ઓગસ્ટ ઓસેજ કાઉન્ટી - પાગલ ફેમીલી પણ હોય?
દરેક ઘરમાં ઝગડા થતા હોય છે તે તો ઘર ઘરની કહાની છે જ. પણ કલ્પના કરો કે એક એવું ફેમીલી જેમાં એક પ્રખ્યાત લેખક તેના જીવનથી કંટાળીને આપઘાત કરી લે અને તેની ત્રણ દીકરીઓના જીવનમાં પણ અનેક પ્રકારની અણધારી ઘટનાઓ ચાલતી હોય અને તે ત્રણેયની માતા કેન્સરના કારણે દવાઓની આદિ થઇ ગઈ હોય તો શું તમે આવા ફેમીલીને પાગલ ફેમીલી નહી કહો?
પણ મહત્વની વાત એ છે કે ઘણીવાર આવા પાગલ મુવીમાંથી પણ ઘણું શીખવા મળતું હોય છે. ૨૦૧૩માં આવેલું ફેમીલી ડ્રામા મુવી એટલે ઓગસ્ટ ઓસેજ કાઉન્ટી. આ મુવી બે વાર ઓસ્કાર માટે નોમીનેટ થઇ ચુક્યું છે. શા માટે ન થાય? તેમાં મેરિલ સ્ટ્રીપ,જુલિયા રોબર્ટ્સ અને બેનેડિકટ કમ્બરબેક જેવા કલાકારો હોય તો. આ મૂવીની વાર્તા છ ભાગમાં વણાયેલી છે.
વાયોલેટ અને બેવ્રેલી - બંને પતિ પત્ની હોય છે. બેવ્રેલી એક સફળ લેખક હોય છે. જેનું પાત્ર પ્રખ્યાત સેમ સેફરડે નિભાવેલ છે. વાયોલેટ અને બેવ્રેલી તેના જૂના ઘર ઓકલાહોમામાં રહેતા હોય છે. વાયોલેટને માઉથ કેન્સર થઇ જાય છે અને તેણી પિલ્સની આદિ બની જાય છે. બેવ્રેલી જીવનથી કંટાળીને આપઘાત કરવાનો નિર્ણય છે. તે આપઘાત કરે છે. બસ ત્યારે જ મુવીમાં તેની ત્રણ દીકરીઓ અને તેના જીવનની વાર્તા ચિત્રમાં આવે છે.
બાર્બરા અને તેનું લગ્ન જીવન - સૌથી મોટી દીકરી બાર્બરા કે જેનું પાત્ર જુલિયા રોબર્ટસે નિભાવેલ છે - તેની પોતાની એક કિશોરાવસ્થામાં હોય તેવી દીકરી છે. તેઓનું લગ્નજીવન પડી ભાંગવા પર છે. બાર્બરાનો પતિ કોઈ યુવાન છોકરીના પ્રેમમાં હોવાને કારણે તેણીને ડિવોર્સ આપવાનો હોય છે અને આખું ફેમીલી બાર્બરાના પિતાના મૃત્યુ માટે થઈને ઘરે આવે છે.
આઈવી અને ચાર્લ્સ એકેન - વાયોલેટની બીજી દીકરી આઈવી પોતાના માટે એક જીવનસાથીની શોધમાં હોય છે અને તેને કોઈ ન મળતા તે અજીબ રીતે તેના કઝીન ભાઈ ચાર્લ્સ એકેનના પ્રેમમાં પડી જાય છે.
કેરેન અને તેનું લગ્નજીવન - કેરેન સૌથી નાની દીકરી પણ ૩ વખતથી વધુ લગ્ન કરી ચૂકી હોય છે તે તેની કરતા ઘણી મોટી ઉંમરના વ્યક્તિને પોતાના પિતાના ફ્યુનરલમાં લઈને આવે છે.
વાયોલેટનું કુટુંબ - વાયોલેટની દેરાણી અને તેનો પતિ ચાર્લ્સ કે જે હંમેશા વાયોલેટને સાથ આપતા રહે છે તેઓની પણ કહાની આ મુવીમાં દર્શાવેલ છે.
હવે આટલા મોટા ફેમીલીમાં બધા જ લોકો અલગ અલગ વિચારસરણીવાળા હોય અને બધા લોકો સાથે સેટ થવું તે તો કોઈ ચેલેન્જથી કમ નથી. વાયોલેટને ખબર હતી કે તેના પતિએ આપઘાત કર્યો છે આમ છતાં તે તેની તરણેત દીકરીઓને માત્ર એટલું કહીને બોલાવે છે કે તેઓના પિતા ખોવાઈ ગયા છે. કઈ રીતે બાર્બરા વાયોલેટને અને તેના પાગલપનને અને તેની દવાની આદત છોડવા માટે ઘરમાં પોતે એક લીડર બનીને ફેમીલીને સરખું કરવાનો પ્રયત્ન કરે છે તે જોવા જેવું છે.
ત્રણેય બહેનો સાથે મળીને રાત્રે પોતાના જીવનની વાતો કરતી હોય છે તે સીન અને અંતમાં જ્યારે બાર્બરાને જીવનનું સત્ય સમજાય છે તે સીન - તમને મુવીના પ્રેમમાં પાડી દેશે. આવા પાગલ મુવીમાંથી શું શીખી શકાય તે જાણીએ તો....
૧ જીવન
મૂવીની શરૂઆત થાય છે - "લાઈફ ઈઝ લોંગ." બ્રેવેલીના મતે જીવન તો બહુ લાંબુ છે. પણ સૌથી મહત્વની વાત તો એ છે કે તમે તે જીવનને કેવી રીતે જીવી જાણો છો. કારણ કે જીવન લાંબુ હોય કે બે ક્ષણોનું - જીવનને ખુલીને જીવી જતા જાણતા લોકો જ એક ખુશહાલ જીવન માણી શકે છે. તમે પણ આજે ઘડિયાલના કાંટાઓને સાથે દોડવાને બદલે જીવન માણતા પણ શીખી જાવ.
૨ મેરેજ
મુવીમાં ડાયલોગ છે કે મેરેજ અઘરા છે. જો કે દરેક મેરીડ વ્યક્તિને એવું લાગતું હોય જ છે. મહત્વની વાત એ નથી કે મેરેજ લાઈફ અઘરી છે કે સહેલી. મહત્વની વાત એ છે કે તમે મેરેજને કેવા નજરિયાથી જૂઓ છે. તમારો જીવનસાથી તમારા માટે જીવનને વધુ સરળ બનાવનાર સાબિત થાય છે કે અઘરું તે તમારે નક્કી કરવાનું છે. બની શકે તો એકવાર તમારા માટે મેરેજની વ્યાખ્યા શું છે તે સમજવાનો પ્રયત્ન કરી જૂઓ.
૩ સર્વાઇવ
બાર્બરા તેની દીકરીને સમજાવતા કહે છે કે જીવનમાં ગમે તેટલું ખરાબ કંઈપણ થાય તો પણ સર્વાંઈવ કરવાનું. હારી નહિ જવાનું. તેણીના નાનાની જેમ આપઘાત નહી કરવાનો. જીવનમાં ટકી રહેવું જ સૌથી વધુ મહત્વનું હોય છે.
મુવીમાં તમને કોઈ ફિલોસોફીકલ ડાયલોગ્સ નહી સાંભળવા મળે પણ તેઓના જીવનના અનુભવ પરથી જ તમે જીવનના ઘણો મર્મ સમજી જશે. બની શકે કોઈવાર આવું મુવી પણ તમને જીવનમાં ઘણું શીખવી જતું હોય. મેરિલ સ્ટ્રીપ અને જુલિયા રોબર્ટ્સ માટે થઈને પણ એકવાર તો આ મુવી જોઈ જ લેવું જોઈએ.
આભાર
દર્શાલી સોની