A Star is born

a star is born by darshali soni.png

અ સ્ટાર ઈઝ બોર્ન - એક મ્યુઝીકલ લવિંગ જર્ની

ઓસ્કાર પરફોર્મન્સના વિડિયોઝ વાઈરલ થઇ રહ્યા છે. અનેક ઉત્તમ અભિનેતા અને અભિનેત્રીઓની સ્પીચથી માંડીને બ્રેડલી કુપર અને લેડી ગાગાનું પરફોર્મન્સ યુટ્યુબ પર ધૂમ મચાવી રહ્યું છે. આપણા માટે ખૂશીની વાત એ પણ છે કે એક ઇન્ડિયન શોર્ટ ફિલ્મને પણ આ વર્ષે ઓસ્કાર મળેલ છે. તેની વાત પછી કયારેક. આજે એક સરસ મજાના ૨૦૧૮માં આવેલ "અ સ્ટાર ઈઝ બોર્ન" નામના મુવીની વાત કરવી છે. જો તમે સંગીતના શોખીન હશો અને હોલીવુડમાં બ્રેડલી કુપર તમારો પ્રિય અભિનેતા હશે તો આ મુવી તમને જરૂરથી ગમશે.

મૂવીની સ્ટોરી કઈ અલગ નથી. એક સમયનો સફળ મ્યુઝીશિયન જેક ડ્રગ્સ અને આલ્કોહોલમાં ખોવાઈ ગયો છે અને તેની કારકિર્દીનો અંત આવી ગયો હોય છે. માત્ર તેનો મેનેજર બોબી તેને મદદ કરતો હોય છે. આવા સમયે જેક એક બારમાં જાય છે. ત્યાં તે લેડી ગાગા દ્વારા અભિનીત એલીનું પરફોર્મન્સ જુએ છે. તે એલીના ટેલેન્ટથી ખૂબ જ પ્રભાવિત થઇ જાય છે. ત્યારબાદ જેક તેને મદદ કરીને પ્રખ્યાતી હાંસિલ કરવામાં અને સફળ થવામાં મદદ કરે છે અને બંને વચ્ચે પ્રેમ પણ થાય છે. તમે આ પ્રકારની સ્ટોરીવાળા ઘણા મુવીઝ જોયા જ હશે. પણ આ મુવીમાં અલગ એટલું છે કે બ્રેડલી કુપર સફળ અભિનેતા હોવાની સાથોસાથ એક ઉત્તમ ગાયકનો રોલ નિભાવી જાણે છે અને લેડી ગાગા એક સફળ ગાયિકા હોવા છતાં ઉત્તમ એક્ટિંગ કરી જાણે છે.

આ મુવીના બધા જ ગીતો ખૂબ જ પ્રખ્યાત થઇ રહ્યા છે અને દરેક ગીતના લીરીક્સ પણ ઉત્તમ છે. તેમાંથી પણ "ટેલ મી સમથીંગ ગર્લ" ગીત અને તેનું ઓસ્કાર પર્ફોમન્સ તો ઉત્તમ છે. તો ચાલો જાણીએ શું શીખવે છે આપણને જેક અને એલી:

૧ લા વિઆ એન રોઝ

આ શબ્દ જો તમે "હાઉ આઈ મેટ યોર મધર" સીરીઝ જોઈ હશે તો જાણતા જ હશો. જેનો મતલબ થાય છે - લાઈફ ઇન પિંક. એક એવું જીવન જેમાં ખુશીઓ છે અને પ્રેમ છે. ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે એક સામાન્ય જીવન જીવન જીવી રહ્યા હોય અને બધા સપનાઓને એક તરફ મૂકી દીધા હોય અને પછી અચાનક કોઈ જીવનમાં આવે એટલે જીવન એકદમ સુંદર બની જાય છે. એલીએ પણ પોતાના સિંગર બનવાના સપનાને છોડી દીધું હોય છે અને જેક તેના જીવનમાં આવીને તેણીને એક સફળ ગાયિકા બનાવી દે છે.

૨ પ્રેમ અને પ્રખ્યાતી

જીવનમાં જયારે પ્રખ્યાતી મોટાભાગની જગ્યા લઇ લેતું હોય ત્યારે પ્રેમ અને પ્રખ્યાતી વચ્ચે કેટલું સંતુલન જાળવી શકાય છે તે એક વિચારવા જેવો પ્રશ્ન થઇ જતો હોય છે. તમે અનેક મૂવીઝમાં જોયું હશે કે બંનેમાંથી એક પાત્ર પ્રખ્યાતીના શિખરો સર કરી રહ્યું હોય અને તેઓના પોતાના અંગત સંબધોમાં તિરાડ પડી રહી હોય. શું એલી અને જેક વચ્ચે પણ એવું જ થશે? આ માટે તો તમારે મુવી જોવું જ રહ્યું.

૩ વિશ્વાસ

આ મુવીનો સૌથી પ્રખ્યાત ડાયલોગ જેકનો છે. જે તે વારંવાર એલીને કહેતો હોય છે - " ઓલ યુ ગોટા ડુ ઈઝ ટ્રસ્ટ મી." ઘણીવાર જયારે આપણને આપણી જાત પર વિશ્વાસ નથી હોતો ત્યારે આપણને કોઈ બીજામાં વિશ્વાસ કરવાની જરૂર પડે છે. જયારે એલીને પોતાના પર વિશ્વાસ નહોતો ત્યારે તે જેક પર વિશ્વાસ રાખીને ઉત્તમ પરફોર્મન્સ આપવાનો પ્રયત્ન કરે છે અને સફળતા મેળવે છે. પોતાનામાં વિશ્વાસ અને જેને તમારામાં વિશ્વાસ હોય તેના પર વિશ્વાસ - આ બન્ને જીવનમાં મહત્વના છે.

૪ મ્યુઝીક

ઘણીવાર આ બાબતે ઉલ્લેખ મે કરેલો છે કે મ્યુઝીક તમને હિલ કરી શકે છે. ઘણીવાર મ્યુઝીક જ તમને ખૂશી આપી શકતું હોય તેવું પણ બની શકે. એવું જરૂરી નથી કે તમને મ્યુઝીકનું પૂરતું જ્ઞાન હોય તો જ તમે તેને માણી શકો. આ મુવીના બધા જ ગીત તમને અલગ દુનિયામાં લઇ જશે અને તમારા પ્લેલીસ્ટમાં લાંબો સમય સુધી સ્થાન મેળવશે.

મ્યુઝીક માટે જ નહી પણ બ્રેડલી કુપરની અને લેડી ગાગાની ઉત્તમ કેમેસ્ટ્રી માણવા માટે આ મુવી જરૂરથી જોવું જોઈએ.

આભાર

દર્શાલી સોની