500 days of summer

500 days of summer by darshali soni.jpg

૫૦૦ ડેયઝ ઓફ સમર જીવનએ આપેલું એક વેકેશન

ટોમ અને સમરનું ૫૦૦ દિવસનું પ્રેમ પ્રકરણ; ૨ ગોલ્ડન ગ્લોબ વિજેતા મુવી એટલે ૫૦૦ ડેયઝ ઓફ સમર. એક છોકરો અને છોકરો મળે – છોકરાને પ્રેમ થઇ જાય અને છોકરીને પ્રેમ ન થાય – પ્રેમ કરો, દેવદાસ બનો અને ફરી પાછા પ્રેમમાં પડો – આવી કંઇક કહાની એટલે ૫૦૦ ડેયઝ ઓફ સમર. તો ચાલો આ ૫૦૦ દિવસની યાત્રા આપણને શું શીખવાડે છે:

૧ સંયોગ

શું જીવનમાં બધું જ કોઈ કારણોસર થાય છે? કે બધું માત્ર એક સંયોગ -  કોઈન્સીડન્સ છે? જીવનની દરેક ઘટનાને ધ્યાનથી જોશો તો – ઘણીવાર બધું ચમત્કાર જેવું લાગશે તો ઘણીવાર બધા જ તર્ક અને કારણોથી જવાબ મળી જશે. ટોમ અને સમરનું પ્રેમમાં પડવું અને અલગ પડી જવું,- શું છે ખરેખર પ્રેમની વ્યાખ્યા? તમે પણ તમારા ભૂતકાળમાં જઈને જોઈ શકો છો કે જીવનની દરેક ઘટના અને પરીસ્થિતિના જવાબ આપણી પાસે નથી હોતા. માની લો કે બધું સંયોગ છે અથવા તો માની લો કે બધું જ તાર્કિક છે. આ બંનેમાંથી જે માન્યતાને તમે બિરદાવશો તેવી દુનિયા તમને દેખાશે.

૨ મુવીઝ, સોંગ્સ અને બુક્સ એક ભ્રમ કે વાસ્તવિકતા

મોટાભાગની યુવાપેઢી મુવીઝ, સોંગ્સ અને બુક્સને જ વાસ્તવિકતા માની બેસે છે. આ ત્રણ તોફાની તત્વો તમારું જીવન તારી પણ શકે છે અને ડુબાડી પણ શકે છે. કોઈપણ મુવી કે પુસ્તકમાં પ્રેમમાં “હેપી એન્ડીંગ” જ હોય તેનો મતલબ એમ નથી કે વાસ્તવિકતામાં પણ એવું જ થાય. ટોમ અને સમરની પ્રેમ કહાની કંઇક અલગ જ વળાંક લે છે. તમારા જીવનમાં પણ આવું થઇ શકે. કોઈપણ મુવીઝ, સોંગ્સ અને બુક્સની કથાને તમારા પર કેટલી હદે હાવી થવા દેવી તે તમારા જ હાથમાં છે.

૩ નફરત પછીનો પ્રેમ અને પ્રેમ પછીની નફરત

કહેવાય છે કે જેટલી સિદ્દતથી પ્રેમ થાય એટલી જ સિદ્દતથી નફરત પણ થાય છે. ટોમ તો પ્રેમમાં પડી ગયો પણ સમર તો પ્રેમમાં માનતી જ ન હતી. એકવાર દિલ તૂટ્યા પછી ટોમની હાલત શું હતી અને તે તેમાંથી કઈ રીતે બહાર આવે છે તે આ મુવીમાંથી શીખવાનું છે. જીવનમાં જોવા જઈએ તો પ્રેમ અને નફરત એમ બંને લાગણીનું પોતાનું આગવું મહત્વ છે. બંનેમાંથી કોઈપણ લાગણીની અતિશયોક્તિ અંતમાં અફસોસ જ આપે છે.

૪ સાચો પ્રેમ

આજના યુવાપેઢીમાં “સાચો પ્રેમ” અને “સોલમેટ” નો કન્સેપ્ટ બહુ ચાલ્યો છે. પણ શું ખરેખર સાચા પ્રેમ જેવું કઈ હોય છે?આજના જમાનામાં તો એક પછી એક લોકો રીલેશનમાં આવતા જ રહે છે. તેમજ લગ્ન પછી પણ વફાદારીની કોઈ ખાતરી નથી હોતી. આવા સમયમાં સાચા પ્રેમ નામના શબ્દ પર વિશ્વાસ કરવો પણ એક મુર્ખામી કઈ શકાય. ટોમને પણ આ સત્ય મુવીના અંતમાં સમજાય છે.

૫ શા માટે ભાગવું?

મોટાભાગે આપણો પ્રેમ જતાવવા માટે આપણે ભેટ અને અન્ય સરપ્રાઈઝનો સહારો લઈએ છીએ. શા માટે બોલીને પ્રેમ એક્સપ્રેસ નથી કરતા? શા માટે પોતાની જ લાગણીઓથી ભાગીએ છીએ? ટોમએ તો પોતાની લાગણી એક્સપ્રેસ કરી દીધી. લાગણી નહિ એક્સપ્રેસ કરો તો નહિ કર્યાનો જીવનભર અફસોસ રહેશે. પણ એકવાર પ્રયત્ન કરવામાં કઈ જ ખોટું નથી. કૃષ્ણ કહે છે તેમ પરિણામની ચિંતા ન કરો.

આમ તો પ્રેમ પર લખવું અને તેના ખરા અમલમાં બહુ મોટો ફરક છે. આ મુવીમાં ટોમને ૫૦૦ દિવસ સમર સાથે વિતાવવા મળે છે તે મહત્વના છે કે જીવનભરનો સાથ? તે વિચારવું રહ્યું. ઘણીવાર સમયને ચોરીને જીવન જીવી જવાતું હોય છે. તમે શું કરી રહ્યા છો? – સમયને ચોરીને પ્રેમ કે પછી સમયનો બગાડ?

આભાર

દર્શાલી સોની