તમે એક વર્ષો જૂની કહેવત સાંભળી જ હશે – “ઝાઝા હાથ રળિયામણા.” આ વાત આજના હરીફાઈના યુગમાં સાચી જ છે. કારણ કે તમે તમારો ધંધો લઈને બેઠા હો કે પછી નોકરી કરતા હો તમારે ટીમની તો જરૂર પડવાની જ છે. બની શકે કે શરૂઆતના સમયમાં તમે એકલપંડે લડી પણ લો. સમય જતા ટીમ જ તમને સફળતા હાંસિલ કરવામાં મદદ કરી શકશે. તેથી જ તો ચેમ્પિયન હંમેશા ટીમને સાથે રાખીને સફળતા હાંસિલ કરે છે.
બહુ ઓછા વ્યવસાયો એવા હોય છે કે જેમાં એકલપંડે સફળતા હાંસિલ થાય. બાકી તો ટીમ જ વ્યક્તિ કે ઓર્ગેનાઈઝેશનને તારી શકે છે. આજના સિક્રેટમાં ચેમ્પિયન ટીમ વિશે શું વિચારે છે તે સમજીશું.
ચેમ્પિયનની એક મસ્ત આદત હોય છે – જયારે પણ તેને સફળતા મળે ત્યારે તે પોતાની જાતને જશ આપવાને બદલે પોતાની ટીમને જશ પહેલા આપે છે. એટલું જ નહી જયારે નિષ્ફળતા મળે ત્યારે બધો દોષ પોતાના માથે લઇ લે છે. તેમજ ટીમને સાચી સમજ પણ આપે છે. જેથી કરીને બીજીવાર ભૂલ ના થાય.
તમને આજે એક પઝલનો કન્સેપ્ટ સમજાવું. જયારે તમે પઝલ બનાવતા હો ત્યારે જો તમે આડા-અવળા ટુકડા લગાવી દો તો શું થશે? – તમારી પઝલ પૂરી નહી થાય. અથવા તો બની શકે કે પઝલ ખૂબ જ કદરૂપી બને. પણ જો દરેક ટુકડાને યોગ્ય જગ્યાએ મૂકવામાં આવે તો સુંદર મજાની પઝલ બની શકે છે.
આવું જ કંઇક ચેમ્પિયનનું છે. તેને ખબર હોય છે કે ક્યાં ટીમના સભ્યને કયું કામ સોંપવામાં આવશે તો તે ઉત્તમ રીતે કામ કરી શકશે. આ ઉપરાંત તેઓ પોતે એવું અભિમાન પણ નથી રાખતા કે તે જ આખી પઝલ પૂરી કરે. ચેમ્પિયન તેની ટીમ પર ભરોસો મૂકે છે અને પોતે પણ ઉત્તમ પરફોર્મન્સ આપે છે.
એવરેજ લોકોમાં એક ખોટી માનસિકતા હોય છે – અહંકાર. તેઓને પોતાને જ બધું કામ કરીને જશ લઇ લેવો હોય છે. જયારે ચેમ્પિયનને જશનો કોઈ જ મોહ હોતો નથી. તેઓ તો બીજા લોકોને સફળતા પામતા જોઇને ખુશ થાય છે. એટલું જ નહી લોકોને આગળ વધવામાં પણ મદદ કરે છે. જો તમે પણ ચેમ્પિયન બનવા માંગતા હો તો તમારા અહંકારને એક તરફ મૂકીને ટીમમાં કામ કરતા શીખો. બની શકે જે કામ તમારા એકલાથી ના ઉરુ થતું હોય તે ટીમથી પૂરું પણ થઇ જાય અને તમને સફળતા પણ ઝડપથી મળી જાય.
ચેમ્પિયનની જ્ઞાન વિશેની સાયકોલોજી અપનાવવા જેવી છે. તેઓ પોતાની જાતને જ જ્ઞાની બનાવવામાં સમય વ્યતીત નથી કરતા. તે તેની ટીમને પણ પુરતું જ્ઞાન આપે છે અને જરૂરી આવડતો શીખવે છે. જેથી કરીને આખી ટીમ ભેગી મળીને ઉત્તમ પરફોર્મન્સ આપી શકે. આમ પણ ચેમ્પિયન માટે પોતાના વિકાસ જેટલું જ તેની ટીમનો વિકાસ મહત્વનો હોય છે. માની લો કે હવે તમે પણ તમારી ટીમ સાથે મળીને ચેમ્પિયન બનવા માંગો છો તો શું કરશો? ચાલો જાણીએ.
ફૂડ ફોર થોટ
તમે ટીમ સાથે કામ કરવાનું શરુ કરો તે પહેલા નીચેના પ્રશ્નો તમારી જાતને પૂછો:
૧ તમને બધા લોકો સાથે સહકારની ભાવનાથી કામ કરવું ગમે છે?
૨ તમે ટીમને જરૂર પડે મદદ કરો છો?
૩ તમને તમારી જાતમાં ખોવાયેલ રહેવું ગમે છે કે પછી ટીમમાં રહીને કામ કરવું?
આ બધા જ પ્રશ્નોના જવાબ પરથી તમને ખ્યાલ આવશે કે ચેમ્પિયન બનવા માટે તમારે તમારી જાતમાં કેટલા ફેરફારો કરવાની જરૂર છે. તમારી જાતનો અરીસો જોઈ લો. અહંકારને ભગાડી દો અને પછી જુઓ તમને ચેમ્પિયન બનતા કોણ રોકે છે.