અબાઉટ ટાઈમ - પ્રેમની અલગ પરિભાષા
કલ્પના કરો કે તમે એક એવા રેસ્ટોરાંમાં તમારી પહેલી ડેટ પર જાવ છો જ્યાં સાવ અંધારું હોય છે. અને તમારે તેની સાથે જમવાનું છે. હા, રેસ્ટોરાંની થીમ જ એવી છે કે અંધારું હોય. તમે આની પહેલાં ક્યારેય ડેટ પર ગયેલા જ નથી તેથી તમને એ પણ ખબર નથી કે ડેટ પર શું કરવાનું હોય. આમ છતાં તમે તે છોકરીના પ્રેમમાં પડી જાવ તો?
હજુ એક વધુ કલ્પના કરો કે, તમારી પાસે એવી કોઈ શકિત આવી જાય કે તમે ટાઈમ ટ્રાવેલ કરી શકો. તમે ભૂતકાળમાં પાછળ જઈને તમે જે ઈચ્છો તે બદલાવી શકો તેવી શક્તિ તમને મળી જાય તો? બસ આવી કલ્પનાઓથી ભરેલું મુવી એટલે "અબાઉટ ટાઈમ"
૨૧ વર્ષનો ટીમ અચાનક જ એ અનુભવ કરે છે કે તે ટાઇમ ટ્રાવેલ કરી શકે છે. તેથી તે તેનો ફાયદો ઉઠાવવાનું વિચારે છે. તેના જીવનમાં આવે છે મેરી નામની છોકરી. બંને પ્રેમમાં પડે છે. બંનેના લગ્ન થાય છે કે નહી અને બંનેની લવસ્ટોરી કેવો વણાંક લે છે તે માટે તો તમારે મુવી જ જોવું રહ્યું. જો કે આ મુવી આવેલું છે ૨૦૧૩માં પણ તેમાં ઘણી સારી માર્મિક વાતો શીખવા જેવી સમજવા જેવી છે. તો ચાલો જાણીએ શું કહે છે - "અબાઉટ ટાઈમ".
૧ તમે શું કરશો?
મુવી તો કલ્પનાઓનો ભંડાર છે. માની લો કે તમારી પાસે પણ ટાઈમ ટ્રાવેલની શક્તિ આવી જાય તો તમારા જીવનમાં એવું કઈ છે જે તમે પાછળ જઈને બદલાવવા અથવા સુધારવા અથવા તો વધુ સારું બનાવવા માંગશો? આ મુવી જોયા બાદ તમે એ નક્કી કરો કે તમે શું કરશો - એવું કઈ કે જે તમે પેલા ક્યારેય ન કર્યું હોય?
૨ ખૂશીનું રહસ્ય
એક વખત મુવીમાં ટીમને પૂછે છે કે તેના માટે ખૂશી એટલે શું? ત્યારે તે ખુશીનું બહુ જ સુંદર રહસ્ય સમજાવે છે. દરેક દિવસને અને દરેક પળને પૂરેપૂરા સમર્પણથી જીવી લેવું અને બધી જ પળોને માણવી તેને જ તો ખૂશી કહેવાય. તમારા માટે ખુશીની વ્યાખ્યા અલગ હોય તેવું પણ બની શકે છે. તમે પણ શોધી લો તમારી વ્યાખ્યા.
૩ ડર અને પ્રેમ
તમે પ્રેમ માટે ક્યારેય તૈયારી ન કરી શકો. એ જ રીતે ડર માટે પણ અગાઉથી તૈયારી ન કરી શકો. પ્રેમ પણ અણધાર્યો જ આવે અને ડર પણ અણધાર્યો જ આવે છે. ટીમને એવો ડર હતો કે તે મેરીને મેળવી શકશે કે કેમ - મુવી જોશો એટલે ખ્યાલ આવશે કે એવું ખરેખર થાય છે કે નહી.
૪ તમે શું બદલાવશો?
લોકોને જીવનમાં કંઇક તો એવું હોય જ છે કે જેને તે બદલાવવા કે સુધરવા માંગતા હોય. જો કે તેના માટે તમારી પાસે ટીમની જેમ ટાઇમ ટ્રાવેલની શક્તિ હોય જ છે તે જરૂરી નથી. તમે પણ હજુ બદલાવ તો લાવી જ શકો. જીવન એટલું અઘરું પણ નથી. ટીમને પણ તેના પ્રેમમાં સફળતા મળે જ છે.
૫ સમય
મૂવીનું નામ જ અબાઉટ ટાઈમ છે. જીવનમાં પ્રેમ હોય કે કારકિર્દી હોય કે પરિવાર હોય - સમય બહુ જ મહત્વનો છે. સાચો સમય ચૂકી જ જવો અને ખોટા સમયમાં સંભાળી લેવું તે જ તો સાચું જીવન છે. આ મુવી આમ તો લવસ્ટોરી છે પણ અમુક ફિલોસોફી તમને જરૂરથી ગમી જશે.
આ મુવીમાં મેરીનું પાત્ર પ્રખ્યાત અભિનેત્રી રેચલ મેકએડમે નિભાવ્યું છે. અને આખા અઠવાડિયાના થાક પછી ૨ કલાકનું એક રોમેન્ટિક મુવી જોઈ નાખવું ખોટું તો નથી જ. એકવાર આ મુવી જોઇને સમયની મહત્વતા તો શીખી જ જશો.
આભાર
દર્શાલી સોની