માનવી એલિયનનો શિક્ષક બને ત્યારે…
કલ્પના કરો કે અચાનક જ તમારા શહેરમાં એક એલિયનનું ઝુંડ આવીને ડેરો જમાવી દે તો? એવા એલિયન જે તમારી ભાષા પણ નથી જાણતા, જેના વિશે તમારા દેશના વિજ્ઞાન વિભાગને પણ કઈ નથી ખબર? - આવા સમયે શું થશે? શું એલિયનને દુશ્મન માનવામાં આવશે? શું એલિયન સાથે વાત કરવાનો પ્રયત્ન કરવામાં આવશે, શું એલિયનને કોઈ સંદેશો પહોંચાડવામાં આવશે? શું કોઈ એલિયનને મળવા જશે? શું થશે?
એલિયન શબ્દ સાંભળતા જ મનમાં અનેક પ્રશ્નો ઉભા થઇ જાય સાથોસાથ અત્યાર સુધીમાં એલિયન પર જેટલા મૂવીઝ અને સિરીઝ જોઈ હોય તેનું પુનરાવર્તન પણ થઇ જાય - આજે એક એવા જ મૂવીની વાત કરવી છે - ૨૦૧૬માં આવેલું મૂવી - “અરાઈવલ”.
જેમાં એક સાથે બાર દેશમાં એક એલિયનનું વાહન લેન્ડ કરે છે. બધા દેશના અત્યંત નિષ્ણાત લોકોની ટુકડી તે સ્થળે પહોચે છે અને આ એલિયન વિશે વધુ સમજવાનો પ્રયત્ન કરે છે. દરેક દેશના લીડર્સની માનસિકતા અલગ અલગ હોવાની.
યુએસએની ટીમમાં એક અનુવાદકને ઉમેરવામાં આવે છે. જે એલિયનની ભાષા સમજવાનો પ્રયત્ન કરશે અને તેઓ શા માટે પૃથ્વી પર આવ્યા તે જાણશે. તેનું નામ છે - લૂઇસ. આ પાત્રને ખૂબ જ બુદ્ધિશાળી બતાવવામાં આવ્યું છે.
તે પહેલી વખત એલિયન પાસે જાય છે ત્યારે તેને સમજાય છે કે એલિયન માનવીની ભાષા સમજી શકતું નથી. તેથી જે રીતે નાના બાળકને શરૂઆતથી ભાષા શીખવવામાં આવે તે રીતે તે અને તેની ટીમમાં ઇઆન - બંને ભેગા મળીને એલિયનના શિક્ષક બને છે. સાથોસાથ તેઓ પણ એલિયનની ભાષા શીખવાનું શરુ કરે છે. કારણ કે એલિયન ચિત્રો દોરીને તેની ભાષા રજૂ કરતા હોય છે.
અનેક મહિનાઓની મહેનત બાદ એલિયન પાસેથી લૂઇસને જવાબ મળે છે. તેઓનો હેતુ છે - માનવજાતિને એવી શક્તિ આપવી જેના થકી તેઓ ભવિષ્યને જાણી શકે. સમયને સમજી શકે. સામે ૩૦૦૦ વર્ષ પછી જયારે એલિયનને માનવજાતિની જરૂર પડશે ત્યારે માનવીઓ તેને મદદ કરશે.
જો કે આ સંદેશ લૂઇસ બધા લોકો સુધી પહોચાડી શકે તે પહેલા અન્ય દેશના લીડર્સ તેને દુશ્મન માનીને એલિયનનો વિનાશ કરવાના હોય છે.
કઈ રીતે લૂઇસ અન્ય દેશોને રોકે છે, કઈ રીતે તેણીને પોતાનું ભવિષ્ય દેખાય છે, કઈ રીતે તેને લાગણીઓનું મહત્વ સમજાય છે, કઈ રીતે માનવતાની સામે એલિયન પણ ઝૂકી જાય છે - તે તમે આ મૂવીમાં જોઈ શકશો.
મૂવી એટલી રસપ્રદ રીતે બનાવ્યું છે કે તમે એક ક્ષણ પણ નહી ચૂકો. જો તમને આ પ્રકારના સાઈ-ફાઈ મૂવી જોવામાં રસ હોય તો આ મૂવી જરૂરથી જોવું જોઈએ. મૂવીમાં લૂઇસનું મુખ્ય પાત્ર પ્રખ્યાત અભિનેત્રી એમી એડમ્સ દ્વારા અભિનીત છે. ઇઆનનું પાત્ર તમે ઓળખી જશો કારણ કે તે અભિનેતાને તમે હોકઆઈસ મૂવીમાં જોયેલા છે. જો તમે ઘણા સમયથી કોઈ સારા મૂવીની શોધમાં હોય તો આ મૂવી જરૂરથી જોવું જોઈએ.