A family man

જોબ પ્લેસમેન્ટની એક કંપનીમાં અતિ ઉત્સાહી કર્મચારી ડેન જેન્સન પોતાના સપના પૂરા કરવા પાછળ ભાગી રહ્યો છે. તેને જોબ પ્લેસમેન્ટની કંપની જ પોતાની કરી લેવી હોય છે. ત્યાં અચાનક જ તેનો ૧૦ વર્ષનો દીકરો રાયન લુકેમિયાથી પીડાય છે તેવી તેને જાણ થાય છે. – પછી ડેન કઈ રીતે એક પેસનેટ ધંધાર્થીમાંથી ફેમેલી મેન બને છે તેની કહાની એટલે – “ધ ફેમેલી મેન”. આ મુવીના ડીરેક્ટર માર્ક વિલિયમ્સ છે. તેણે આ મુવીમાં દરેકના જીવનમાં બનતી રોજબરોજની ઘટનાને સુંદર રીતે આવરી લીધી છે. ડેન જેન્સનનું પાત્ર ગેરાલ્ડ બટલરએ નિભાવેલ છે. બધી કંપનીમાં એક હરીફ તો હોવાનો જ એ જ રીતે ડેનની હરીફ તેની સહકર્મચારી લિયેન હોય છે. તેણીનું પાત્ર એક ઉત્તમ હરીફની સાથોસાથ એક સારી મિત્ર તરીકે દર્શાવવામાં આવ્યું છે. ડેનની પત્ની એલીસ એક સુંદર ઘરરખું પત્ની છે. જયારે ડેનને તેના પુત્ર રાયનના લુકેમિયા વિશે ખ્યાલ આવે છે ત્યારે જ તેને નોકરી કરતા કુટુંબનું મહત્વ સમજાય છે. આ મુવીમાં રાયનના ડોક્ટરનું પાત્ર અનુપમ ખેરએ નિભાવેલ છે. ચાલો જાણીએ આ “અ ફેમેલી મેન” શું શીખવે છે:

૧ પ્રાયોરીટી

અનેક લોકોના જીવનમાં ધંધો, કારકિર્દી અને સપના વધુ મહત્વના હોય છે. તેઓ સપના પૂરા કરવાની હોડમાં પોતાનું કુટુંબ ભૂલી જાય છે. તેની પ્રાયોરીટીમાં કુટુંબ કરતા તેની કારકિર્દી પહેલા આવે છે. ડેન તેની કંપનીના ટાર્ગેટ પૂરા કરવામાં એટલો વ્યસ્ત રહેતો કે તે રાયન અને તેની પત્ની એલીસને મહત્વતા જ ન આપી શક્યો. જયારે રાયનને લુકેમિયા થયો ત્યારે ડેનને કુટુંબના પ્રેમ અને લાગણીની મહત્વતા સમજાઈ.

૨ કામ અને જીવન વચ્ચે સંતુલન

ડેન તેના જીવનનો મહત્તમ સમય તેની નોકરીમાં જ વિતાવતો. તેના બોસએ ક્યારેય લગ્ન નહોતા કર્યા. કારણ કે તે જાણતા હતા કે જે વ્યક્તિ તેની કારકિર્દીને કુટુંબ કરતા વધુ મહત્વ આપતા હોય તો લગ્ન ન કરવા જોઈએ. અથવા તો કામ અને કુટુંબ વચ્ચે સંતુલન કરતા શીખવું જોઈએ. ડેન તેના કુટુંબને સમય નહોતો આપતો. તેની પત્ની એલીસ હંમેશા કહેતી – તેને ડેન સાથે સમય વિતાવવો ગમતો આમ છતાં ડેન તેણીને અને તેના પુત્રને સમય ન ફાળવી શકતો.

૩ કુટુંબનું મહત્વ

જયારે રાયન બીમાર પડે છે અને દવાખાનામાં હોય છે ત્યારે ડેન આખો દિવસ રાયન સાથે જ રહે છે અને ત્યાં હોસ્પિટલમાં રહીને જ પોતાના નોકરીના ટાર્ગેટ પૂરો કરવાનો પ્રયત્ન કરે છે. તેને એવી આશા જ નથી હોતી કે રાયન બચી શકશે. તેથી તે ખૂબ જ હતાશ થઇ જાય છે અને મહત્તમ સમય રાયન સાથે વિતાવવાનું નક્કી કરે છે. મોટાભાગે કારકિર્દીને વધુ મહત્વ આપતા લોકોને મુશ્કેલીના સમયમાં જ કુટુંબનું મહત્વ સમજાય છે.

૪ યાદો

જીવનમાં નાની નાની યાદો અને ઘટનાનું ખૂબ જ મહત્વ હોય છે. આમ તો ડેન તેના વ્યસ્ત કામના કારણે રાયન સાથે સમય ન વિતાવતો. પરંતુ જયારે રાયન બીમાર પડે છે ત્યારે ડેન તેની સાથે ઘણી ખુશીની ક્ષણો વિતાવે છે. ત્યારે તેને નાની નાની ખુશીઓનું મહત્વ સમજાય છે.

આખા મુવીનું કહેવાનું તાત્પર્ય ખૂબ જ સરળ છે. આજની દોડઘામભરી જિંદગીમાં અને પૈસાની પાછળ ભાગવામાં લોકો તેના કુટુંબ સાથે સમય વિતાવવાનું ભૂલી જાય છે. આવા સમયે લોકોએ પોતાની કારકિર્દી અને કુટુંબ વચ્ચે સંતુલન કઈ રીતે કરવું તે શીખવાની જરૂર છે.

આભાર

દર્શાલી સોની