દરેક માણસ કોઈને કોઈ સપના કે ઈચ્છાને પૂરી કરવા માટે ભાગતો હોય તેવું જરૂરી નથી. આ દુનિયામાં બહુ ઓછા લોકો એવા છે કે જે પોતાના સપનાઓ પૂરા કરવા માટે દરેક પ્રયત્ન કરશે. એટલું જ નહી, સાથોસાથ સફળતા પણ હાંસિલ કરશે. સામાન્ય રીતે એવું થતું હોય કે કોઈ મૂવી જોઇને કે પછી કોઈ પુસ્તક વાંચીને થોડીવાર માટે મોટીવેટ થઇ જવાય. પણ વાસ્તવિક જીવનમાં પરિસ્થિતિ અલગ હોવાની અને બધાનું મનોબળ પણ એક સમાન નથી હોવાનું.
પણ ઓવેન જેવા લોકો કોઈપણ હાલતમાં સફળતા હાંસિલ કરે છે. હા, તેમાં જેફ જેવા મિત્રોનો ફાળો તો ખરો જ. આજે ૨૦૧૮માં આવેલા એક એવા મૂવીની વાત કરવી છે જેની વાર્તા તો તમને જાણીતી અને અન્ય ઘણા મૂવીઝમાં જોયેલી લાગશે પણ મૂવીના અમુક બાબતો તમને જરૂરથી ગમી જશે.
જેફ અને ઓવેન બાળપણથી જ મિત્રો હોય છે. ઓવેન રેપર બનવા માંગે છે. અને જેફ તેનો ટેલેન્ટ મેનેજર બનીને તેને સફળતા હાંસિલ કરવામાં મદદ કરવા માંગે છે. દરેક સંઘર્ષ કરતા આર્ટીસ્ટની જેમ ઓવેનને પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
એકવાર તો તે હાર માનીને તેના પિતાના કહેવા મુજબ નેવીમાં જવા માટે પણ તૈયાર થઇ જાય છે. તે પોતાના સપના છોડી દેવા પણ તૈયાર થઇ જાય છે. જો કે આવા સમયે તેનો મિત્ર જેફ અને નસીબની કરામત તેને સાથ આપી દે છે અને ઓવેનને સફળતા મળી જાય છે.
આર્ટ જ નહી - કોઇપણ કારકિર્દીના ક્ષેત્રમાં સંઘર્ષ તો હોય જ છે પણ હા એટલું જરૂરથી કહી શકાય કે આર્ટીસ્ટનો સંઘર્ષ થોડો વધુ અઘરો હોય છે તો સફળતા પણ એટલી જ મહામૂલી હોય છે.
સફળતા સુધી પહોચવાનો રસ્તો અઘરો હોય છે. આ રસ્તામાં અનેકવાર વ્યક્તિત્વની ચકાસણી થાય છે. ઘણા લોકો હારી જાય છે, ઘણા લોકોના સંબંધો પણ તૂટી જાય છે - જેફ અને ઓવેન વચ્ચે પણ ઘણા ઝગડા થાય છે - મિત્રતા તૂટવાની હોય છે, સપનાઓ છૂટવાના હોય છે - પણ…..આ મૂવી છે - એટલે તમને એ તો ખબર પડી જ ગઈ હશે કે એન્ડ સારો હોવાનો. જો કે આ એન્ડ સારો હોવાનું કારણ ઓવેનનું ટેલેન્ટ અને જેફની મહેનત તો ખરી જ.
આમ તો મુવીની વાર્તા નવી નથી, પણ હા એટલું જરૂરથી કહી શકાય કે અઠવાડિયાના અંતે - થોડું મોટીવેશન, થોડું હાસ્ય, થોડા રેપ સોન્ગ્સ, થોડું હળવું મૂવી. થોડી મિત્રતાનો ડોઝ લેવાની ઈચ્છા હોય તો આ “આફ્ટર પાર્ટી” મૂવી જોવું જોઈએ.
મૂવીનું નામ “આફ્ટર પાર્ટી” શા માટે છે તેનું કોઈ ચોક્કસ કારણ ધ્યાનમાં આવેલ નથી પણ મૂવી જોઇને એટલું તારણ કાઢી શકાય કે - જરૂરી નથી કે તમને તરત સફળતા મળે જ, જરૂરી નથી કે તમે દરેક વખતે સાચો દરવાજો જ ખખડાવતા હો, જરૂરી નથી કે તમને ક્યારેય સારી તક નહી જ મળે - ઘણીવાર પાર્ટી પૂરી થાય પછી ખરી પાર્ટી - “આફ્ટર પાર્ટી” શરુ થતી હોય છે.
ઘણીવાર તમને જયારે એવું લાગે કે હવે કોઈ તક કે સમય કે પરિસ્થિતિ સાથ નહી આપે ત્યારે જ સફળતા દરવાજા પર ઉભી હોય છે. આવી નાની નાની વણકહેલી વાતો તમને મૂવીમાંથી શીખવા મળી જશે.