્વરીન” લોગન તરીકે જોયો છે તે આવું પાત્ર નિભાવી શકશે. આમ છતાં મૂવીની શરૂઆતની ૧૫ થી ૨૦ મિનીટમાં તમને ખબર પડી જશે કે આ બહુ મોટું કૌભાંડ છે - પણ કઈ રીતે રેચલ અને અન્ય લોકો આ સત્ય બહાર લાવે છે અને ખરેખર કેટલા નાણા આ રીતે વપરાઈ ગયા છે - તે જાણવા માટે તમે અંત સુધી મૂવી જોવા પ્રેરાશો.
થોડા સમય પહેલા જ યુએસએમાં કોવીડ ફંડઉ બહુ મોટું કૌભાંડ બહાર આવ્યું હતું. ત્યારબાદ આ શિક્ષણ ક્ષેત્ર - તમે એક વાર તો વિચારશો કે જે યુએસએ મોટાભાગના લોકોનું સપનું છે - ત્યાં રહેવા જવું અને ત્યાંનું જીવન જીવવું - તે ખરેખર કેટલું સુરક્ષીત છે? તમારી આસપાસ ચાલતી પણ સંસ્થાઓમાં કેટલું પારદર્શી કામ થતું હશે? શું લોકો આવી બાબતો પર ધ્યાન આપે છે કે આંધળા વિશ્વાસથી દુનિયા ચાલે છે તેથી આવા અનેક કૌભાંડો હજુ સુધી બહાર જ નથી આવ્યા? કડવું સત્ય જોવામાં રસ હોય તો આ મૂવી એકવાર જરૂરથી જોવું જોઈએ.