અ સન ઈઝ ઓલ્સો અ સ્ટાર – થોડા રોમાન્સ હો જાયે!
૨૦૧૯માં ટીન લવ પર એક મસ્ત મુવી આવ્યું. મૂવીનું નામ પણ અનોખું. સૂર્ય પણ તારો જ છે. મૂવીનું નામ આવું શા માટે તેની આગળ ચર્ચા કરશું. મૂવીની વાત કરું તો બે પાત્રો – નતાશા – એક જીજ્ઞાસાથી ભરપુર અને પોતાની વિજ્ઞાનની દુનિયામાં જીવતી છોકરી. જે તેના માતા-પિતા ન્યુયોર્કમાં રહી શકે તેના માટે લડત આપતી હોય. કારણ કે તેઓ પાસે ત્યાં રહેવા માટે કાયદાકીય મુશ્કેલીઓ આવતી હોય છે.
અચાનક જ તેના જીવનમાં ફિલ્મી એન્ટ્રી થાય ડેનિયલની. જે વિજ્ઞાન કરતા નસીબને વધુ મહત્વ આપતો હોય. સાથોસાથ તેના માતા-પિતાના કહેવાથી ડોક્ટર બનવા નીકળેલો ડેનિયલ પણ નતાશાની જેમ દુનિયામાં ખોવાયેલો છે. બંને મળે છે, પ્રેમમાં પડે છે, છુટા પડે છે, ફરીથી પ્રેમમાં પડે છે અને આગળ શું થાય છે તે જાણવા માટે તો તમારે મુવી જ જોવું રહ્યું. મુવીમાં તે બંનેના પ્રેમમાં એક સમય નામનું એલિમેન્ટ મસ્ત રીતે વણી લીધું છે. જેના લીધે તમને મુવી જોવાની વધુ મજા આવશે.
મુવીના એક સીનમાં નતાશા અને ડેનિયલ તારાઓની વાતો કરતા હોય છે. ત્યારે નતાશા પોતાના મનના ખુલ્લા વિચારો રજુ કરતી હોય છે. એ સમયે તેણી જણાવે છે કે આપણે શા માટે સૂર્ય પર કવિતાઓ નથી લખતા. શા માટે સૂર્યને મહત્વ નથી આપતા. શા માટે આપણે તેને રોમાન્સ સાથે નથી જોડી શકતા. સૂર્ય પણ એક સ્ટાર જ છે ને. અહી સૂર્યને એક સાંકેતિક શબ્દ માનીને તમે જે ફિલોસોફી સમજવા માંગતા હો તે સમજી શકો છો. આપણે અન્ય જાતિ અને રંગના લોકોને શા માટે નથી સ્વીકારતા, આપણે શા માટે ખુલીને પ્રેમને નથી સ્વીકારતા, આપણે શા માટે જીવનની દરેક લાગણીઓને જેમ છે તેમ નથી સ્વીકારતા – આવા કોઇપણ મતલબ તમે લઇ શકો છો. અને કઈ જ મતલબ ન લેવો હોય તો આરામથી મસ્ત રોમેન્ટિક મુવીને માણી શકો છો. તો શરુ કરીએ:
૧ પ્રેમ યુનિવર્સલ છે.
તે રંગ, જાતિ, ઉમર, સમય, પરિસ્થતિ જોતો નથી. પ્રેમ તો બસ થઇ જાય છે. તેને રોકી શકાતો નથી. પ્રેમ રોકવો પણ શા માટે જોઈએ? કુદરતે આપેલ સૌથી અમુલ્ય લાગણી પ્રેમ છે. નતાશા અને ડેનિયલ પણ પ્રેમમાં પડે છે. પ્રેમ પૂછીને આવતો નથી અને કહીને જતો નથી. પ્રેમનો તો બસ સ્વીકારવાનો હોય છે. નતાશા અને ડેનિયલ પ્રેમને સ્વીકારી શકે છે?
૨ યાદો
જીવનમાં યાદોનું સૌથી વધુ મહત્વ હોય છે. ૧૦ વર્ષ પહેલા પાડેલો એક ફોટો તમારી સામે આવે તો પણ તરત જ તમે તે જ ઘટના અને સમયમાં પહોંચી જાવ છો. તે સમયે તમને જે લાગણી અનુભવતા હતા તેમાં ખોવાઈ જાવ છો. નતાશા અને ડેનિયલ જે દિવસે મળે છે તે દિવસ આખો સાથે રહે છે. અને ઘણા ફોટા પાડે છે. આ યાદો નતાશાને ક્યારે કામમાં આવે છે તે તમે જ જોઈ લેજો. કહેવાનું ખાલી એટલું જ છે કે જયારે પણ જીવનમાં તક મળે ત્યારે મહત્તમ યાદો બનાવી લો. કારણ કે એકવાર તમે તે સમય જતો રહ્યો પછી તેને રોકી નહી શકો. યાદો એક જ માધ્યમ એવું છે કે જેના થકી તમે તે જ ક્ષણને ફરીથી જીવી શકશો.
૩ વિજ્ઞાન અને નસીબ
ઘણા લોકો વિજ્ઞાનને જ માને છે. તેઓ કહે છે કે અમે મારું નસીબ જાતે જ ઘડીશું. પછી આવા જ લોકોના જીવનમાં કંઇક એવો ચમત્કાર થાય છે કે તેઓ નસીબમાં માનતા થઇ જાય છે. મારે અહી આખા જીવનની વાત નથી કરવી. ખાલી પ્રેમની વાત કરવી છે. પ્રેમમાં નસીબ કામ કરે છે? હું કહીશ હા – ઇતીફ્ફાક કહો કે નસીબ કહો. તમે જ વિચારો – અચાનક જ તમારા જીવનમાં પ્રેમ કઈ રીતે એન્ટ્રી લે છે? તમને જવાબ મળી જશે.
આ એક મસ્ત મજાનું ટીન લવ મુવી છે. તેમાંથી જીવનના કોઈ મોટા પાઠો નથી શીખી લેવાના. હા પણ એક બાબત પણ સમજી લેશો તો જીવન વધુ સુંદર થઇ જશે. પ્રેમ, લાગણીઓ, યાદો – આ બધા થકી જ તો જીવન જીવવાની મજા છે.
આભાર
દર્શાલી સોની