એલ્વિન એન્ડ ધ ચીપમન્કસ - ત્રણ તોફાની!
૨૦૦૭માં એક મસ્ત એનિમેટેડ મુવી આવ્યું. ત્રણ નાના, તોફાની અને ટેલેન્ટેડ ચીપ્મન્કસની કહાની. તેઓ મસ્ત મજાના અવાજમાં સુંદર ગીતો ગાઈ શકતા હોય. તેમાં તેને મળી જાય એક નિષ્ફળ પણ હોશિયાર ગીતલેખક - ડેવ.
ડેવ તેના ક્ષેત્રની નિષ્ફળતાથી કંટાળી ગયો હોય. એકલો રહેતો હોય. તેના હરીફો વધતા જતા હોય. ત્યાં જ કોઈ ચમત્કારની જેમ તેના જીવનમાં એલ્વિન, સિમોન અને થિયોડોર નામના ત્રણ ચીપમન્કસની એન્ટ્રી થાય. ડેવને તેની ગાવાની આવડતની ખબર પડે અને પછી ડેવ તેઓને પરફોર્મન્સ કરવાની તક આપે. થોડા જ સમયમાં આ ત્રણેય તોફાનીઓ પ્રખ્યાત થઇ જાય. ત્યાં જ મુવીમાં એન્ટ્રી થાય વિલનની. એક ઇઆન નામનો વ્યક્તિ કે જે આ ત્રણેયની પોતાની કંપનીના ગાયક બનાવી દેવા માંગતો હોય.
તે જૂની ફોર્મ્યુલા - લાલચ - વાપરીને એલ્વિન, સિમોન અને થિયોડોરને પોતાની ઘરે લઇ જાય. થોડા જ સમયમાં તેની સાથે ખરાબ વર્તન કરવા લાગે. કારણ કે તેના માટે તે ત્રણેય પૈસા કમાવવાનું સાધન હતું. જયારે ડેવ માટે તો તે ત્રણેય કુટુંબના સભ્યો હતા.
ધીમે ધીમે ચીપમન્કસને સત્ય ખબર પડે અને અંતમાં શું થાય તે જોવા માટે તો તમારે મુવી જ જોવું રહ્યું.
૧ આશાનું કિરણ
તમે બે શબ્દો સાંભળેલા જ હશે - કિંગ અને કિંગમેકર. ડેવ પાસે આવડત હતી પણ પ્લેટફોર્મ નહોતું. તેથી તેણે એલ્વિન, સિમોન અને થિયોડોર પાછળ મહેનત કરીને તેઓને પ્રખ્યાત બનાવી દીધા. જરૂરી નથી કે તમારું સપનું તમે જ પૂરું કરો. કોઈ બીજા થકી પણ સપનું પૂરું કરી શકાય. ઘણીવાર આશાનું કિરણ જયારે વિચાર્યું ના હોય ત્યારે મળી જતું હોય છે.
૨ ટીમવર્ક
કોઈ એક વ્યક્તિ પરફોર્મન્સ આપે અને ચાર લોકો ભેગા મળીને પરફોર્મન્સ આપે તેમાં જમીન-આસમાનનો ફર્ક પડે છે. તેથી જ તો પાવર ઓફ યુનિટીનું મહત્વ તમે ઘણીવાર સાંભળ્યું અને સમજ્યું અને જીવ્યું પણ હશે. દરેક વ્યક્તિ પાસે અલગ અલગ આવડત હોય છે અને અલગ અલગ નબળાઈ પણ હોય છે. આમ છતાં ઉત્તમ ટીમવર્ક હોય તો કોઇપણ લક્ષ્ય હાંસિલ કરી શકાય છે.
૩ પડકારો
સમસ્યા કોઇપણ સ્વરૂપે આવી શકે છે. આ ત્રણ ચીપમન્કસ અને ડેવ માટે સમસ્યા હતી - ઇઆન. તે સતત કોઈના કોઈ રીતે આ ચારને સાથે રહેતા રોકે છે. જો કે આવા પડકારોથી જ આપણે મજબુત બનીએ છીએ. એટલું જ નહી આપણને ટીમવર્ક, કુટુંબ, લાગણીઓનું મહત્વ પણ સમજાઈ જાય છે.
૪ તોફાનો
જીવનમાં હંમેશા ગંભીરતાથી જીવવું જરૂરી નથી. ક્યારેક તોફાનો પણ કરી લેવા જોઈએ. તેનાથી આપણી અંદરનું બાળક જીવતું રહે છે અને જીવન મોજવાળું લાગે છે. ડેવના જીવનમાં જયારે એલ્વિન, સિમોન અને થીયોડોર આવે છે ત્યારે તેને પણ જીવન જીવવાની મજા આવવા લાગે છે.
નાના બાળકોની જેમ તેના તોફાનો અને ગીતો ગાવા - આ બધાથી ડેવનું જીવન જીવંત થઇ જાય છે. અચાનક જ તે ત્રણ બાળકોનો પિતા હોય તેવી જવાબદારી અનુભવવા લાગે છે. તેમાં પણ તમને એલ્વિનનું પાત્ર સૌથી વધુ ગમશે. તોફાની, ખુરાફાતી અને બધાને હેરાન કરવામાં આગળ. જયારે થીયોડોર - એકદમ શાંત અને બીકણ. તો વળી સિમોન - પેલા ગીક જેવો - હોશિયાર અને ચશ્માં વાળો.
આમ તો આ બાળકોને મજા પડી જાય તેવું મુવી છે. તેના અન્ય ભાગ પણ આવેલ છે. પણ આગળ વાત કરી એમ જો તમે પણ જીવનમાં થોડું હસી લઈને જીવનને માણવા ઇચ્છતા હો તો એકવાર આ મુવી જોવું જોઈએ.
આભાર
દર્શાલી સોની