સાતત્ય તમને જીતાડી શકે?

consistency by darshali soni.jpg

તમને ખબર છે કે ચેમ્પિયનનો સૌથી મોટો ગુણ કયો છે? કામમાં નિરંતરતા. તેઓ પોતાના કામથી ક્યારેય દૂર ભાગતા નથી. કામ એ એક તેના માટે ના અવગણી શકાય તેવો નશો હોય છે. તેઓ તેના રૂટીનમાં વારંવાર ફેરફાર લાવતા નથી. ચેમ્પિયન તેના જીવનમાં સૌથી વધુ પ્રાયોરીટી તેના કામને આપે છે. તેઓનું સ્વ અનુશાસન જ એટલું જબરદસ્ત હોય છે કે કોઇપણ પ્રકારની લાલચો તેનું મન બહેલાવી શકતી નથી.

પણ તમને એમ થશે કે આ બધી વાતો તો વાંચવી અને બોલવી જ સહેલી છે. ખરેખર તો આપણે કોઈ એક કામ દરરોજ કરી રાખીએ તો કંટાળી જઈએ છીએ. આમ પણ માનવીનું મન તો ચંચળ છે. તેને દરરોજ કંઇક નવું નવું જોઈતું હોય છે. તેથી જ આપણે કોઈ એક આવડતમાં કે કામમાં નિપુણતા કેળવી શકતા નથી. જો કે ચેમ્પિયન આ મર્યાદિત માનસિકતામાં બંધાઈ જતા નથી. તેઓ સાતત્યનું મહત્વ સમજે છે. તેઓ જાણે છે કે કામમાં સાતત્ય તેને સફળતા અપાવી શકે છે.

૧ તમને શું જોઈએ છે?

ચેમ્પિયન એકવાર ધ્યેય નક્કી કરી લે પછી નિરંતરતાથી કામ કરી શકે છે. તેનું કારણ શું? બેકએન્ડ પ્રોસેસ. કોઈ ધ્યેય પર કામ ચાલુ કરો તે પહેલા તમારે શું જોઈએ છે, કેવી રીતે જોઈએ છે અને કેટલા સમયમાં જોઈએ છે તે ખબર હોવી જરૂરી છે. ચેમ્પિયન પાસે આ બધી જ બાબતનું ઉત્તમ આયોજન હોય છે. તેથી જ તેઓ એક ઉત્તમ રોડમેપ થકી મંઝીલ મેળવી લે છે. તમને શું કરવું અને કેવી રીતે કરવું એ જ ખબર નહી હોય તો કામમાં સાતત્યની વાત તો દૂર જ રહી.

 

૨ બલિદાન ઉપકાર

એવરેજ લોકોને પોતે કરેલા કામના ગાણા ગાવાની બહુ જ ખરાબ આદત હોય છે. તેઓ હંમેશા ફરિયાદ જ કરતા રહે છે. તેઓએ આમ કર્યું અને આટલું કર્યું આમ છતાં જશ ન મળ્યો કે પછી સફળતા ન મળી. જયારે ચેમ્પિયન આ બધાથી અલગ હોય છે. તેઓ કામ કરીને નીકળી જાય છે. તેઓ પોતાના ધ્યેય માટે બલિદાન આપીને નીકળી જાય છે. તેઓ કોઈ પર કરેલ ઉપકાર તો જણાવતા જ નથી. તેઓ આવા બધા વિચારોમાંથી બહાર નીકળીને માત્ર ધ્યેય હાંસિલ કરવા પર જ ધ્યાન આપે છે.

 

૩ ઇરેટીક થીંકીંગ

તમને આજે એક નવો શબ્દ શીખવાડું. બની શકે તમે આ શબ્દ જીવતા હશો પણ તમને ખબર નહી હોય. ઇરેટીક થીંકીંગ એટલે એવા પ્રકારની થીંકીંગ જેમાં લોકો વિચાર આવે અને તરત અમલ કરી નાખે. આગળ પાછળનું કે લાંબાગાળાનું કઈ જ ન વિચારે. જો કે આ પ્રકારની ઉતાવળમાં એક્શન લેવાની થીંકીંગ તમને લાંબાગાળે નુકસાની જ કરશે. તેથી જો તમે ચેમ્પિયન બનવા માંગતા હો તો એક મસ્ત કન્સેપ્ટ અપનાવો. મેન્ટલ ટફનેસ યુનિવર્સીટીમાં “મેન્ટલ ક્લેરિટી” નામનો કન્સેપ્ટ શીખવાડે છે. જો તમને શું જોઈએ છે, શા માટે કોઈ વિચારો આવી રહ્યા છે, કઈ રીતે તે વિચારોને માત આપી શકાય તેમ છે અને કઈ રીતે શાંતિથી વિચારીને નિર્ણયો લઇ શકાય તે આવડી જશે તો ચેમ્પિયન બની જશો. તમે જીવનમાં જેટલા વધુ સ્પષ્ટ તેટલી જીવનમાં પળોજણ ઓછી.

 ૪ ચેમ્પિયન બનવા માટે શું કરશો?

સૌથી પહેલા તો ટાઈમ મેનેજમેન્ટ શીખો. તમારા સમયની કિંમત કરતા શીખો. ત્યારબાદ તમારો એક ચોક્કસ એક્શન પ્લાન બનાવો. તેમાં જરૂર પડે તો સુધારા વધારા કરો. જેથી કરીને તમે કામમાં નિરંતરતા લાવી શકો. મન ભટકાવતા લોકો અને પ્રવૃતિઓથી દૂર રહો.

શરૂઆતમાં તમને એકને એક કામ કરવાની આદત નહી હોય તેથી કંટાળો આવશે. પણ પ્રેક્ટીસથી તમે તમારા મનને જીતી શકશો. બસ આ જ રીતે તમે ચેમ્પિયન બની શકશો. કોઈ શોર્ટકટ નથી.

ફૂડ ફોર થોટ

તમારા પરમ મિત્રને એક પત્ર લખો. જેમાં તમે તમારા આવતા પાંચ વર્ષના કારકિર્દીના અને જીવનના આયોજનનો ઉલ્લેખ કરો. તમે શું કરશો અને કેવી રીતે કરશો તે બધું જ તમારા મિત્રને જણાવો. આ રીતે તમને તમારા જીવનનું વિઝન સ્પષ્ટ થશે. આ રીતે મિત્રને લખેલ પત્ર તેને ખરેખર મોકલવાની જરૂર નથી. તમારા સપનાઓ, ઇચ્છાઓ અને વિઝન પ્રત્યે સજાગ થવા માટે આ પ્રવૃત્તિ કરો. પછી ચેમ્પિયન બનવા માટે આગે બઢતે રહો.