વાસ્તવિકતામાં જીવો છો કે પછી ભ્રમમાં?

champion board by darshali soni.jpg

કલ્પના કરો કે એક વ્યક્તિ તેના સપનાઓ માટે બહુ જ મહેનત કરી રહ્યું છે. તેને એવું લાગે છે કે તે સાચી દિશામાં સાચા પ્રયત્નો કરી રહ્યું છે. તેથી જરૂરથી તેને સફળતા મળશે જ. પણ અચાનક જ તેના જીવનમાં એક ગુરુ આવે અને તેને થોડા સવાલો પૂછે. ત્યારે તે વ્યક્તિને સમજ પડે કે તે તો ખરેખર ભ્રમમાં જીવતો હતો. તે જેને વાસ્તિવકતા માનતો હતો તે તો ભ્રમ હતો. તેની આંખો ઉઘડી જાય અને તે સાચી દિશામાં ઘોડાઓ દોડાવીને ખરેખર સફળતા પામે. બસ ફર્ક એટલો હતો કે તેને કોઈ વ્યક્તિએ આવીને ભ્રમ અને વાસ્તવિકતા વચ્ચેની પાતળી ભેદરેખા સમજાવી દીધી અને તે ભ્રમમાં વંડોળમાં ફસાયો નહી. બની શકે તમે પણ એ વ્યક્તિ જ હો.

આજે આપણે એવા જ કંઇક સિક્રેટ નંબર એકની વાત કરીશું - "મહાન લોકો વાસ્તવિકતામાં વિશ્વાસ રાખે છે."

તમે જ વિચારો કે તમે કઈ રીતે જીવવાનું પસંદ કરશો? - ભ્રમમાં રહીને જીવનભર સફળતા હાંસિલ કર્યા વગર મરી જવાનું કે પછી વાસ્તવિકતાનો સામનો કરીને જીવનની જંગ જીતવાનું? બસ, આજે આપણે આ જ શીખવાનું છે. તમને ખબર છે કે જીવનમાં આપણે વાસ્તવિકતાનો સામનો ત્યારે જ કરી શકીએ જયારે આપણે આપણા વિચારોને સમજીને ઓળખી શકીએ? હા, એવું જ હોય છે. આ વાત તમને સરળ રીતે સમજાવું. જેમ આપણે સમાજમાં અલગ અલગ વર્ગ હોય છે તેમ આપણા વિચારોમાં પણ અલગ અલગ કેટેગરી હોય છે:

ગરીબી, વર્કિંગ ક્લાસ, મિડલ ક્લાસ, અપર ક્લાસ અને વર્લ્ડ ક્લાસ. આમ તો બધા નામ પરથી જ સમજાઈ જશે તો પણ એક ઉદાહરણ આપું...

"હું મારું ઘર માંડ ચલાવી શકું છું." - એ ગરીબ. "હું મારું ઘર તો ચલાવી શકું છું પણ મારે હજુ વધુ કમાવું છે." - આ મિડલ ક્લાસ. "હું મારું ઘર ચલાવી લઉં અને નિવૃત થઇ જઈને શાંતિથી જીવું એટલું ઘણું છે મારા માટે." - આ વર્કિંગ ક્લાસ. "હું માત્ર ઘર જ નહી ચલાવું પણ મારા જીવનમાં સફળ થવા માટે બધું જ કરી છૂટીશ." - આ વર્લ્ડ ક્લાસ વિચારસરણી.

આ કેટેગરીમાંથી તમારે સૌથી પહેલાં તો એ જાણવાનું છે કે તમે ક્યાં લેવલ પર છો. તેમજ તમે આગળના લેવલે પહોંચવા માટે શું કરવા તત્પર છો. તમે પેલી જૂની વાર્તા સાંભળી જ હશે. ગાંડાની જેમ કુહાડી લઈને વ્રુક્ષ કાપવાને બદલે સમયાંતરે તેની ધાર કાઢીને કામ કરો તો બની શકે ઝડપથી કામ પતે અને મહેનત પણ ઓછી કરવી પડે. બસ આવું જ તમારે વિચારતા શીખવાનું છે. વર્લ્ડ ક્લાસ થીંકીંગ. બધો ખેલ વિચારોનો જ છે. સાચા વિચારો સાચી દિશામાં પગલા લેવડાવશે અને સફળતા પણ અપાવશે.

તમારું કામ હજુ થોડું સરળ કરી આપું તો ચાલો એક પ્રવૃત્તિ  કરીએ. હું તમને એક ચેકલીસ્ટ આપું છું તેમાં તમારે પ્રમાણિક બનીને સાચી જગ્યાએ  હા કે ના લખવાનું છે. તો ચાલો લઇ લો પેન:

પોઈન્ટ્સ

જવાબ લખો

તમે હરીફાઈ ઉભી કરો છો.

 

તમે મહેનત કરતા લોટરીમાં માનો છો.

 

તમને તમારા કામથી પ્રેમ નથી.

 

તમે પોતાના સપના કોઈ પૂરા કરી દે તે માટે રાહ જૂઓ છો.

 

તમે જીવનમાં નિર્ણયો લેવામાં ડરપોક બની જતા નથી.

 

તમે જવાબદારીઓથી ભાગતા નથી.

 

તમે અઘરા નિર્ણયો નથી લેતા.

 

 

આમ તો તમને આ બધા જવાબ આપવા બહુ સહેલા લાગશે. પણ જો ધ્યાનથી દરેક મુદ્દા વિશે વિચારશો તો ખ્યાલ આવશે કે કેટલું પ્રમાણિકતાથી તમારે તમારા વિચારો પર કામ કરવાની જરૂર છે. આ બધું એનાલીસીસ કર્યા બાદ એક મહત્વના વિચાર પર ધ્યાન આપીએ. "જો તમે ચેમ્પિયન બનવા માંગતા હો તો તમારે બલિદાન આપવા માટે તૈયાર રહેવું પડશે." - અહી પેલા સેક્રેડ ગેમ્સના "બલિદાન દેના પડેગા" ડાયલોગને અનુસરવાનો નથી.

તમે પોતે એ વ્યક્તિ હશો અથવા તમારી આસપાસ એવા લોકો હશે કે જેને જીવનમાં બધું હાંસિલ તો કરી લેવું છે પણ તેના માટે મહેનત નથી કરવી. બસ માત્ર વાતો જ કરવી છે. "મારે મર્સિડીઝ જોઈએ છે. પણ કઈ કર્યા વગર." પણ જો તમારે આ માઈન્ડસેટમાંથી બહાર નીકળવું હોય તો ચાલો એક રૂટીન શરુ કરીએ:

સવારે પાંચ વાગ્યે જાગી જવાનું. હા, પાંચ વાગ્યે. પછી ૩૦ મિનીટ એકસરસાઈઝ કરવાની. પછી મસ્ત મજાનું મેડીટેશન કરવાનું. તમને જે બાબા, ભગવાન, મંત્ર કે સંપ્રદાયમાં ભરોસો હોય તેનો આધાર લઈને મેડીટેશન કરવા લાગો. ત્યારબાદ તમે થોડું શાંત અનુભવ કરશો. તેથી ગમે કે ના ગમે થોડું કંઈપણ વાંચો. હા પણ કંઇક સારું. આ બધી જફા કર્યા બાદ મસ્ત મજાનો નાસ્તો કરી લેવાનો. તેમાં પણ તમે અનેક જાતના હેલ્થી ડાયેટ અનુસરી શકો છો. આ બધું જ સવારના સાડા સાત સુધીમાં પરવારી લેશો પછી સુંદર રીતે દિવસ શરુ કરી શકશો. હા, તમે આ પ્રકારના રૂટીન ઘણી જગ્યાએ સાંભળ્યા હશે, વાંચ્યા હશે અને અમલ કરવાના પ્રયત્નો પણ કર્યા હશે. આ વખતે થોડી વધુ પ્રમાણિકતાથી આ રૂટીનનો અમલ કરવાનો પ્રયત્ન કરો. બની શકે તમે ભ્રમમાંથી વાસ્તવિકતામાં આવી જાવ અને ચેમ્પિયન બની પણ જાવ.

તો ચાલો હવે તમે તૈયાર છો સૌથી પહેલાં "ફૂડ ફોર ધ થોટ" માટે?

ફૂડ ફોર ધ થોટ:

આજે તમારે તમારી આદતોનું એક લીસ્ટ બનાવવાનું છે. તેના પરથી તમને ખબર પડશે કે તમે વાસ્તવિકતામાં કેટલી પ્રવૃત્તિ એવી કરી રહ્યા છો જે ખરેખર કામની છે અને કેટલી નકામી છે. તમારી આદતો પરથી તમને તમારી જાતની જ એક પેટર્ન સમજાઈ જશે. જેથી તમે નક્કી કરી શકશો કે કઈ રીતે આ પેટર્નને બ્રેક કરવી અને વર્લ્ડક્લાસ વિચારોને અમલમાં મૂકીને સફળ થવું.