સ્વને કેટલું ઓળખો?
ચેમ્પિયન્સ પોતાની જાતને ખૂબ જ સારી રીતે ઓળખે છે. - તેઓ જાણે જ છે કે તેઓ સારા છે કે બહુ સારા છે કે ખરાબ છે. એવરેજ લોકો પોતાની જાતમાં પોતાને ગમતી આવડત, વિચારો અને આદતોને જ જોવાનું પસંદ કરે છે. જયારે વર્લ્ડ ક્લાસ લોકો પોતાની જાતના દરેક પાસાને ઓળખે છે અને સ્વીકારે પણ છે. તેઓ પોતાની જાતને શોધવામાં અને ઓળખવામાં પાવરધા હોય છે. તેઓ સતત પોતાની જાતને વધુ સારો બનાવવા પ્રયત્ન કરતા રહે છે. તેઓ ઉત્તમ રીતે જ કામ કરે છે અને ઉત્તમ કામની અપેક્ષા રાખે છે. તેઓ ખૂબ જ એકાગ્રતાથી કામ કરતા હોય છે. તેથી જ તેઓ એવરેજ લોકો કરતા અલગ તરી આવે છે.
ચેમ્પિયન્સ પોતાની જાતને પરફોર્મન્સ મશીન સમજે છે. તેઓ સતત એ જાણવાનો પ્રયત્ન કરતા રહે છે કે મશીનને કઈ રીતે વધુ ઉત્તમ બનાવી શકાય. એટલે કે પોતે કઈ રીતે ઉત્તમ કામ કરી શકે. જયારે પણ કોઈ કારણોસર તેઓ હાર અને નિષ્ફળતાનો સામનો કરે છે ત્યારે તેઓ નિષ્ફળતા પાછળનું કારણ જાણવાનો પ્રયત્ન કરે છે અને હવેથી પરફોર્મન્સમાં શું સુધારા લાવી શકાય તેના પર ધ્યાન આપે છે. તેઓ પોતાની કારકિર્દી પણ સમજી વિચારીને જ પસંદ કરે છે. ઉત્તમ પરફોર્મર્સ હંમેશા પોતાને ગમે તેવું કામ કરે છે. તેને ન ગમતું કામ તેઓ ક્યારેય કરતા નથી.
વર્લ્ડ ક્લાસ લોકોને જ્યાં સુધી ખબર ન પડી જાય કે પોતાને કયા કામમાં રસ છે. પોતાનું ટેલેન્ટ શું છે, પોતાની આવડત શું છે - ત્યાં સુધી તેઓ સ્વનિરીક્ષણ કરતા રહે છે. વર્લ્ડ ક્લાસ પરફોર્મન્સ આપવાનો પહેલો નિયમ છે - તમને જે ગમતું હોય તે જ કામ કરો. તેથી એવી જ નોકરી, કારકિર્દી કે ધંધો પસંદ કરો જેમાં તમને મજા આવતી હોય. ચેમ્પિયન્સ માટે પોતાનો વ્યવસાય નક્કી કરવો એ જીવનનો મહત્વપૂર્ણ ધ્યેય હોય છે. તેથી જ ચેમ્પિયન્સનું બુદ્ધીચાતુર્ય તેને જીવનના દરેક તબ્બકામાં કામ આવે છે. જેમ કે સાચા વ્યક્તિને શોધીને તેની સાથે પરણવું. સામાન્ય રીતે એવરેજ લોકો એવા પતિ કે પત્નીની શોધમાં હોય છે કે જેનાથી તેની લાગણીઓ રોમાંચિત થઇ ઉઠે. જયારે ચેમ્પિયન્સ એવા પતિ કે પત્નીની શોધમાં હોય છે જે તેની લાગણીઓને સમજીને તેની આત્મા સાથે જોડાઈ શકે. તેથી જ ચેમ્પિયન્સ તેના પતિ કે પત્નીને સોલમેટ તરીકે ઓળખાવે છે.
ચેમ્પિયન્સ સમજી વિચારીને લગ્ન માટે વ્યક્તિ પસંદ કરે છે તેથી જ તેનું લગ્નજીવન લાંબુ હોય છે. જયારે એવરેજ લોકોમાં એકવાર લગ્ન પછી થોડા સમય બાદ લાગણીઓનો રોમાંચ ચાલ્યો જાય છે અને ઓછી સમજણશક્તિના કારણે લગ્નજીવન તૂટી પણ જાય છે. એક રીસર્ચ મુજબ ૧૯૯૧માં લગ્ન કરેલા લોકોમાંથી હાલમાં ૬૭% લોકોએ છૂટાછેડા લઇ લીધેલ છે. પરંતુ જે લોકો એકબીજાને સોલમેટ માને છે તેના લગ્નજીવનમાં ભંગાણ ઓછું જોવા મળે છે.
કામ અને પ્રેમ આ બંને બાબતમાં ચેમ્પિયન્સ અને એવરેજ લોકોની માનસિકતા તદન અલગ હોય છે. એવરેજ લોકો જયારે કામની પાછળ ભાગતા હોય છે ત્યારે મહાન લોકો તેની ઉત્તમ માનસિક આદતો અને ફિલોસોફી દ્વારા તેની મહેનતની સફળતાનો સ્વાદ ચાખતા હોય છે.
ફૂડ ફોર થોટ
તમારા જીવનના અતિ મહત્વના પાંચ મુલ્યો વિશે લખો. તેમજ તે મુલ્યો શા માટે તમારા માટે મહત્વના છે તે પણ લખો. આ સરળ પ્રવૃત્તિ થકી તમે તમારી જાતને ઓળખવાનું શરુ કરી શકો છો. જો તમે સ્વશોધ ચાલુ કરી જ દીધી હોય તો આ પ્રવૃત્તિ તમને તે શોધમાં વધુ આગળ લઇ જશે.