જો તમે બાકી બધા લોકોની જેમ જ જીવન જીવતા હો, પોતાની જાતને પડકારતા ન હો, પોતાની જાતની પરિક્ષા ન લેતા હો – તો આ જીવન તો બહુ સામાન્ય જીવન કહેવાય. ચેમ્પિયન્સને આ સામાન્ય જીવનની એલર્જી હોય છે. તેઓ સતત પોતાની જાતને પડકારે છે. તે વીણાના સુર પર બ્રેકડાન્સ કરે છે. તેઓ બધાથી અલગ હોય છે. તેઓ રીસર્ચ અને આંકડાઓની પરવા કરતા નથી. તેઓ પોતાની જ એક અલગ દુનિયામાં જીવતા હોય છે. તમે એવું પણ કહી શકો કે તેઓ સામાન્ય રૂઢીગત ચાલતા જીવનથી બહુ જલ્દી કંટાળી જાય છે. તેઓ માટે પડકાર એ એક આદત બની જાય છે. તેઓ ક્યારેય પડકારથી ડરતા નથી કે ક્યારેય તેનાથી દૂર ભાગતા નથી. તેઓ પડકારોને આવકારે છે અને તેનો સામનો કરવા માટે અલગ અલગ રસ્તાઓ અપનાવે છે.
નવશિખીયા લીડર્સ હંમેશા બીજા લોકો તેના વિશે શું વિચારે છે, સમાજમાં તેની પ્રતિષ્ઠા કેવી છે, તેના ધ્યેયને અનુરૂપ રીસર્ચ અને આંકડાઓ શું કહે છે – ટૂંકમાં બાહ્ય પરિબળોને જ મહત્વ આપે છે. જયારે ચેમ્પિયન્સ તો હંમેશા સારી, સરળ, ઝડપી, અસરકારક મેથડની શોધમાં જ હોય છે. ચેમ્પિયન એ વાત સારી રીતે જાણે છે કે જો તેઓ સતત બીજા લોકો તેના વિશે શું વિચારે છે અને કહે છે તેના પર જ ધ્યાન આપશે તો ક્યારેય જીવનમાં આગળ નહી વધી શકે. તેથી તેઓ આ બધી બાહ્ય બાબતો પર ધ્યાન આપતા જ નથી. તેઓ બીજા લોકોના વિચારોને કે અભિપ્રાયોને પણ પોતાની પર હાવી થવા દેતા નથી.
ચેમ્પિયન્સ નવા બદલાવો અને એવી પ્રવૃતિઓને આવકારે છે કે જેના થકી – તેનો વિકાસ થાય. તેઓ પોતાની જાતને મર્યાદામાં બાંધતા નથી. નવશિખીયા લીડર્સ બદલાવથી ડરે છે. કારણ કે બદલાવમાં – તમારી જાતમાં ઘણા સુધારા કરવાના હોય છે, ઘણું નવું શીખવાનું હોય છે. બદલાવ શરૂઆતમાં આનંદ આપતો નથી. જયારે તમે બદલાવને સ્વીકારો લેશો ત્યારે તમારો વિકાસ શરુ થઇ જશે. તેથી બદલવાથી ડરવાનું બંધ કરો અને તેને એક નવું એડવેન્ચર માનીને જીવવાનું શરુ કરી દો. કારણ કે બદલાવો હંમેશા જીવનમાં તમને આગળ વધારે છે. બદલાવો તમારી અંદર અને તમારા વિચારોમાં પણ બદલાવ લાવે છે. તમે બદલાવને કેવી રીતે જુઓ છો તે દ્રષ્ટિકોણને આધારે તમારા માટે બદલાવ સારો છે કે ખરાબ તે નક્કી થાય છે.
ચેમ્પિયન્સની ઇચ્છાઓ અને સપનાઓ ક્યારેય ખૂટતા જ નથી. તેઓ સતત કંઇક નવું નવું કરવાની શોધમાં હોય છે. જયારે નવશિખીયા લીડર્સ રોજબરોજના જીવનથી ટેવાઈ ગયા હોય છે. તેઓ તેના રૂટીન જીવનમાં કોઈ ફેરફાર કરવા માંગતા નથી. ચેમ્પિયન્સ વગર ઇનોવેશન અને પ્રગતિનું અસ્તિત્વ જ ન હોત.
“વૈજ્ઞાનિકોના મતે ૨૦મી સદીની શરૂઆતમાં જ મોટાભાગના ઇનોવેશન અને શોધખોળ થઇ છે.” – હવે જો આ વાત તમે ચેમ્પિયન્સને કહો તો તે તમારી વાત નહિ માને. આવા કોઈપણ જાતના રીસર્ચ પર ચેમ્પિયન્સ વિશ્વાસ કરતા નથી. તેઓ કોઈ રીસર્ચના તારણોને પોતાના મન પર હાવી થવા દેતા નથી. જયારે નવશિખીયા લીડર્સ – આવા અનેક પ્રકારના રીસર્ચને સત્ય માની બેસે છે.
જે સ્ત્રી અને પુરુષોએ સત્યને, રીસર્ચને, સમાજને અને પોતાની જાતને પડકાર્યા છે તેઓ જ સફળ ચેમ્પિયન્સ બની શક્યા છે. તેઓ કોઈપણ વાતને પોતાની બુદ્ધીના ત્રાજવામાં તોલે છે ત્યારબાદ જ તે વાતને સત્ય માને છે.
ફૂડ ફોર થોટ
તમારા મનમાં એવા કેટલા ‘સત્યો’ છે જેને તમે સત્ય માની લીધા છે. બની શકે તે બધા જ ‘સત્યો’ તમારા ભ્રમ અને માન્યતાઓ હોય. જેમ કે –
“શું એ વાત સાચી છે કે મારે નિવૃત થવા માટે હજુ ૨૦ વર્ષ કામ કરવું પડશે?”
“શું એ વાત સત્ય છે કે મારી ઉંમર વધવાની સાથોસાથ મારું વજન વધી જશે?”
“શું મારા માતાપિતાએ શીખવેલા ધર્મના મૂલ્યો જ સાચા મૂલ્યો છે?”
“શું મારે બાકી બધા લોકોની જેમ જ કોર્પોરેટ રેસમાં ભાગતું રહેવું પડશે?”
“શું હું મારી કારકિર્દી માટે કોઈ નવો રસ્તો અપનાવી શકું તેમ નથી?”
“શું મારે ન ગમતા ક્ષેત્રમાં પણ કામ કરવાનું ચાલુ રાખવું જોઈએ?”
“શું મારી પાસે જીવન જીવવાના બીજા કોઈ પહેલુંઓ કે રસ્તાઓ છે?”
“હું કઈ રીતે જીવનના પડકારોનો સામનો કરી શકું છું?”
“એવા ક્યાં વિચારો કે માન્યતા છે જેમાં મારે બદલાવ લાવવાની જરૂર છે?”