Anchorman The Legend of Ron Burgundy

anchorman movie talk by darshali soni.jpg

આજકાલ સમાચારની ચેનલની વાત કરીએ તો મોટાભાગના લોકો સમાચારની અનેક ચેનલને ગાળો જ આપશે. કારણ કે તે બધી જ ચેનલ્સમાં નકામા સમાચારથી માંડીને જાણે કોઈ ટીવી-સિરિયલ જોતા હોય તે રીતે નાનામાં નાની વાતને એક અત્યંત ખતરનાક ઘટના તરીકે પ્રેક્ષકોની સમક્ષ રજૂ કરવામાં આવે છે. દરેક સમાચારની ચેનલને વખોડનાર વ્યક્તિ પાસે અલગ અલગ અભિપ્રાય હશે, શા માટે હવે લોકોને સમાચારની ચેનલ જોવામાં રસ નથી, શા માટે લોકો સમાચારની બધી જ ચેનલોને વખોડે છે – આ બધા પ્રશ્નોના જવાબ તમને બધા પાસેથી અલગ અલગ મળશે.

જો કે એક સમય એવો પણ હતો જયારે સમાચારની ચેનલ, મીડિયા અને જર્નાલિઝમને માનની નજરે જોવામાં આવતું. લોકો ખાસ સમય કાઢીને સમાચાર જોતા અને તે બધી જ વાતોમાં વિશ્વાસ પણ કરતા. એવા જ એક સમય ૧૯૭૦ની વાત છે. જયારે સેન ડીએગોમાં સમાચારની ચેનલમાં ચાર લોકોની ટીમ અત્યંત પ્રખ્યાત હતી. જેમાં સૌથી પ્રખ્યાત રોન બરગંડી મુખ્ય સમાચાર સંભાળતા હતા, તેની ટીમમાં બીજા એક અજીબ, ક્યારેક નાના છોકરા જેવું વર્તન કરતા અને થોડા વિચિત્ર બ્રિક હતા. જે હવામાનના સમાચાર આપતા હતા. ટીમના બીજા વ્યક્તિ બ્રાયન ફેન્ટાના સ્ત્રીઓના પ્રિય હતા. તે ઘટના સ્થળે જઈને સમાચારનું રીપોર્ટીંગ કરતા હતા. જયારે ત્રીજા ટીમના સભ્ય ચેમ્પ કીડ રમત-ગમતના સમાચાર સંભાળતા હતા. આ ચાર લોકોની જુગલબંધી અત્યંત પ્રખ્યાત હતી. પણ તેઓની આ સમચારની મુસાફરીમાં અચાનક જ એક બદલાવ લાવ્યો. વેરોનીકા નામની સ્ત્રીને રિપોર્ટર તરીકે નોકરીમાં રાખવામાં આવી. તેણીએ ચેનલમાં અનેક બદલાવ લાવ્યા અને તે ચારની ટીમની સામે એક હરીફાઈ બની ગઈ.

આટલા વર્ષોની મહેનતના ફળને મેળવવા માટે ચારેય ભેગા થઈને વેરોનીકા કરતા પણ ઉત્તમ પરફોર્મન્સ આપવાનો પ્રયત્ન કરે છે, હરીફાઈમાં ટકવાનો પ્રયત્ન કરે છે, સાથોસાથ અન્ય સમાચાર કંપનીની હરીફાઈમાં પણ તે ખરા ઉતરવાનો પ્રયત્ન કરે છે. શું આ ચારેયની ટીમ તેની એન્કર-રિપોર્ટરનું મુસાફરીમાં સફળતા હાંસિલ કરી શકે છે? શું તેઓ વેરોનીકાને પાછળ રાખીને ફરીથી તેની સમાચાર કંપનીમાં જગ્યા મેળવી શકે છે? – તેના માટે તો તમારે આ મુવી જ જોવું રહ્યું.

૨૦૦૪માં આવેલું આ મુવી ફની છે, હોલીવુડમાં મોટાભાગે કોમેડી મુવીઝમાં જોવા મળતા અભિનેતાઓ આ મુવીમાં પણ છે. તેથી તમને મૂવીમાં રમૂજ જોવાની મજા આવશે. મુવીના પાત્રોની વાત કરીએ તો પ્રખ્યાત પાત્ર રોન બરગંડીનું પાત્ર વિલ ફેરેલ દ્વારા અભિનીત છે. તમે આ અભિનેતાને અનેક કોમેડી મુવીમાં જોયા જ જશે. જયારે વેરોનીકા કોર્નીંગસ્ટોન – ચાલાક સ્ત્રીનું પાત્ર ક્રિસ્ટીના એપલગેટ દ્વારા અભિનીત છે. બ્રાયનનું પત્ર પોલ રૂડે નિભાવેલ છે. જયારે અજીબ અને મુવીમાં અનેક પ્રકારની રમૂજનું સર્જન કરતું બ્રિકનું પાત્ર સ્ટીવ કેરલ દ્વારા અભિનીત છે. અને ચેમ્પ કીડનું પાત્ર ડેવિડ દ્વારા અભિનીત છે. આ બધા અભિનેતાઓને બની શકે તમે નામથી ન ઓળખતા હો પણ આ બધા જ અભિનેતાઓને તમે હોલીવુડના કોમેડી મુવીઝમાં અને અનેક સિરીઝમાં પણ જોયા હશે.

આ કોમેડી મુવી જોયા બાદ તમને એવો પ્રશ્ન થઇ શકે કે વળી આવા મુવીમાંથી શું શીખવાનું? તો એટલું જરૂરથી તમે સમજશો કે કહેવાતા આ કોમેડી મુવીઝમાંથી પણ ઘણા પાત્રો તમને જીવન વિશે ઘણું શીખવાડી જતા હોય છે. જેમ કે –

૧ સમયની માંગ મુજબ બદલાવ

રોન અને તેની ટીમ ઘણા વર્ષોથી સમાચાર ચેનલમાં તેઓનું પ્રભુત્વ ધરાવતી હતી. પણ સમય સાથે બદલાવ આવ્યો આને વેરોનીકાના આવતા તેઓએ પોતાની વર્ષો જૂની સમાચારની રીત બદલાવવી પડી. કંઇક ઇનોવેશન લાવવું પડ્યું. પોતાની જૂની આદતોને અને ટેકનીક્સને બદલાવવી પડી. આ વાત દરેક કારકિર્દીમાં લાગુ પડે છે. જેમ જેમ સમય બદલાય છે તેમ તે તમારી પાસે પણ બદલાવની માંગ કરે છે. જો બદલાવ નહી લાવો તો કારકિર્દીમાં પાછળ રહી જશો. હરીફાઈમાં ટકી નહી શકો. તેથી બદલાવ અને સમયનો આદર કરતા શીખો.

૨  હાર ન માનવી

ઘણા લોકો એવા હોય છે કે જે જીવનમાં કે કારકિર્દી કોઈ પડકાર આવે તો હાર માની લે છે. તેઓ તેનો સામનો કરી શકતા નથી. તેઓને એવું લાગે છે કે તેઓમાં એટલી આવડત જ નથી કે તેઓ આ પડકારનો સામનો કરીને ફરીથી સફળતા હાંસિલ કરી શકે. તેથી તેઓ જીવનમાં પાછળ રહી જાય છે. તેની સામે રોન અને તેની ટીમ જેવા એવા લોકો પણ હોય છે કે જે કોઇપણ હાલતમાં હાર માનતા નથી. તેઓ કોઇપણ રીતે પરિસ્થિતિનો સામનો કરે છે. રોન અને તેની ટીમ તેઓની સામે આવેલ પડકારનો કેવી રીતે સામનો કરે છે તે જાણવા તમારે મુવી જોવું રહ્યું.

૩ જીવનને હળવાશપૂર્વક જીવો

ઘણીવાર આપણે જીવનની ઘટમાળમાં એટલા બધા વ્યસ્ત થઇ જઈએ છીએ કે જીવનને બહુ જ ગંભીરતાથી જીવવા લાગીએ છીએ. આવા સમયે જીવનમાં થોડી હળવાશનો અનુભવ કરવો પણ જરૂરી છે. થોડો આનંદ અનુભવવો, થોડી રમૂજ કરી લેવી પણ જરૂરી છે. રોન અને તેની ટીમના અન્ય પાત્રો જીવનને ખૂબ જ હળવાશથી જીવે છે. ઘણીવાર જયારે તમે જીવનની સમસ્યાને બહુ જ અઘરી કે ગંભીર માનવાને બદલે હળવાશથી જોવા લાગશો તો તેનો ઉકેલ શોધવો અને અમલ કરવો પણ સરળ થઇ જશે.

થોડી રમૂજ અનુભવી લેવા માટે પણ આ મુવી એકવાર જોવું જોઈએ.