American Sniper

american sniper.jpg

દરેક બુલેટ પાછળ એક ગાથા છે!

 

જયારે કોઈ નેવી સીલ આર્મીમાં જોડાય છે ત્યારે તેનું જીવન અઘરું હોવાનું - તે સ્વીકારી લેવાનું હોય છે. જે રીતે બોલીવુડમાં આર્મીના જવાનો પર અનેક મૂવીઝ બનેલા છે. તે જ રીતે સૌથી અઘરી આર્મી - નેવી સીલના મહાન જવાનો પર પણ અનેક મૂવીઝ બનેલા છે. તેમાંથી આજે વાત કરીશું ક્રિસ કાયેલની. એક સૌથી ઉત્તમ અમેરિકન સ્નાઈપર. 

૨૦૧૪માં આવેલ મૂવી “અમેરિકન સ્નાઈપર”માં ક્રિસ કાયેલનું પાત્ર પ્રખ્યાત અભિનેતા બ્રેડલી કૂપર દ્વારા અભિનીત છે. જો તમને આર્મી વિશે જાણવામાં વધુ રસ હોય તો તમને ખ્યાલ હશે કે સીલની તૈયારી અને સીલ જવાન બનવા માટે સૌથી વધુ ખતરનાક અને દર્દ આપનારી ટ્રેઈનીંગમાંથી પસાર થવું પડે છે. ત્યારબાદ પણ એક વાર નેવી સીલ બની ગયા બાદ ઈરાકથી માંડીને સૌથી ભયાનક જગ્યાએ જઈને મિશન પૂરા કરવાના હોય છે, ઘણા જવાનો તેમાં પોતાનો જીવ ગુમાવે છે, ઘણા જીવનભર માટે અપંગ થઇ જાય છે, ઘણા લોકો માનસિક રીતે સાવ મૂઢ થઇ જાય છે. કારણ કે આ અનુભવો દરમિયાન એટલી હિંસા અને દર્દ હોય છે જે કોઈપણ સામાન્ય વ્યક્તિના મનને પણ બોખલાવી દે. 

ક્રિસ શરૂઆતથી જ ઉત્તમ આર્મીમેન હતા. તેણે એક ઉત્તમ સ્નાઈપર બનવાનું નક્કી કર્યું. તેણે અનેક મિશનમાં એક ઉત્તમ સ્નાઈપર બનીને તેની ટુકડીને અનેકવાર બચાવી હતી. લોકો તેને લેજન્ડ કહેતા. એક સમય એવો હતો જયારે તેણે ૧૩૧ થી વધુ દુશ્મનોને મારી નાખીને પોતાની ટીમને બચાવી હતી. 

આ મૂવીની અંદર ક્રિસે જીવેલા સૌથી અઘરા અનુભવો અને મિશન દેખાડવામાં આવ્યા છે. કઈ રીતે તે પ્રેમમાં પડે છે અને તેની પત્ની તેયા સાથે લગ્ન કરે છે. કઈ રીતે તે તેના ત્રણેય બાળકોને સૌથી વધુ પ્રેમ કરે છે. તે તમે આ મૂવીમાં જોઈ શકશો. ક્રિસે તેના મિશનમાં અનેક લોકોના જીવ લીધા, અનેક પ્રકારની દર્દનાક હિંસા જોઈ. તેથી તેનું મન સતત તે વોરના વાતાવરણમાં જ ખોવાયેલું રહેતું હોય છે. જેના લીધે તેની પત્ની પણ ચિંતા કરે છે. અને તે ફરીથી સામાન્ય માનવી જેવો થઇ જાય તેવા પ્રયત્ન કરે છે. 

એક મિશન એટલું ખતરનાક હોય છે કે ક્રિસનું ત્યાંથી બચીને નીકળવું અશક્ય લાગતું હોય છે. ત્યારે ક્રિસ નિર્ણય લે છે કે હવે તે નિવૃત્તિ લઇ લેશે અને ઘરના લોકો સાથે સમય વિતાવશે. જો કે જે વ્યક્તિએ સતત ગોળીબાર, હિંસા અને લોકોના જીવ બચાવવામાં જીવન વિતાવ્યું હોય તેના માટે સામાન્ય જીવન જીવવું અઘરું હોય. આમ છતાં અનેક પ્રયત્નો બાદ તે ખુશહાલ રીતે રહેવા લાગે છે. અનેક મિશન દરમિયાન તે તેના મિત્રો પણ ગુમાવે છે. તેનો ભાઈ પણ ગુમાવે છે. 

એક આર્મીમેનનું માઈન્ડસેટ કેવું હોય, તે જીવનમાં કેવા અનુભવોમાંથી પસાર થતા હોય, તેનામાં દેશપ્રેમની ભાવના કેટલી ઊંડી હોય, કઈ રીતે તે તેના મિત્રોને બચાવે, કઈ રીતે તે સામાન્ય જીવન જીવવા પ્રયત્નો કરે અથવા તો કઈ રીતે તેઓ કોઈ મિશનમાં પણ પોતાનો જીવ ગુમાવી દે - તે સત્ય જાણવા માટે આ પ્રકારના મૂવી જોઈ શકો. 

આપણે આરામથી ઘરમાં બેસીને કામ કરતા હોય ત્યારે આ જવાનો ત્યાં સરહદ પર જીવના જોખમે અનેક મિશન પર જતા હોય છે. આવા મૂવી જોયા બાદ તેઓ માટેનો આદર વધશે અને આપણે કેટલું સારું જીવન જીવીએ છીએ તે પણ સમજાશે. 

આ મૂવી માટે બ્રેડલી કૂપરે ક્રિસ જેવું જ બનવા માટે ઘણી મહેનત કરી હતી. તેણે ૪૦ પાઉન્ડ વજન વધાર્યું અને સતત ક્રિસની ક્લિપ્સની જોઇને પ્રેક્ટીસ કરી. એક વાર તો જરૂરથી આ મૂવી જોવું જોઈએ.