આ પ્રશ્ન વાંચીને તમે તરત કહેશો કે તમારી બધી જ આદતો સારી છે. અથવા જો તમે તમારી જાત સાથે પ્રમાણિક બનતા હશો તો એમ કહેશો કે તમારી અમુક આદતો છોડવાની જરૂર છે અથવા તો થોડી નવી આદતો વિકસાવવાની જરૂર છે.
આજના સિક્રેટમાં આપણે એ જ ચર્ચા કરવાના છીએ કે તમારી આદતો કેવી હોવી જોઈએ અને તમે સારી આદત કઈ રીતે કેળવી શકો છો:
આદતનો ખરો અર્થ
એવરેજ પરફોર્મર્સ માને છે કે – આદતો છોડવાની હોય છે જેમ કે વધુ પડતું ખાવું, સિગરેટ પીવી અને ફાંકી ખાવી. જયારે મહાન લોકો માટે આદતો સફળતાનું સામ્રાજ્ય છે. ફરક એટલો છે કે તમે “આદત” શબ્દનો અર્થ શું સમજો છો. સફળ લોકો સતત તેની આદતોમાં સુધારા વધારા કરતા રહે છે. તેઓ દરરોજ નવી નવી આદતો કેળવે છે અને તેનું પાલન પણ કરે છે. જેમ કે – કસરત કરવી, શુદ્ધ શાકાહારી ભોજન લેવું, સવારે વહેલું જાગવું, રાત્રે મોડા સુવું, પોતાના ગમતા વિષય વિશે ભણતા રહેવું. અન્ય ઘણી આદતો પર તેઓ સતત કામ કરતા રહે છે.
આદતોને પકડી રાખવી પડે!
આદતની શક્તિ અનોખી છે. તમે સારી આદતો કેળવશો તો લાંબાગાળે તેના ફાયદાઓ જોવા મળશે જ. ચેમ્પિયન્સ આદતોને તેના જીવનનો અમુલ્ય ભાગ માને છે. જો તમે એકદિવસ પણ તમારી આદતોનું રૂટીન ચૂકશો તો બની શકે સારી આદતો ધીમે ધીમે છૂટવા લાગશે. આદત છોડવી બહુ સહેલી છે. આદત કેળવવી ખૂબ જ અઘરી છે. સારી આદતો તમને મહાન બનાવી શકે. ખરાબ આદતો તમને નિષ્ફળ બનાવી શકે. જો તમે આદતોને પકડી નહી રાખો તો તમારે પહેલેથી એકડો ઘૂંટવાનું શરુ કરવું પડશે.
ચેમ્પિયનની માનસિકતા
ચેમ્પિયન્સ તેની આદતોને એક ધર્મ માની લે છે. જેમ ધર્મ અને તેના નિયમોની અસર દરેક માનવી પર જોવા મળે છે તે જ રીતે આદતોની અસર વ્યક્તિના જીવનના દરેક પાસાઓ પર જોવા મળે છે. ચેમ્પિયન્સ હંમેશા તેની અંતરાત્માને સાંભળે છે અને તેની આદતોમાં જરૂરી ફેરફાર પણ કરે છે. ચેમ્પિયન્સ તેની ખરાબ આદતોને છોડવાનો ખૂબ જ પ્રયત્ન કરે છે. તેઓ એવી જ આદતો કેળવે છે જે તેને સફળતાની નજીક લઇ જાય છે. મહાન લોકો મહાન શા માટે બને છે – તે જાણો છો? – તેની સારી આદતોને કારણે.
ફૂડ ફોર થોટ
એવી પાંચ આદતોનું લીસ્ટ બનાવો કે જે કેળવવાથી તમે તમારી સફળતાની નજીક પહોંચી શકો. આ આદતો બધાથી અલગ હોવી જરૂરી નથી. તમારા રૂટીનમાં બહુ મોટા બદલાવો લાવતી હોય તેવી હોવી પણ જરૂરી નથી. નાની શરૂઆત કરો. જેમ કે દરરોજ સવારે તમારી જાત માટે ૧૦ મિનિટ કાઢવી. તેમાં તમે ચાલી શકો, કસરત કરી શકો, યોગ કરી શકો, ધ્યાન ધરી શકો, તમને જે ગમે તે કરી શકો. અથવા તો એવી કોઈ આદત જેમાં તમે દરરોજ ૩૦ મિનિટ કોઈ નવું પુસ્તક વાંચો. કોઈ નવા કન્સેપ્ટ વિશે શીખો.
એવી આદતો વિકસાવો જેનાથી તમને સંતોષ મળે. આ પાંચ આદતોમાંથી એવી આદત નક્કી કરો કે જેનાથી તમને સૌથી વધુ ફાયદો થવાનો હોય અને સૌથી વધુ ખુશી મળવાની હોય. તમારી જાતને કમીટમેન્ટ આપો. કોઈપણ પરિસ્થિતિમાં તમારી આદતનું રૂટીન છૂટવું ન જોઈએ. તમે સ્વશિસ્તનું પાલન નહી કરો તો આ આદતો વિકસાવવી અઘરી થઇ જશે.
કોઈપણ નવી આદતથી ટેવાઈ જવા માટે ત્રણથી ચાર અઠવાડિયા જેટલો સમય આપવો પડે છે. આદત હકારાત્મક કે નકારાત્મક પણ હોઈ શકે. તેથી ધીરજ રાખો અને સારી આદતો કેળવો. આ આદતો તમારી કારકિર્દી અને જીવન બદલી નાખવાની તાકાત ધરાવે છે.