તમને મથાળા પરથી એવું લાગશે કે આ તો કોઈ કોરોનાના સમયમાં શરીર અને મનની સ્વસ્થતાની વાતોવાળો કોઈ લેખ લાગે છે. પણ ના, એવું નથી – આજનું સિક્રેટ બહુ જ મહત્વનું છે. આ સિક્રેટમાં ચેમ્પિયન તેના તન અને મનના સ્વાસ્થ્યને શા માટે મહત્વ આપે છે તેની ચર્ચા કરવી છે.
સૌથી પહેલા તો જો તમે શરીરથી સ્વસ્થ નહી હો તો મનથી પણ સ્વસ્થ નથી જ હોવાના. કારણ કે તમારું મન તે શરીરની તકલીફમાં જ લાગેલું રહેશે. તેથી ચેમ્પિયન બનવા માટે સૌથી પહેલા તો શરીરને સ્વસ્થ રાખતા શીખવું પડશે.
જેમ દરેક લોકો માટે આજકાલ સોશિયલ મીડિયા એક આદત બની ગયું છે તે જ રીતે ચેમ્પિયન માટે કસરત આદત બની ગયું હોય છે. તેઓ પોતાનો સમય આખી દુનિયા શું કરે છે અને શા માટે કરે છે તે જોવામાં નથી બગાડતા. તેઓ આ સમય પોતાની જાત માટે ફાળવે છે. તેઓ દરરોજ એક કલાક કસરત કરે છે. તેના માટે કસરત કરવી અને શારીરિક સ્વસ્થતા પર ધ્યાન આપવું એ પણ રૂટીનનો એક ભાગ જ છે.
એવરેજ લોકો સોશિયલ મીડિયા પર અન્ય લોકોના જીમના ફોટોઝ અને વિડીઓઝ જોઇને ખુશ થઇ જાય છે. તેઓને પોતાને મહેનત કરવાનું કહેવામાં આવે તો અનેક પ્રકારના બહન આવી જાય છે. જયારે ચેમ્પિયન હંમેશા પોતાના શારીરિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપે છે.
તમે પણ શારીરિક સ્વસ્થતા માટે નાની પણ શરૂઆત તો કરી જ શકો છો. ચાલવા જવું, થોડી ૧૦ થી ૧૫ મિનીટ માટે કસરત શરુ કરવી. યોગ્ય ખોરાક લેવો. આ બધાની અસર તમારા માનસ પર પણ જોવા મળશે.
જે રીતે શારીરિક સ્વસ્થતા ચેમ્પિયન માટે મહત્વની છે તે જ રીતે માનસિક સ્વસ્થતા પણ એટલી જ મહત્વની છે. જો તમારું મન નાખુશ હશે, અથવા તો કોઈ ગડમથલમાં ખોવાઈ ગયેલું હશે તો તમે કોઇપણ કામ ધ્યાન કેન્દ્રિત કરીને નહિ કરી શકો. તો પછી સફળતા હાંસિલ કરવાની વાત તો બાજુએ રહી.
મન ખુશ તો બધા જ ખુશ, મન ખુશ હશે તો તમે કોઇપણ કામ ચોકસાઈથી કરી શકશો. તમારું મન વારંવાર ભટકવા નહી લાગે. નકારાત્મક વિચારો પણ તમારા પર હાવી નહી થાય. જો તમે સ્વસ્થ શરીરની સાથોસાથ સ્વસ્થ મન ઇચ્છતા હો તો નીચેની અમુક પ્રવૃત્તિઓ કરવાનું શરુ કરી દો:
૧ થોડું મેડીટેશન કરવાનું શરુ કરો.
૨ હકારાત્મક વિચારો અપનાવવા માટે સારા પુસ્તકો વાંચો.
૩ પોઝીટિવ અફરમેશન ટેકનીક અપનાવો.
૪ તમારા જીવનમાં જે કંઈપણ ખુશી છે તેના માટે આભાર વ્યક્ત કરો.
૫ નવા લોકોને મળો.
૬ તમને ગમતી પ્રવૃત્તિઓ કરો જેમ કે કોઈવાર ચિત્ર દોરો, રંગ પૂરો, સાયકલ ચલાવો, ડાન્સ કરો.
૭ તમારા મનને ખુશ રાખવા માટે તમે કોઈ નવી આદત પણ વિકસાવી શકો.
૮ તમારા શોખને તમારા રુટીનનો ભાગ બનાવી દો.
આવી અનેક પ્રવૃત્તિઓ કરવાથી તમારું મન સ્વસ્થ રહેશે. જો તમારે ચેમ્પિયન બનવું હોય તો શારીરીક અને માનસિક સ્વસ્થતાને સૌથી પહેલા મહત્વ આપતા શીખવું પડશે. કારણ કે આ બેમાંથી એક જગ્યા કે પછી બંને જગ્યાએ તમે પાછા પડતા હશો તો સફળતા નહી પામી શકો. તેથી જયારે પણ એવું લાગે કે બંનેમાંથી એક પણ સ્વાસ્થ્ય બગડી રહ્યું છે એટલે તરત એક્શન લઇ લો.
ફૂડ ફોર થોટ
માનવીનું મન આળસુ થઇ જાય છે. તેને તમારે સ્વશિસ્તમાં લાવતા શીખવાનું છે. શરીરને સ્વ શિસ્તમાં લાવવા માટે તમારી જાતને વચન આપો કે આજથી જ ઓછામાં ઓછી ૧૫ મિનીટ તો ચાલવામાં અથવા તો કસરત કરવામાં આપશો જ.
આ જ રીતે તમારા મન માટે પણ અમુક ચોક્કસ ટેકનીક્સ નક્કી કરી જ લો. જેમ કે દિવસમાં ૧૦ મિનીટ મેડીટેશન કરવું જ. મનને શાંત અને રીલેક્સ કરવા માટે ઊંઘતા પહેલા કોઈ સારું સંગીત સાંભળવું. જેમ ખાવું-પીવું અને ઊંઘવું એ તમારા જીવનના રૂટીનનો ભાગ છે તે જ રીતે શરીર અને મનની તંદુરસ્તીને પણ તમારા જીવનનો એક ભાગ બનાવી દો.