હસતા રહો અને હસાવતા રહો!
ચેમ્પિયન્સ વિશે લોકો અનેક જાતની માન્યતાઓ પોતાના મનમાં બાંધી લે છે. જેમ કે ચેમ્પિયન્સ ખૂબ જ મહેનતુ અને ધીર ગંભીર સ્વભાવના હોય છે. તેઓના જીવનનું હકારાત્મક પાસું એ છે કે તેઓ સફળ હોય છે અને નકારાત્મક પાસું એ છે કે તેઓ તણાવમાં રહેતા હોય છે. હકીકતમાં મહાન લોકો પોતાનો તણાવ ઓછો કરવા માટે હંમેશા હસતા રહે છે. તેઓ કોઈપણ મુશ્કેલી કે પડકારને પોતાના મન પર હાવી થવા દેતા નથી. તેઓ મુશ્કેલીઓને હળવાસથી લઈને તેને હલ કરવાનો નવો જ દ્રષ્ટિકોણ વિચારે છે.
તણાવને દૂર કરવાની એક ઉત્તમ ચાવી છે - નાદાન બની જાવ. નાનું બાળક હંમેશા હસતું રહે છે. તેમ તમે પણ કોઈપણ પરિસ્થિતિમાં હસતા શીખી જાવ. ૧૯૮૦માં જયારે અમેરિકાના પ્રેસીડન્ટ રોનાલ્ડ રીગન પર ગોળીબાર કરવામાં આવ્યો ત્યારે રોનાલ્ડે તેની પત્ની પાસે જઈને રમુજમાં કહ્યું - "વહાલી! હું નીચે ઝૂકવાનું ભૂલી ગયો હતો." આખું રાષ્ટ્ર રોનાલ્ડની તબિયતની ચિંતા કરી રહ્યું હતું અને રોનાલ્ડે રમુજ કરીને બધાની ચિંતા હળવી કરી દીધી.
મહાન લોકો જાણે છે કે જયારે એકસાથે વધુ કામ કરવાનું હોય અને અનેક પડકારો હોય ત્યારે રમુજી સ્વભાવ પરફોર્મન્સને વધુ સારું બનાવી દે છે. એક નાનું એવું હાસ્ય ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિને પણ સરળ બનાવી શકે છે. ચેમ્પિયન્સ જાણે છે કે રમુજની અસર માનવીના મગજ, શરીર અને આત્મા પર જોવા મળે છે. રમુજની પોતાની જ એક આગવી તાકાત છે જેને નવશિખીયા લીડર્સ નજરઅંદાજ કરી જાય છે. નવશિખીયા લીડર્સ મજાક - મસ્તીને સમયનો બગાડ સમજે છે જયારે ચેમ્પિયન્સ મજાકને તણાવ દૂર કરવાનું સૌથી અસરકારક હથિયાર સમજે છે.
ફૂડ ફોર થોટ
આજના દિવસમાં જ ૧૦ જોક્સ શોધો. ઇન્ટરનેટ પરથી કે જોક્સના પુસ્તકોમાંથી જોક્સ શોધો. અથવા તો તમે કોઈ કોમેડી શો જોવા પણ જઈ શકો. રોજબરોજના તણાવના વાતાવરણમાંથી બહાર નીકળવા માટે આ પ્રવૃત્તિનો ઉપયોગ કરો.