અ બોય કોલ્ડ સેઈલબોટ - એક હ્રદયસ્પર્શી કહાની
એક નાનો એવો છોકરો નાનપણથી જ સંગીતની સમજ લઈને જન્મે. બહુ જ નાની ઉંમરમાં તેને ગિટાર વગાડતો અને ગીત ગાતો સાંભળવા આખું ગામ આવે. એક સામાન્ય ઘરના માતા-પિતા સાંભળવા આવેલા મહેમાનો માટે મીટબોલ્સ બનાવે. છોકરાનું ઘર બંજર વિસ્તારમાં. એક લાકડીના ટેકે અટકેલું હોય. જો લાકડીનો ટેકો હલે તો ઘર પડી જાય. છોકરાની દાદીમાં હોસ્પિટલમાં હોય. તે નાનો ટબુડિયો તેના નાના એવા ગિટારને લઈને દાદી માટે ગીત બનાવે. તે ગીત આખા ગામમાં પ્રખ્યાત થઇ જાય. અંતે તે ગીત સંભળાવવા માટે દાદી પાસે જાય. દાદી કોમામાં હોય. આમ છતાં તે ગીત ગાય. પછી દાદી મરી જાય અને બાળક પોતાનું ગિટાર ત્યાં જ છોડીને જતો રહે. - મુવી પૂરું.
તમને વાર્તા વાંચીને એમ થશે કે આવું થોડી મુવી હોય? અથવા તો આ કોઈ સત્ય ઘટના હશે અથવા તો આ કોઈ શોર્ટ ફિલ્મ હશે. પણ ના, આ બધી વાત ખોટી. "અ બોય કોલ્ડ સેઈલબોટ" મે જોયેલા અત્યાર સુધીના બધા મુવીઝમાંનું સૌથી સ્વીટ મુવી છે.
બાળકનું નામ મુવીમાં સેઈલબોટ છે. મુવીના છેલ્લા સીનમાં દેખાડે છે કે શા માટે તેનું નામ સેઈલબોટ છે. તેને નાનપણથી સેઈલબોટ બહુ જ ગમે. કારણ કે તે જયારે જન્મ્યો ત્યારે તેની દાદીએ એક છોકરો અને સેઈલબોટનો ફોટો તેના ઘોડિયામાં લગાવ્યો હતો. જો કે સેઈલબોટ અને તેના માતા-પિતા જે વિસ્તારમાં રહેતા હતા ત્યાં દૂર દૂર સુધી કોઈ દરિયો પણ નહોતો. તેઓ રણ વિસ્તારમાં એક સામાન્ય જીવન જીવતા હતા. આમ છતાં તેને બોટનો મોહ હતો.
મુવીમાં નાની નાની ડીટેલ પણ સુંદર પાઠો આપે છે. અને નાના એવા છોકરાના ડાયલોગ્સ - બધા એક એકથી ચડિયાતા છે. મુવી વિશે બધું જ નથી કહી દેવું. તમને ઓફબીટ મુવી ગમતા હોય તો આ મુવી જરૂરથી ગમશે. તો ચાલો જાણીએ શું શીખવે છે નાનો એવો સેઈલબોટ:
૧ શોધ અને પ્રાપ્તિ
સેઈલબોટના દાદીમા કહેતા કે - "જયારે આપણે કોઈની કે કશાની શોધમાં ના હોય ત્યારે જ આપણને કંઇક મળે છે. તેવું જ કંઇક સેઈલબોટ સાથે થયું. તે કઈ શોધતો નહોતો. આમ છતાં તેને નાનું એવું ગિટાર મળી ગયું. તેનો મિત્ર પીટી હંમેશા કંઇકને કંઇક શોધતો રહેતો. જીવનમાં પણ એવું હોય છે - ક્યારેક ભગવાન સરપ્રાઈઝ પણ આપી દે.
૨ કારણ અને અસર
સેઈલબોટના દાદીમા કહેતા કે - "અમુક વસ્તુ એટલા માટે થાય છે કે જેથી કરીને અમુક બીજી વસ્તુ અસ્તિત્વમાં આવી શકે." ટૂંકમાં આપણા જીવનમાં જે કંઈપણ સારું કે ખરાબ થાય તેની અસર તો આવે જ છે. જેને તમે કોલેટરલ બ્યુટી કે કોલેટરલ ડેમેજ પણ કહી શકો.
૩ પ્લેટફોર્મ
ઘણીવાર જીવનમાં એવું થતું હોય કે વ્યક્તિમાં આવડત તો હોય છે પણ તેને યોગ્ય પ્લેટફોર્મ મળતું નથી. જો કે સેઈલબોટને અજાણ્યા રસ્તા પર તક મળી જાય છે. તે તેની દાદીને મળવા માંગતો હોય છે. તેથી એકલો રસ્તા પર નીકળી પડે છે અને એક ભાઈ કાર લઈને જતા હોય છે તેને તે મળી જાય છે. તે ભાઈ તેનું ગીત સાંભળે છે અને પ્રભાવિત થઇ જાય છે. તે કારવાળા ભાઈ રેડીઓમાં કામ કરતા હોય છે અને સેઈલબોટને ત્યાં લઇ જાય છે. પછી શું થાય છે તે માટે તમે મુવી જોઈ લેજો.
૪ હેતુ
જીવનના બહુ મોટા મોટા હેતુ હોવા જરૂરી નથી. જીવનના નાના નાના હેતુથી પણ સુંદર જીવન બને છે. જેમ કે સેઈલબોટને જયારે ગિટાર મળ્યું ત્યારે તેના દાદી થકી તેને એવો હેતુ મળ્યો કે "દાદી માટે ગીત બનાવવું." બસ તે એક હેતુમાં તેની આવડત લોકો સામે આવી ગઈ, તેના કુટુંબની જીવનશૈલી સુધરી ગઈ અને સાથોસાથ તેના દાદીની ઈચ્છા પણ પૂરી થઇ ગઈ.
આ મુવીને અત્યાર સુધીમાં પાંચ અવોર્ડ મળ્યા છે. ગિટારનું મળવું, ઘર એક લાકડી પર ટકેલું હોવું, સેઈલબોટનો એક મિત્ર હોવો, સેઈલબોટને એક છોકરી પસંદ કરતી હોય, તેને એક રેડીઓ જોકી મળવો, તેના પિતાને ઘોડાના સપનાઓ આવવા - આ બધાની પાછળ એક મર્મ છુપાયેલો છે. બસ આ સમજવા અને જીવનમાં કંઇક મસ્ત શીખી લેવા માટે આ મુવી જરૂરથી જોવું જોઈએ.
આભાર
દર્શાલી સોની