Aladdin

aladdin by darshali soni.jpg

અલાદીન - એક જાદુઈ કહાની

દરેક ઉંમરના લોકોએ અલાદીન, જીની, જસ્મીનની વાર્તા ના સાંભળી હોય તેવું તો શક્ય જ નથી. તેમાં પણ જો તમને યાદ હોય તો આપણે કાર્ટૂન પણ આવતું અને તેના પછી અનેક મુવી પણ આવેલા છે. પણ મારું ફેવરીટ મુવી હોય તો આ ૨૦૧૯માં આવેલું વિલ સ્મિથનું અલાદીન મુવી. તેની પાછળના ઘણા બધા કારણો છે. ચાલો જાણીએ.

સૌથી પહેલાં તો જીનીનું પાત્ર વિલ સ્મિથે એટલી સુંદર રીતે નિભાવ્યું છે કે તમે જરૂરથી તેના પાત્રના પ્રેમમાં પડી જશો. તેનું ડ્રેસિંગ, તેની જાદુગરી, તેના ડાયલોગ્સ, તેની હાલચાલ, તેનો બોલવાનો ઢંગ બધું જ રસપ્રદ છે. પછી આવશે મુખ્ય બે પાત્રો - અલાદીન અને જસ્મીન. અલાદીન એક અનાથ છોકરો તેના વાંદરા સાથે ફરતો રહે છે અને ચતુરાઈથી ચોરી કરીને જીવતો હોય છે. જયારે જસ્મીન તો રાજકુમારી કે જે હંમેશા તેની સાથે પોતાનો પાલતું વાઘ લઈને ફરે છે. બંને પાત્રો સાવ અલગ હોવા છતાં પણ પ્રેમમાં પડે છે અને આગળ શું થાય છે તે જોવા માટે તો તમારે મુવી જોવું જ રહ્યું. આમ તો અલાદીનની વાર્તા તમે ગમે ત્યારે જોશો કે વાંચશો કે જોશો સરખી જ રહેવાની છે. ફર્ક માત્ર રજુઆતનો છે.

અલાદીનનું પાત્ર - મોની મસુદે નીભાવેલું છે જયારે જસ્મીનનું પાત્ર સુંદર અભિનેત્રી નેઓમી સ્કોટ દ્વારા અભિનીત છે. મુવીનો વિલન જાફર પણ ઉત્તમ ભાગ ભજવે છે. તેનું પાત્ર મારવાન કેન્ઝ્રી દ્વારા અભિનીત છે. જસ્મીનની સુંદર બહેનપણી - દાલિઆનું પાત્ર નસીમ પેડરેટ દ્વારા અભિનીત છે. અને હા, તમે જાફરના પાલતું પોપટને પણ નજરઅંદાજ નહી કરી શકો.

આ તો વાત થઇ મુવીના પાત્રોની. હવે સ્ટોરીલાઈનની વાત કરું તો - અલાદીન અને જસ્મીનની પ્રેમકથા શરુ તો થાય છે એક ઝૂઠથી પણ પૂરી થાય છે સત્ય, પ્રેમ અને પ્રમાણિકતાથી. કઈ રીતે જાફર અલાદીનને જાદુઈ ચિરાગ લઇ આવવા મોકલે છે અને કઈ રીતે અલાદીનને જીવનભરનો મિત્ર જીની મળી જાય છે તે સુંદર રીતે આ મુવીમાં દર્શાવેલ છે.

આખું મુવી રંગો અને સંગીતથી ભરપુર છે. તમને આ મુવીના દરેક ગીત ગમશે ખાસ કરીને તો જીનીની એન્ટ્રી વખતે - "કેન યોર ફ્રેન્ડસ ડુ ધીસ" વિલ સ્મિથના જ અવાજમાં તમને મજા લાવી દેશે. જો કે મૂવીની શરૂઆત પણ એક ગીતથી જ થાય છે. મૂવીની વાર્તા વિશે વધુ ના કહેતા ચાલો તમને જણાવું કે કઈ રીતે ઘણીવાર બાળકોના મુવીઝ મોટેરાઓને પણ ઘણું શીખવી જાય છે:

૧ ત્રણ વિશ

તમને તો જીનીનો નિયમ ખબર જ છે. જે વ્યક્તિ ચિરાગ ઘસે - જીની માટે તે માલિક. તેમજ જીની તે વ્યક્તિની ત્રણ વિશ પૂરી કરે. બસ અલાદીનને પણ આ જીની મળી જાય છે. તે કઈ ત્રણ વિશ માંગે છે તેના માટે તમારે મુવી જોવું પડશે. પણ અહી તમારે સમજવાનું છે. કલ્પના કરો કે તમારી પાસે જીની આવે તો તમે શું માંગશો? તમારી પાસે જે જવાબ આવે તે ત્રણ ઇચ્છાઓ પર તમારે અત્યારે જીવનમાં સૌથી વધુ મહેનત કરીને હાંસિલ કરવાની છે. ચાલો તો માંગી લો વિશ.

૨ સ્વતંત્રતા

આમ તો જીની દુનિયાનો સૌથી શકિતશાળી વ્યક્તિ કહેવાય પણ તેની બધી જ શક્તિઓ બંધાયેલી. જ્યાં સુધી તેનો માલિક તેને કઈ ના કહે ત્યાં સુધી તે કઈ જ ન કરી શકે. જો તેને આઝાદ કરી દેવામાં આવે તો તે જીવનમાં બધું જ કરી શકે. ઘણીવાર આપણા જીવનમાં પણ એવું થતું હોય છે. આપણી પાસે બધી જ આવડત હોવા છતાં આપણે બંધાઈ ગયા હોઈએ તેવું અનુભવીએ છીએ. પછી તે આપણા વિચારો પણ હોઈ શકે અથવા તો આપણી આસપાસના લોકો. હવે તમારે કરવાનું એ છે કે તમારી અંદરનો જીની જગાડો અને કોઇપણ માલિકની રાહ જોયા વગર જીવન મસ્ત રીતે જીવો.

૩ સાચી સલાહ

અલાદીન જસ્મીનને પ્રભાવિત કરી શકે અને જસ્મીન સાથે લગ્ન કરી શકે તે માટે જીની તેને મહારાજ તો બનાવી દે છે પણ એક સમયે અલાદીન તે ભૂલી જાય છે કે તે સાચે તો રાજા જ નથી જ. આ સમયે જીની તેને સાચા સમયે સાચી સલાહ આપે છે અને પાછો વાળવાનો પ્રયત્ન કરે છે. તમારા જીવનમાં પણ આવા લોકો હોવા જરૂરી છે. જે તમને ખોટે માર્ગે જતા રોકી શકે.

આમ તો આ મુવીને ચારથી વધુ અવોર્ડસ મળી ચુક્યા છે અને દરેક ઉંમરના લોકોને આ મુવી ગમી રહ્યું છે. સાચું કહું તો ઘણીવાર તમે જે જાણો છો તે પણ ફરીથી જોવો તો બની શકે કંઇક નવું શીખવા મળી જાય. તેથી આ મુવી જરૂરથી જોવું જોઈએ.

આભાર

દર્શાલી સોની